પંજાબના પ્રસિદ્ધ ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ધોળા દહાડે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. પંજાબના માનસા ગામમાં આ ઘટના બની છે. ઘટના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તે પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો.
માનસા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. રણજીત રાયના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત અવસ્થામાં હતા. તેમણે ઉમેર્યું કે, ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાંથી મૂસેવાલા મૃત અવસ્થામાં હતા, જયારે અન્ય બેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે.
#WATCH | Three people were brought to the hospital, out of which Sidhu Moose Wala was dead. After giving primary treatment, the two injured have been referred to a higher institute for further treatment: Dr Ranjeet Rai, Civil Surgeon, Mansa Hospital pic.twitter.com/3j0QAWkofh
— ANI (@ANI) May 29, 2022
નોંધવું જરૂરી છે કે માત્ર એક દિવસ પહેલાં જ પંજાબ સરકારના કહેવાથી તેમની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી હતી. ભગવંત માન સરકારના કહેવાથી પંજાબ પોલીસે 424 લોકોને આપવામાં આવેલી સુરક્ષા પરત ખેંચી લીધી હતી. જેમાંથી એક સિદ્ધુ મૂસેવાલા પણ સામેલ હતા. રિપોર્ટ અનુસાર, મૂસેવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકીઓ પણ મળી રહી હતી. તેમ છતાં પંજાબની આમ આદમી પાર્ટી સરકારે સુરક્ષા વ્યવસ્થાનું કારણ આપીને એક દિવસ પહેલાં જ મૂસેવાલા સહિત 424 VIP લોકોની સુરક્ષા ખેંચી લીધી હતી. જે બાદ આજે સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઇ ગઈ છે.
સિદ્ધુ મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું અને તેઓ માનસા જિલ્લાના મુસા ગામના રહેવાસી હતા. તેમની ઉપર તેમના ગીતોમાં હિંસા અને બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિંદર સિંહના કાર્યકાળ દરમિયાન મુસેવાલા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ અન્ય પણ ઘણા કેસ દાખલ થયા હતા. ગયા વર્ષે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ “પંજાબીઓનો અવાજ ઉઠાવવા” માટે રાજકારણમાં આવ્યા છે.
સિદ્ધુ મૂસેવાલા આ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર માનસાથી લડ્યા હતા. આ ઉપરાંત તેઓ ગયા મહિને પોતાના નવા ગીત ‘બલી કા બકરા’માં ‘આપ’ સમર્થકોને નિશાન બનાવીને પણ વિવાદમાં આવ્યા હતા. આ ગીતમાં તેમણે આમ આદમી પાર્ટીના સમર્થકોને ગદ્દાર કહ્યા હતા. આ સિવાય ગયા વર્ષે જ્યારે તેઓ AK-47 સાથે જોવા મળ્યા હતા ત્યારે પણ તેમની સામે FIR નોંધાઈ હતી. મૂસેવાલાને ખાલિસ્તાની સમર્થક તરીકે પણ ઓળખવામાં આવે છે.