Thursday, November 14, 2024
More
    હોમપેજદેશખેડૂતો કરી રહ્યા હતા પ્રદર્શન, પંજાબ પોલીસે કરી દીધો લાઠીચાર્જ, 8 ઘાયલ:...

    ખેડૂતો કરી રહ્યા હતા પ્રદર્શન, પંજાબ પોલીસે કરી દીધો લાઠીચાર્જ, 8 ઘાયલ: સમયસર અનાજની ખરીદી ન થતા નોંધાવી રહ્યા હતા વિરોધ

    ખેડૂતોએ એવો આરોપ પણ લગાવ્યો કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરીને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો હતો કે દલાલ સુભાષ જૈન પણ ગેરકાયદેસર રીતે ખેડૂતોનો પાક લઇ જઈ રહ્યો છે અને ખેડૂતોને હેરાન કરી રહ્યો છે.

    - Advertisement -

    પંજાબના (Punjab) ભટિંડા (Bathinda) જિલ્લાના રાયકે કલાં (Raike Kalan) ગામમાં અનાજની ખરીદીમાં મોડું થવા અને અન્ય સમસ્યાઓના પગલે સોમવારે (11 નવેમ્બર) મોડી સાંજે પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. ખેડૂતોએ તાલુકાના મામલતદાર અને ખરીદ નિરીક્ષકને ઘેરી લીધા હતા. આ મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસ (Punjab Police) ઘટનાસ્થળે પહોંચી લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ અને ખેડૂતો ઘાયલ થયા હતા. ત્યારે પોલીસે ભારતીય કિસાન યુનિયનના નેતાઓ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.

    અહેવાલો અનુસાર વહીવટીતંત્રે ભેજનું પરીક્ષણ કર્યા વિના ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની ના પાડી દીધી હતી. જે બાદ ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. બપોરે 3:30 વાગ્યાની આસપાસ, ભારતીય કિસાન યુનિયનના લગભગ 20-25 કાર્યકરો રાયકે કલાં ગામમાં સ્થિત બજારમાં એકઠા થયા હતા. બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ હાજર તાલુકા મામલતદાર અને ખરીદ નિરીક્ષકને ટોળાએ ઘેરી લીધા અને પંજાબ સરકારના વિરોધમાં નારા લગાવવા લાગ્યા હતા.

    ભટિંડા ખાતેના રાયકે કલાં ગામમાં જ પહોંચતા લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. આ અથડામણમાં પોલીસના 2 વાહનો એક પોલીસકર્મી અને 8 ખેડૂતો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર એક ખેડૂતના માથામાંથી લોહી ફૂટતું જોવા મળ્યું હતું.

    - Advertisement -

    સરકાર પાક ખરીદવામાં કરી રહી છે વિલંબ

    આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમનું અનાજ બજારમાં મૂક્યાને ઘણા દિવસો થઈ ગયા હતા, પરંતુ સરકાર બજારમાં પડેલો ખેડૂતોનો પાક ખરીદી રહી નહોતી. જેના વિરોધમાં સોમવારે ખેડૂતોએ પાક ખરીદ નિરીક્ષકનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. BKUના નેતા અને ખેડૂત જગસીર સિંઘ ઝુંબાએ જણાવ્યું કે સોમવારે મોડી સાંજે ભારે પોલીસ દળ રાયકે કલાં ગામના અનાજ બજારમાં પહોંચી અને ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો.

    ‘લાઠીચાર્જ કરી દબાવવામાં આવી રહ્યો છે અવાજ’

    આ ઉપરાંત ખેડૂતોએ એવો આરોપ પણ લગાવ્યો કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરીને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો હતો કે દલાલ સુભાષ જૈન પણ ગેરકાયદેસર રીતે ખેડૂતોનો પાક લઇ જઈ રહ્યો છે અને ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સર્વન સિંઘે પંઢેરે આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્ર સરકાર સાથે મળીને મોટા ગૃહો ખેડૂતોના બજારો પર કબજો કરવા ઈચ્છે છે.

    ખેડૂતોએ પંજાબ સરકાર પર પણ આરોપ લગાવતા કહ્યું કે સરકાર જાણીજોઈને તેમનું અનાજ ખરીદવામાં મોડું કરી રહી છે. જેના કારણે તેઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર અનાજની ખરીદી પારદર્શક બનાવે અને ભેજની ચકાસણી કર્યા વિના પણ ખરીદીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે. તેઓનો આરોપ છે કે ભેજ પરીક્ષણના નામે ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે.

    આ મામલે પોલીસ નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે જ્યારે ખેડૂતોએ ઈન્સ્પેક્ટરને ઘેરી લીધા હતા ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસકર્મીઓએ ખેડૂતો સાથે વાત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ પોલીસના વાહનોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું.

    પોલીસે કહ્યું કે ખેડૂતોએ સરકારી અને ખાનગી પોલીસના વાહનમાં તોડફોડ કરી અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયો. SSP અમ્નીત કોંડલે કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તથા પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે તથા દોષિતો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

    ખેડૂતોની સરકાર સમક્ષ માંગ

    બીજીતરફ ખેડૂત નેતા જગસીર સિંહે મુખ્યમંત્રી માન પાસે માંગ કરી છે કે ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર પોલીસ દળ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મંડીઓમાં આવેલ ડાંગરનો પાક તાત્કાલિક ખરીદવો જોઈએ. આ ઉપરાંત ખેડૂતો સાથે દાદાગીરી કરનારા દલાલ સુભાષ જૈન સામે પગલાં લેવા જોઈએ. ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે જો ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો તેઓ ચૂપ નહીં રહે અને જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર સામે મોટા પાયે ઉગ્ર પ્રદર્શન કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં