પુણેના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે બુધવારે (22 મે) પોર્શે અકસ્માત કેસના આરોપી સગીરના જામીન રદ કરી દીધા અને તેને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હૉમમાં મોકલી આપવામાં આવ્યો છે. આ 17 વર્ષીય કિશોરે નશાની હાલતમાં મોંઘીદાટ પોર્શે કાર એક મોટરસાઇકલ પર ચડાવી દીધી હતી, જેમાં બે વ્યક્તિઓનાં મોત થયાં હતાં. આ કેસમાં આરોપીના બાપની પણ ધરપકડ કરવામાં આવી છે.
Pune Car Accident Case | The Juvenile Justice Board remanded the minor accused to a Rehabilitation/Observation home till 5th June: Pune Police Officials
— ANI (@ANI) May 22, 2024
જામીન પર સુનાવણી કરતી વખતે પોલીસે આરોપીને રિમાન્ડ પર મોકલવા માટે દલીલ કરી હતી અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને જણાવ્યું હતું કે જો તે બહાર રહેશે તો તેને પણ જોખમ રહેશે, કારણ કે લોકો હુમલો કરી શકે છે અને બીજું તે અંદર રહેશે તો બહાર લોકો સુરક્ષિત રહેશે. બીજી તરફ, આરોપી સગીરના વકીલે દલીલો આપી હતી કે તે ડિપ્રેશનનો શિકાર છે અને તેના કારણે જ દારુ પીવાની લત લાગી ગઈ હતી. તે ઘરે વધુ સુરક્ષિત રહેશે અને રિમાન્ડ હોમમાં રાખવામાં આવ્યો તો ડિપ્રેશનમાંથી બહાર નહીં આવી શકે.
પુણે પોલીસે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને એક અરજી આપીને રજૂઆત કરી હતી કે આરોપીને વયસ્ક ગણીને જ તેની સામે ટ્રાયલ ચલાવવામાં આવે. બીજી તરફ, પોલીસે તેની સામે મોટર વેહિકલ એક્ટની કલમ 185 (દારૂ પીને વાહન હંકારવું), 184 (જોખમી ડ્રાઇવિંગ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ), 119 (મોટર વેહિકલના ડ્રાઇવિંગ માટે વયમર્યાદા) અને 177 (ગુનાની સજા માટેની સામાન્ય જોગવાઈ) ઉમેરી હતી. બીજી તરફ, મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશ્નરે બુધવારે જણાવ્યું હતું કે, પોર્શે અકસ્માત કેસના આરોપીને 25 વર્ષ સુધી લાયસન્સ મળી શકશે નહીં.
અકસ્માતના થોડા જ કલાકોમાં મળી ગયા હતા જામીન, શરત હતી- નિબંધ લખવાની
આ ઘટના રવિવારે (19 મે) બની હતી. આરોપી સગીર શહેરના એક મોટા રિયલ એસ્ટેટ ડેવલપરનો પુત્ર છે. તેણે દારૂના નશામાં પોર્શે કાર એક મોટરસાઇકલમાં ભટકાવી દીધી હતી, જેના કારણે બે યુવાન IT પ્રોફેશનલ્સનાં (બંનેની ઉંમર 24 વર્ષ) ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જોકે, ઘટના બાદ થોડા જ કલાકોમાં આરોપીને જામીન મળી ગયા હતા.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આરોપીને યરવડા ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ માટે કામ કરવાની અને ‘રોડ અકસ્માતો’ પર એક નિબંધ લખવાની શરતે જામીન આપી દીધા હતા. પરંતુ પછીથી સોશિયલ મીડિયામાં ભરપૂર ટીકા થઈ અને લોકોએ આવા આદેશ પર સવાલો ઉઠાવ્યા હતા. પછીથી રાજ્ય સરકારે પણ સંજ્ઞાન લીધું હતું અને યોગ્ય તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.
ભારે ટીકા બાદ પુણે પોલીસે જણાવ્યું હતું કે તેઓ આદેશને ઉપલી કોર્ટમાં પડકારશે. ત્યારબાદ તેઓ ફરીથી બોર્ડ પાસે ગયા અને અગાઉના આદેશ પર પુનર્વિચાર કરીને ગુનાની ગંભીરતાને જોતાં આરોપી કિશોરને એક વયસ્ક તરીકે ગણીને ટ્રાયલ ચલાવવા માટે પરવાનગી માંગી હતી.
આરોપીના બાપ અને બારના મેનેજરની પણ ધરપકડ
આ મામલે પોલીસે સગીર અને તેના બાપ વિરુદ્ધ IPCની કલમ 304 (બિનઇરાદાપૂર્વક હત્યા), 304A (બેદરકારીના કારણે હત્યા), 279 (જોખમી ડ્રાઇવિંગ), 337 (કોઈનો જીવ જોખમમાં મૂકાય તે રીતે ઈજા પહોંચાડવી), 338 (જીવન જોખમમાં મૂકાય તે રીતે અને વ્યક્તિગત સુરક્ષા જોખમાય તે રીતે ઇજા પહોંચાડવી) તેમજ મોટર વેહિકલ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ આરોપીના પિતાની ધરપકડ કરી લેવામાં આવી, જે હાલ કસ્ટડીમાં છે. આ કેસમાં પોલીસે જે બારે સગીરને આલ્કોહોલ આપ્યો હતો તેના મેનેજરો વિરુદ્ધ પણ ગુનો નોંધીને ધરપકડ કરી છે.