પુણે કાર અકસ્માત કેસમાં હવે આરોપી સગીરના દાદાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે IPC 365 (કિડનેપિંગ) અને 368 (ગેરકાયદેસર રીતે કબજામાં રાખવું) હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. પુણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રકુમાર અગ્રવાલની ધરપકડ ફેમિલી ડ્રાઈવરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા બદલ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. નોંધવું જોઈએ કે એક દિવસ પહેલાં જ પુણે પોલીસે જણાવ્યું હતું કે તપાસ બાદ એવું સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે અકસ્માત બન્યો ત્યારે ગાડી સગીર નહીં પરંતુ ડ્રાઇવર ચલાવી રહ્યો હતો.
Pune car accident case: The grandfather of the minor accused has been arrested by the Crime Branch unit of Pune Police. A separate FIR has been registered against him under IPC 365 and 368: CP Pune Amitesh Kumar
— ANI (@ANI) May 25, 2024
ફેમિલી ડ્રાઇવરની ફરિયાદના આધારે યરવડા પોલીસે સગીરના દાદા સુરેન્દ્રકુમાર વિરુદ્ધ એક અલગ FIR દાખલ કરી હતી, જે મામલે પછીથી ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ કાર્યવાહીને લઈને જણાવ્યું કે, “અકસ્માત બાદ સગીરના પિતા અને દાદાએ ડ્રાઇવરનો ફોન લઇ લીધો હતો અને 19 અને 20 મેના રોજ તેમના બંગલાના એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. પછીથી તેની પત્નીએ ડ્રાઇવરને મુક્ત કર્યો.”
પોલીસ અનુસાર, સગીરના દાદાએ ડ્રાઇવરને તમામ આરોપો પોતાની ઉપર લઇ લેવા માટે કહ્યું હતું અને બદલામાં કિંમત ચૂકવવા માટે પણ વાયદો કર્યો હતો. સાથે એમ પણ કહ્યું હતું કે જો તે તેમ નહીં કરે તો પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
આ કેસનો આરોપી સગીર હાલ ઓબ્ઝર્વેશન હૉમમાં બંધ છે. પોલીસે તેને વયસ્ક ગણીને કેસ ચલાવવા માટેની પરવાનગી માંગી છે, જેની ઉપર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ નિર્ણય કરશે. બીજી તરફ, આ કેસમાં તેના પિતા અને જે બારમાં તેણે દારૂ પીધો હતો તેના મેનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે (24 મે) કોર્ટે 6 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે સગીરનો પિતા હાલ જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે અકસ્માત બન્યો ત્યારે ડ્રાઇવર કારમાં હાજર હતો. પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર, પછીથી એવું સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા કે અકસ્માત બન્યો ત્યારે સ્ટિયરિંગ વ્હીલ પાછળ સગીર નહીં પરંતુ ડ્રાઇવર હતો. અકસ્માત બાદ શરૂઆતમાં ડ્રાઈવરે દાવો કર્યો હતો કે તે ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, શા માટે અને કોના દબાણ હેઠળ તે આવું કહી રહ્યો હતો તે તપાસ કરવામાં આવશે.
આ ઘટના ગત 19 મેના રોજ બની હતી. એક પોર્શે કાર પુણેના રસ્તા પર રાત્રે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મોટરસાયકલ પર સવાર યુવક-યુવતીનાં મોત નીપજ્યાં હતાં. પછીથી સામે આવ્યું કે કાર એક સગીર ચલાવી રહ્યો હતો અને નશામાં હતો. પછીથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતાં ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવાની અને નિબંધ લખવાની શરતે તેને જામીન આપી દેવામાં આવ્યા હતા, પરંતુ દેશભરમાં ભારે ટીકા થયા બાદ પોલીસે ફરી અરજી દાખલ કરી હતી અને જેમાં જામીન રદ કરી દેવાયા હતા.