બાંગ્લાદેશમાં હિંદુ વિરુદ્ધ હિંસા અને તેનો વિરોધ કરી રહેલા સંતો-મહંતો પરનો અત્યાચાર યથાવત છે. ત્યારે હવે તેના પડઘા ભારતમાં પડી રહ્યા છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના 24 પરગણાનની પેટ્રોપોલ ઇન્ડો-બાંગ્લા સીમા પર વિરોધ પ્રદર્શન યોજાયું. પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષ નેતા અને ભાજપના નેતા સુવેંદુ અધિકારીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું. અહીં તેમણે સેંકડોની જનમેદનીને સંબોધિત કરીને હિંદુઓ વિરુદ્ધ હિંસાનો વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુવેંદુ અધિકારીએ બાંગ્લાદેશ સરકારને ચેતવણી આપી હતી કે જો ત્યાં અલ્પસંખ્યક હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા અને હિંદુ સંસ્થાઓ પર હુમલા નહીં રોકવામાં આવે તો બાંગ્લાદેશે તેનું મુલ્ય ચુકવવું પડશે. તેમણે બાંગ્લાદેશ બોર્ડરને અનિશ્ચિત સમય સુધી બંધ કરીને નિર્યાત પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. પેટ્રોપોલ સીમા પર સુવેંદુ અધિકારી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે જો હિંસા પર લગામ નહીં લગાવવામાં આવે તો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ કરી દેવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના અન્ય નેતાઓ પણ અહીં હાજર હતા.
#WATCH | Petrapole, North 24 Parganas (West Bengal): BJP MLAs, including West Bengal LoP Suvendu Adhikari protest near Petrapole at India-Bangladesh border over arrest of two ISKCON seers in Bangladesh and targetted attacks on minorities, including Hindus there. pic.twitter.com/RXZ21w1zD2
— ANI (@ANI) December 2, 2024
સુવેંદુ અધિકારીએ કહ્યું કે, “બાંગ્લાદેશની યુનુસ સરકાર એક કટ્ટરપંથી સરકાર છે. તે હિંદુ વિરોધી સરકાર છે. તેઓ મંદિરોને નષ્ટ કરીને હિંદુ સાધુ-સંતોને ગેરકાયદેસર રીતે જેલમાં ધકેલી રહ્યા છે.” નોંધનીય છે કે આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર હતા. સ્વપન મજમુદાર, અશોક કીરતાનીયા અર્જુન સિંઘ સહિતના નેતાઓ અહીં હિંદુઓ વિરુદ્ધ હિંસાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જોકે સુવેંદુ અધિકારીએ આ પ્રદર્શનને હિંદુઓનું પ્રદર્શ ગણાવી કહ્યું હતું કે, “આ ક્ષણિક આક્રોશ નથી, અને આ કોઈ પાર્ટી કાર્યક્રમ પણ નથી. અમે રાજકારણથી ઉપર ઉઠીને હિંદુઓને એક કરવા માંગીએ છીએ.”
નોંધવું જોઈએ કે આ આખા પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન 24 પરગણાનની પેટ્રોપોલ ઇન્ડો-બાંગ્લા સીમા પર ‘હિંદુ-હિંદુ ભાઈ ભાઈ’ અને અનેક હિંદુ સમર્થક નારા પણ સાંભળવા મળ્યા હતા. સેંકડો લોકો ભગવા ધ્વજ અને કેસરી ખેસ સાથે અહીં હાજર હતા. હાજર તમામ લોકોએ બાંગ્લાદેશ સરકારને હિંદુ સંતોને મુક્ત કરવા અને હિંદુઓ વિરુદ્ધ હિંસાઓ અટકાવવા પગલા લેવા માંગ કરી હતી. સાથે જ બોર્ડર સીલ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.