ટીમ ઇન્ડિયાનાં જાણીતાં ક્રિકેટર પૃથ્વી શોએ સપના ગીલ વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં વિડીયોમાં પૃથ્વી શો અને સપના ગીલ એકબીજા સાથે લડાઈ કરતાં જોવાં મળ્યાં હતાં.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પૃથ્વી શો મુંબઈની એક હોટલમાં પોતાનાં મિત્ર સાથે ગયા હતાં અને સપના ગીલ પણ પોતાનાં મિત્રો સાથે ત્યાં હાજર હતાં. આરોપ એવો છે કે સપના ગીલ અને તેનાં મિત્રોએ હોટલમાં પૃથ્વી શો સાથે સેલ્ફી ખેંચવાની માંગણી કરી હતી, પરંતુ શોએ ના પાડી દીધી હતી. આમ છતાં સપનાએ આ માટેની માંગણી ચાલુ રાખી અને પૃથ્વી શોએ હોટલ મેનેજરને ફરિયાદ કરતાં સપના અને તેનાં મિત્રોને હોટલમાંથી કાઢી મૂક્યાં હતાં.
ત્યારબાદ જ્યારે પૃથ્વી શો અને તેનો મિત્ર હોટલની બહાર આવ્યા ત્યારે કહેવાય છે કે સપના અને તેનાં મિત્રો બેઝબોલ બેટ લઈને ત્યાં હાજર હતાં. અહીં પણ આ બને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે એટલી ઉગ્ર થઇ હતી કે વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સપના અને તેનાં મિત્રોથી માંડમાંડ બચીને પૃથ્વી શો અને તેનાં મિત્ર શોની કારમાં ત્યાંથી ભાગ્યા હતાં. પરંતુ સપના ગીલ અને તેનાં મિત્રોએ તેમનો પીછો કર્યો હતો અને એક સિગ્નલે તેમની સાથે થઇ ગયાં હતાં.
આ જ સ્થળે સપના ગીલ અને તેનાં સાથીદારોએ પૃથ્વી શોની કાર પર હુમલો કરીને તેનાં વિન્ડશિલ્ડનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ પૃથ્વી શો ઓશિવારા પોલીસ સ્ટેશને ગયો હતો અને સપના ગીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોતાની કારને થયેલાં નુકસાન બદલ 50 હજાર રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
ઓશિવારા પોલીસે પૃથ્વી શો અને તેનાં મિત્ર આશિષ યાદવની FIRનાં આધારે સપના ગીલ વિરુદ્ધ IPCની કલમો 143, 148, 149, 384, 437, 504 અને 506 હેઠળ ફરિયાદ નોંધી છે. આ FIR બાદ પોલીસે સપના ગીલની ધરપકડ કરીને તેનો મેડીકલ ટેસ્ટ કરાવ્યો હતો. આજે સપના ગીલને મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે.
કોણ છે સપના ગીલ જેણે ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો કર્યો હોવાનો આરોપ છે
સપના ગીલ બેંગલુરુની નિવાસી છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેનાં 2.18 લાખ ફોલોઅર્સ છે. આ ઉપરાંત સપના ગીલે ભૂતકાળમાં બે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેનાં નામ હતાં કાશી અમરનાથ અને મેરા વતન.
હાલમાં તો પૃથ્વી શોએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે પરંતુ સપના ગીલે પણ વળતી ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.