ભારત અને ફ્રાંસ વચ્ચેના સબંધો સતત મજબૂત થઈ રહ્યા છે, તેવામાં આ મજબૂતી પર વધુ એક ગાંઠ વાગે તેવા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સની બૈસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથી તરીકે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભારત-ફ્રાંસની રણનીતિની ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં દ્વારા એક ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેને સ્વીકારીને અગામી દિવસોમાં પીએમ મોદી ફ્રાન્સના પ્રવાસે જશે.
વડાપ્રધાન મોદીને ફ્રાન્સની બૈસ્ટિલ ડે પરેડ પર મુખ્ય અતિથીનું આમંત્રણ પાઠવ્યા બાદ જ્યારે ભારત સરકાર તરફથી તેને સ્વીકારી લેવામાં આવ્યું, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી હતી. જેના માટે તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાનો રાજીપો જાહેર કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદી સાથેનો એક ફોટો પોતાના અધિકારીક હેન્ડલ પર શેર કરતા હિન્દી ભાષામાં ટ્વિટ કરતા લખ્યું કે, “પ્રિય નરેન્દ્ર, 14 જુલાઈની પરેડમાં સન્માનિત અતિથીના રૂપમાં આપનું પેરિસમાં સ્વાગત કરીને મને ખૂબ ખુશી થશે”
Cher Narendra, heureux de t'accueillir à Paris comme invité d'honneur du défilé du 14 juillet !
— Emmanuel Macron (@EmmanuelMacron) May 5, 2023
प्रिय नरेंद्र, 14 जुलाई की परेड के सम्मानित अतिथिके रूप में तुम्हारा पेरिस में स्वागत कर के मुझे बहुतखुशी होगी। pic.twitter.com/XTJi4MiE0E
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મામલે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાથી રણનીતિક, સંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને આર્થિક સહયોગ માટે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યોને નિર્ધારિત કરીને ભારત અને ફ્રાન્સ રણનીતિક ભાગીદારી આગલા સ્તરે પહોંચે તેવી અપેક્ષા છે.
મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારત અને ફ્રાંસના શાંતિ અને સુરક્ષા મામલે સમાન દ્રષ્ટિકોણ છે. જે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પરસ્પર સહયોગના આધાર પણ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ફ્રાન્સના બૈસ્ટિલ ડે પરેડમાં ભારતીય સેનાની એક વિશેષ ટુકડી પણ સામેલ થશે.
શું છે ફ્રાન્સની બૈસ્ટિલ ડે પરેડ
નોંધનીય છે કે 14 જુલાઈ 1789માં સૈન્ય કિલ્લા અને જેલના રૂપે વિખ્યાત બૈસ્ટિલ પર ગુસ્સે ભરાયેલી ભીડે હુમલો કરીને કબજો કરી લીધો હતો. આ ઘટનાને ફ્રાન્સની ક્રાંતિની શરૂઆત માનવામાં આવે છે. આ જ કારણ છે કે સાલ 1810થી દર વર્ષે 14 જુલાઈના રોજ ફ્રાન્સમાં બૈસ્ટિલ ડે પરેડનું આયોજન કરવામાં આવે છે.
ફ્રાંસના ઇતિહાસમાં સહુથી મહત્વપૂર્ણ માનવામાં આવતા આ દિવસે પેરિસમાં સૈન્ય પરેડ કાઢવામાં આવે છે અને આતશબાજી પણ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફ્રાન્સ જવું અને ત્યાંની અતિમહત્વપૂર્ણ પરેડમાં મુખ્ય અતિથી બનવું તે ભારત અને ફ્રાન્સના મજબૂત થઈ રહેલા સબંધોનું મોટું ઉદાહરણ માની શકાય.