Sunday, October 27, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, અમરેલીમાં હજારો કરોડનાં વિકાસકામોનાં શિલાન્યાસ-લોકાર્પણ: 28 ઑક્ટોબરે...

    વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, અમરેલીમાં હજારો કરોડનાં વિકાસકામોનાં શિલાન્યાસ-લોકાર્પણ: 28 ઑક્ટોબરે ગુજરાતમાં વડાપ્રધાન મોદી, સ્પેનિશ PM પણ આવશે

    દર વખતની જેમ આ વખતે પણ તેઓ પોતાના પ્રવાસ દરમિયાન ગુજરાતની જનતાને વિકાસલક્ષી પરિયોજનાઓની ભેટ આપશે. દરમ્યાન, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પણ તેમની સાથે રહેશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે (28 ઑક્ટોબર, 2024) ગુજરાત આવશે. દર વખતની જેમ આ વખતે પણ તેઓ પોતાના પ્રવાસ દરમિયાન ગુજરાતની જનતાને વિકાસલક્ષી પરિયોજનાઓની ભેટ આપશે. દરમ્યાન, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પણ તેમની સાથે રહેશે. બંને રાષ્ટ્રાધ્યક્ષો વડોદરાની (Vadodara) મુલાકાત લેશે અને ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પણ જશે. ત્યારબાદ PM અમરેલી ખાતે કરોડોનાં વિકાસકાર્યોના લોકાર્પણ-શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે.

    વડોદરામાં C-95 વિમાન નિર્માણ પ્લાન્ટનું ઉદ્ઘાટન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત વડોદરાથી કરશે. અહીં તેઓ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરશે. અહીં બંને નેતાઓ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL) પરિસર ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. અહીં ટાટા C-295 એરક્રાફ્ટનું નિર્માણ કરશે. નોંધનીય છે કે આ પ્રોગ્રામ હેઠળ કુલ 56 વિમાનોના કરાર કરવામાં આવ્યા છે. જેમાંથી 16 સીધાં સ્પેનથી ડિલિવર કરવામાં આવશે અને બાકીનાં 40 ભારતમાં બનાવવામાં આવશે. જેની જવાબદારી ટાટાએ ઉપાડી છે.

    નોંધવું જોઈએ કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2022માં સૈન્ય વિમાનો તૈયાર કરવા માટે જે ફાઈનલ એસેમ્બલી લાઈનની આધારશિલા રાખી હતી, ત્યાં જ વિમાનના નિર્માણથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને અંતે ત્યાંથી જ ડિલીવરી પણ કરવામાં આવશે. માત્ર ટાટા જ નહીં ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેવી અગ્રણી ડિફેન્સ અને સાર્વજનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે-સાથે ખાનગી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનું પણ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં યોગદાન રહેશે.

    - Advertisement -

    અહીંના કાર્યક્રમો આટોપીને સવારના લગભગ 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષ્મીવિલાસ પેલેસ જવા રવાના થશે. ત્યાંની મુલાકાત પૂર્ણ કરીને તેઓ અમરેલી પહોંચશે. તેઓ લગભગ 2:45 આસપાસ અમરેલીના દુધાળા ગામે પહોંચશે અને અહીં ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. ત્યાંથી બપોરે ત્રણ વાગતાં તેઓ લાઠી જશે. અહીં તેઓ 4,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

    અમરેલીમાં 4,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

    નોંધનીય છે કે તેઓ દુધાળામાં ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવાના છે. આ પરિયોજના ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સાર્વજનિક-ખાનગી ભાગીદારી (PPP) મોડલ અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 4.5 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકે તે મુજબ ચેકડેમમાં સુધારો કર્યો હતો. બાદમાં તેને ઊંડો, પહોળો અને મજબૂત કરાયા બાદ તેની ક્ષમતા વધીને 24.5 કરોડ લિટરે પહોંચી ગઈ છે. આ પરિયોજનાથી આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર થઈ છે.

    આ પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ ₹4,900 કરોડ રૂપિયાના ખર્ચે ઉભી થનાર વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ સહિતના જિલ્લાઓના નાગરિકો લાભ મેળવશે. તેઓ વિવિધ રોડ પરિયોજનાનું લોકાર્પણ કરવાના છે, જેનો ખર્ચ 2,800 કરોડથી વધુનો છે. તેમાં NH 151, NH 151A અને NH51ના વિવિધ ભાગોને ફોર-લેનિંગ અને જૂનાગઢ બાયપાસનો સમાવેશ થાય છે. બીજી તરફ જામનગરના ધ્રોલ બાયપાસથી મોરબી સુધી ફોરલેન રોડની પરિયોજનાની આધારશિલા પણ મૂકવામાં આવશે.

    તેઓ ₹1100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ભૂજ-નલિયા રેલ ગેજ પરિવર્તન યોજનાનું લોકાર્પણ કરશે. તેમાં 254 નાના પુલ, 3 રોડ ઓવરબ્રિજ અને 30 જેટલા અન્ડરબ્રિજનો સમાવેશ થાય છે. આ કચ્છ જિલ્લાના સામજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થનારી પરિયોજના છે. આ સિવાય વડાપ્રધાન મોદી અમેરેલીના આપૂર્તિ વિભાગને લઈને ₹700 કરોડથી વધુની લાગતના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં નાવડાથી ચાવંડ સુધીની પાઈપલાઈન કનેક્શન નાખવાની યોજનાનો સમાવેશ થાય છે.

    આ યોજનાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાનાં 36 શહેરો અને 1,298 જેટલાં ગામોમાં વસતા 67 લાખ નાગરિકોને 28 કરોડ લિટર પાણી પહોંચાડવામાં આવશે. ભાવનગર જિલ્લાને લઈને પણ પાણીની જરૂરિયાતોને લઈને વિવિધ યોજનાઓની આધારશિલા રાખવામાં આવશે. જેના થકી ભાવનગરના મહુવા, તળાજા અને પાલીતાણાના 95થી વધુ ગામડાંના નાગરિકોને લાભ મળશે. આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગુજરાત પ્રવાસ દરમિયાન પર્યટન સંબંધિત પરિયોજનાઓની પણ આધારશિલા રાખશે, જેમાં પોરબંદર જિલ્લાના મોકરસાગરમાં જળાશયને વિશ્વસ્તરીય ઇકોપર્યટન સ્થળમાં પરિવર્તિત કરવાની યોજના પણ સામેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં