લોકસભા ચૂંટણી બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. સાંસદોના શપથગ્રહણ અને સ્પીકરની ચૂંટણી બાદ ગુરુવારે (27 જૂન) રાષ્ટ્રપતિએ બંને ગૃહના સંયુકત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી તો અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી. લોકસભા અને રાજ્યસભાના સાંસદો, સરકારના મંત્રીઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા.
સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ તમામ સાંસદોને શુભકામનાઓ પાઠવી તેમજ સ્પીકર તરીકે નીમાવા બદલ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા. તેમણે ચૂંટણીનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, તે વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, જેમાં 64 કરોડ મતદારોએ ભાગ લીધો અને પોતાની ફરજ નિભાવી. કાશ્મીરમાં થયેલા રેકોર્ડબ્રેક મતદાનનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતના લોકોની આકાંક્ષાઓ સર્વોચ્ચ સ્તર ઉપર છે ત્યારે આવા સમયમાં લોકોએ ત્રીજી વખત મારી સરકાર પર વિશ્વાસ દાખવ્યો છે. જેથી આ ચૂંટણી નીતિ, નિયત, નિષ્ઠા અને નિર્ણયો પર વિશ્વાસની ચૂંટણી રહી. તેમણે કહ્યું કે સરકારે 10 વર્ષમાં સેવા અને સુશાસનનાં જે મિશન ચલાવ્યાં, તેની ઉપર આ મહોર છે. આ જનાદેશ છે કે ભારતને વિકસિત બનાવવા માટેનું કામ નિરંતર ચાલતું રહે અને ભારત પોતાનાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરતું રહે.
કટોકટી ભારતના ઇતિહાસનો કાળો અધ્યાય
રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન ઇન્દિરા ગાંધી સરકારે 1975માં લાદેલી કટોકટીનો પણ ઉલ્લેખ કર્યો. નોંધવું જોઈએ કે કટોકટી 26 જૂન, 1975ના રોજ લાગુ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, “1975માં લાગુ કરવામાં આવેલી કટોકટી ભારતના ઈતિહાસનો સૌથી મોટો અને કાળો અધ્યાય હતો, જેનાથી આખા દેશમાં હાહાકાર મચી ગઈ હતી, અને સાથોસાથ આ પગલું ગેરબંધારણીય પણ હતું. સંસદને સંબોધતાં તેમણે કહ્યું કે, તે બંધારણ પર સીધો હુમલો હતો. પરંતુ આવી ગેરબંધારણીય શક્તિઓ પર દેશે વિજય પ્રાપ્ત કરીને બતાવ્યો હતો, કારણ કે ભારતના મૂળમાં ગણતંત્રની પરંપરાઓ રહી છે.
વિઘટનકારી શક્તિઓને સફળ ન થવા દેવાય: રાષ્ટ્રપાતિ
સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ અમુક ચિંતા પર વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, હું ઇચ્છું છું કે આ વિષયો પર ચિંતન-મનન કરીને સાંસદો ઠોસ અને સકારાત્મક પરિણામ દેશને આપે. તેમણે કહ્યું કે, “આજની સંચાર ક્રાંતિના યુગમાં વિઘટનકારી શક્તિઓ લોકતંત્રને નબળુ પાડવા માટે સમાજમાં તિરાડો પાડવાના પ્રયાસ કરી રહી છે. આ શક્તિઓ દેશની અંદર પણ છે અને બહારથી પણ સંચાલિત થઈ રહી છે. જેના થકી અફવા ફેલાવવાના, જનતાને ભ્રમમાં નાખવાના પ્રયાસ થાય છે અને આ માટે ખોટી માહિતીનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને આમ જ ચાલવા નહીં દેવામાં આવે. આજના સમયમાં ટેક્નોલોજી સતત ઉન્નત થઈ રહી છે ત્યારે આ સ્થિતિમાં માનવતા વિરુદ્ધ તેનો ખોટો ઉપયોગ ઘાતક છે. આપણા સૌની જવાબદારી છે કે આ પ્રવૃત્તિને રોકી અને આ પડકારોનો સામનો કરીને નવા રસ્તા શોધીએ.
પેપર લીકની ઘટનાઓ રોકવા માટે રાજકારણથી ઉપર ઉઠીને ઠોસ પગલાં જરૂરી
રાષ્ટ્રપતિએ સંબોધનમાં તાજેતરની પેપર લીકની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “તાજેતરમાં જ અમુક પરીક્ષાઓમાં થયેલી પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ અને દોષીઓને કડકમાં કડક સજા અપાવવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ આપણે જોયું છે કે પેપર લીકની ઘટનાઓ ઘણાં રાજ્યોમાં બનતી રહી છે. આ બાબતે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને દેશવ્યાપી ઠોસ ઉપાય લાવવાની જરૂર છે. સંસદે પણ પરીક્ષામાં થતી ગડબડ રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. મારી સરકાર પરીક્ષાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ, તેના કામકાજની પદ્ધતિ, પરીક્ષા પ્રકારિયા- તમામમાં મોટા સુધારા કરવાની દિશામાં કામ કરી રહી છે.
આ સિવાય રાષ્ટ્રપતિએ પોતાના લાંબા અભિભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓનો પણ વિશેષપણે ઉલ્લેખ કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશ આ જ રીતે આગળ વધતો રહેશે. ઉપલબ્ધિઓમાં CAAથી માંડીને શિક્ષણ, આરોગ્ય, યુવા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સિવાય, કલ્યાણકારી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો અને સરકારની પ્રશંસા કરી. ખાસ કરીને સ્ત્રીસશક્તિકરણ માટેના સરકારના પ્રયાસોને પણ બિરદાવ્યા.