તાજેતરના સમયમાં પંજાબ પૂરનો ભયંકર માર સહન કરી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ છેલ્લા 37 વર્ષનું સૌથી ભયાનક પૂર છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓ આ ભયંકર પૂરની ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 37 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે અને 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, હવે પંજાબની AAP સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે.
પૂરની ભયાવહતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, 1,650થી વધુ ગામડાંઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. 1,75,286 હેક્ટર ખેતી પૂરથી પ્રભાવિત થઈ છે. ઘર-મકાનો ધરાશાયી થઈ રહ્યા છે અને વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યમાં NDRFની 22 ટીમો તહેનાત કરવામાં આવી છે અને સેના પણ મદદમાં જોડાઈ છે.
પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંઘ સંધવાંએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ પૂરને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા અને વિશેષ રાહત પેકેજ જારી કરવાની માગણી કરી છે. કુલતાર સિંઘે કેન્દ્ર પાસે ₹60,000 કરોડનું ફંડ તાત્કાલિક જારી કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર પાસે માંગણી કરી છે કે પાકના નુકસાન માટે એકર દીઠ ₹50,000નું વળતર આપવામાં આવે.
AAP સરકારની નિષ્ફળતા બની આફતનું કારણ
પંજાબનું પૂર લોકો માટે આફત બનીને આવ્યું છે, પરંતુ તેના માટે જેટલી કુદરત જવાબદાર છે, તેટલી જ સત્તારૂઢ AAP પણ જવાબદાર છે. ગયા ફેબ્રુઆરીમાં જ્યારે પૂરની તૈયારીઓ માટે AAP પંજાબના નેતાઓએ બેઠકો કરવાની હતી, ત્યારે તેઓ દિલ્હીની વિધાનસભા ચૂંટણીઓમાં વ્યસ્ત હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંજાબ સરકારની બેદરકારીને કારણે પૂરની તૈયારીઓ સંબંધિત પ્રથમ બેઠક 5 જૂને યોજાઈ અને AAP સરકારને તૈયારી માટે માત્ર 17 દિવસનો સમય મળ્યો. 22 જૂને રાજ્યમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, 2,800 કિલોમીટર ઘુસી બંધનું સમારકામ અને નાળાઓની સફાઈ માટે સરકારે ₹117 કરોડ ફાળવ્યા હતા, પરંતુ આ સમયમર્યાદા વ્યવહારુ નહોતી. તેમણે કહ્યું કે, “30 જૂનની સમયમર્યાદા અવાસ્તવિક હતી.”
આ પહેલાં પૂરની તૈયારીઓ માટે ફેબ્રુઆરી અને માર્ચમાં પૂર નિયંત્રણ બેઠકો યોજાતી હતી. અધિકારીએ કહ્યું કે, “હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી, પરંતુ સરકારે તેને અવગણી. બે વર્ષ પહેલાં જ રાજ્યએ ભયંકર પૂરનો સામનો કર્યો હતો.”
પૂર્વ મંત્રીઓએ પણ AAP પર ઉઠાવ્યા સવાલ
પૂર્વ સિંચાઈ મંત્રી જનમેજા સિંઘ સેખોંએ કહ્યું કે, “પ્રકાશ સિંઘ બાદલના કાર્યકાળમાં બેઠકો એપ્રિલ કે મેમાં યોજાતી હતી. જ્યારે ભારે વરસાદની સંભાવના દેખાતી ત્યારે ફેબ્રુઆરીમાં પણ બેઠકો બોલાવી હતી. નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ધનરાશિ જારી કરવામાં આવતી હતી અને તમામ કામ 30 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવતા હતા.” સેખોંએ દાવો કર્યો કે માધોપુર હેડવર્ક્સમાં 28 ગેટમાંથી માત્ર 4 જ ચાલુ હતા, કારણ કે તેનું સમારકામ જ નહોતું થયું.
કોંગ્રેસના પૂર્વ જળ સંસાધન મંત્રી સુખબિંદર સિંઘ સરકારિયાએ કહ્યું કે, “આ પહેલાં ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ ડેપ્યુટી કમિશનરોની હાજરીમાં બેઠકો યોજાતી હતી. અમે 100 કરોડ રૂપિયા જારી કર્યા હતા અને તે પૂરતા હતા. આજે, તેઓ ₹200 કરોડનો ખર્ચ થયાનો દાવો કરે છે, પરંતુ મને કોઈ કામ દેખાતું નથી.”
અહેવાલ મુજબ, NHAIએ રોડ પ્રોજેક્ટ્સ માટે સરકાર સામે નદીઓમાંથી કાંપ કાઢવાની માંગણી કરી હતી, પરંતુ તેમને નકારી દેવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર્વ ચીફ ઈજનેર અમરજીત સિંઘ દુલ્લતે માધોપુર હેડવર્ક્સની ખામી અંગે કહ્યું કે, પોતાના ઈજનેરો પર ભરોસો રાખવાને બદલે ખાનગી કંપનીને રિપોર્ટ માટે 23 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દુલ્લતે કહ્યું કે, “117 કરોડ રૂપિયા જારી કર્યા હશે, પરંતુ કોઈ કામ દેખાતું નથી.”
જોકે, જળ સંસાધન મંત્રી બરિન્દર કુમાર ગોયલે સમારકામ પૂર્ણ થયાનો દાવો કર્યો છે. બીજી તરફ, એક ઈજનેરે પૂર માટે નદીઓના માર્ગ બદલાવાને જવાબદાર ઠેરવ્યું છે.
હાલ પંજાબમાં સ્થિતિ ખરાબ છે અને હવે તમામ સરકારી એજન્સીઓ, NGO અને સામાન્ય માણસો અસરગ્રસ્તોને રાહત પહોંચાડવામાં જોડાયા છે. વડા પ્રધાન મોદીએ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણ પણ સ્થિતિના નિરીક્ષણ માટે જવાન છે. જો પંજાબ સરકારે સમયસર તૈયારીઓ કરી હોત, ચૂંટણીમાં હાર-જીતથી પહેલાં લોકોને મહત્વ આપ્યું હોત તો આજે આવી સ્થિતિ ન હોત.


