કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ નેતારૂની હત્યા મામલે ગુરુવારે (28 જુલાઈ 2022) મોહમ્મદ શફીક અને ઝાકીર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સામે આવ્યું છે કે શફીક અને પ્રવીણ એકબીજાને ઓળખતા હતા. પ્રવીણની દુકાનમાં તેના પિતા કામ પણ કરી ચૂક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
શફીકના પિતા ઇબ્રાહિમે ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “હું પ્રવીણની દુકાને કામ કરતો હતો. મારો પુત્ર અને પ્રવીણ ઘણીવાર વાતચીત પણ કરતા હતા. પ્રવીણ અમારા ઘરે પણ આવતો હતો.” તેમણે દાવો કર્યો કે તેમનો પુત્ર શું કામ પકડાયો તેની તેમને ખબર નથી. વધુમાં તેમણે મુસ્લિમ હોવાના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, શફીક અને ઝાકીર બંને એવા નથી.
BJP Yuva Morcha worker’s murder in Karnataka | Yes,he’s a part of PFI.He used to work as a social worker in the org but had no idea about the incident.He was shocked&had tears in his eyes when he came to know.Police trying to frame him.He’s PFI’s area pres: Wife of accused Shafiq pic.twitter.com/nQcuixISjG
— ANI (@ANI) July 28, 2022
બીજી તરફ, શફીકની પત્નીએ તે PFI સાથે જોડાયેલો હોવાનું સ્વીકાર્યું હતું. તેણે કહ્યું, “તેઓ PFI સાથે જોડાયેલા છે. તેઓ સંગઠનના એક ‘સામાજિક કાર્યકર્તા’ તરીકે કામ કરતા હતા. પરંતુ મને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી.” શફીકની પત્નીએ દાવો કર્યો કે, જ્યારે તેને ઘટના વિશે ખબર પડી ત્યારે શફીકની આંખમાં આંસુ હતા! તેણે પોલીસ પર જ આરોપ લગાવ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, 29 વર્ષીય ઝાકીર પુત્તુરના સવનૂરમાં એક ફાસ્ટ ફૂડની દુકાન ચલાવે છે. જ્યારે શફીક સુલલિયા ક્ષેત્રમાં એક દુકાન પર કામ કરે છે. ગઈકાલે આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટે તેમને 11 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 સંદિગ્ધ લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ PFI અને SDPI સાથે સબંધ ધરાવે છે. પોલીસે કહ્યું હતું કે, પૂછપરછ બાદ જો કોઈ દોષી કે ઘટના સાથે સંડોવાયેલો જણાશે તો તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બીજી તરફ, રાજ્યમાં ભાજપ નેતાની હત્યા મામલે વિરોધ અને આક્રોશ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પીડિત પરિવારને મળ્યા હતા. તેમણે આ દરમિયાન પીડિત પરિવારને સહાયરૂપે 25 લાખનો ચેક પણ આપ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે જરૂર પડે તો રાજ્યમાં અશાંતિ ફેલાવવાના પ્રયત્નો કરી રહેલા રાષ્ટ્રવિરોધી અને સાંપ્રદાયિક તત્વો સામે લડવા માટે ‘યોગી મોડેલ’ને લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ગત મંગળવારે (26 જુલાઈ 2022) ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ બચી શક્યા ન હતા.