Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક કરોડના તોડકાંડમાં ભાવનગર પોલીસને વધુ એક સફળતા: યુવરાજસિંહના બીજા સાળા શિવુભા...

    એક કરોડના તોડકાંડમાં ભાવનગર પોલીસને વધુ એક સફળતા: યુવરાજસિંહના બીજા સાળા શિવુભા ગોહિલ પાસેથી 25.50 લાખ રોકડા અને હાર્ડડિસ્ક રિકવર થયા, 25 એપ્રિલે કર્યું હતું સરેન્ડર

    આ પહેલા યુવરાજસિંહના પ્રથમ સાળા કાનભાએ આપેલી માહિતીના આધારે પોલીસે તેના મિત્રના ઘરેથી 38 લાખ રિકવર કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે.

    - Advertisement -

    ભાવનગર ડમીકાંડ જ્યારથી તોડકાંડમાં પરિણમ્યો છે ત્યારથી દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આપ નેતા યુવરાજસિંહ સામે એક કરોડની ખંડણી લેવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં યુવરાજના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે (25 એપ્રિલ) યુવરાજસિંહના બીજા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. આ મામલે હવે ભાવનગર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે.

    શિવુભા ગોહિલના મિત્રના ઘરેથી રોકડા અને હાર્ડડિસ્ક મળી આવી

    ભાવનગર ડમીકાંડ મામલે મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાનો બીજો સાળો શિવુભા ગોહિલ ગઈ કાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ભાવનગર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી આદરીને પૂછપરછ કરી હતી. જેમાં શિવુભાએ ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા મિત્ર સંજય જેઠવાના ઘરે 25.50 લાખ રોકડા અને હાર્ડડિસ્ક છુપાવ્યા હોવાનું કબૂલ્યું હતું. જે બાદ પોલીસે શિવુભા ગોહિલને સાથે રાખીને તેના મિત્રના ઘરેથી 25.50 લાખ રોકડા અને એક હાર્ડડિસ્ક રિકવર કરી છે. આ હાર્ડડિસ્ક શિવુભાની વિક્ટોરિયા પ્રાઈમ ઓફિસ નંબર 305ની છે.

    ડમીકાંડમાં યુવરાજ સિંહના સાળા કાનભા પાસેથી 38 લાખ રિકવર કરાયા હતા

    ઉલ્લેખનીય છે કે, ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાના પ્રથમ સાળા અને ડમીકાંડના આરોપી કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરી હતી. પૂછપરછમાં કાનભાએ કબૂલાત કરી હતી કે, યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સમાં ડમી ઉમેદવાર કાંડમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ કુમાર અને પ્રદીપ બારૈયા પાસેથી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી મારફતે એક કરોડ કઢાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાનભાએ આપેલી માહિતીના આધારે પોલીસે તેના મિત્રના ઘરેથી 38 લાખ રિકવર કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે.

    - Advertisement -

    ડમીકાંડમાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી

    ભાવનગર ડમીકાંડમાં પોલીસે ગઈ કાલે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા, કીર્તિકુમાર પનોત અને સંજય સોલંકીનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં ચકચાર જગાવનારા ડમીકાંડમાં અત્યારસુધી કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 42 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.

    21 એપ્રિલના તોડકાંડના મુખ્ય આરોપી આપ નેતા યુવરાજસિંહની ધરપકડ થઈ હતી

    ભાવનગર પોલીસે 21 એપ્રિલ, 2023ના રોજ તોડકાંડમાં મુખ્ય આરોપી અને આપ નેતા યુવરાજસિંહની ધરપકડ કરી હતી. યુવરાજસિંહ પર પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ એમ કુલ એક કરોડ રૂપિયા બળજબરીપૂર્વક કઢાવવાનો આરોપ છે.

    આ મામલે યુવરાજ અને તેમના માણસો સામે આઈપીસીની કલમ 386 (બળજબરીથી વસૂલી કરવી), 388 (સજાપાત્ર ગુનાનો આરોપ લગાવવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવી) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં