વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (16 માર્ચ) ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે સંબોધન કર્યું. જ્યાં તેમણે 10 વર્ષમાં સરકારે કરેલાં કામો ગણાવ્યાં અને સાથે આવનારાં પાંચ વર્ષમાં તેમની સરકાર શું કરશે તેની જાણકારી પણ આપી. આ સાથે ભ્રષ્ટાચાર પર પોતાની સરકારની ઝીરો ટૉલરન્સ નીતિ વિશે પણ વાત કરી.
કોન્ક્લેવમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતાં ઇન્ડિયા ટુડેના ચેરમેન અરુણ પુરીએ કહ્યું કે, “છેલ્લા 2 મહિનામાં આપે દક્ષિણ ભારતના ઘણા પ્રવાસ કર્યા છે. હું જાણું છું કે તમે બહુ દૂરનું વિચારો છો. પછી મને વિચાર આવ્યો કે તમે 2024 નહીં પણ 2029ની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છો.” જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “તમે તમારી આખી ટીમને લગાવો, એ જાણવા માટે કે મોદી છે શું. તમે 2029 પર અટકી ગયા? હું 2047 માટે કામ કરી રહ્યો છું.”
पीएम मोदी ने कहा, "जब भी मैं इस तरह के कॉन्क्लेव में आता हूं तो आपकी उम्मीद होती है कि खूब सारी हेडलाइन देकर जाऊं, मैं हेडलाइन पर नहीं बल्कि डेडलाइन पर काम करने वाला आदमी हूं."#ModiAtIndiaToday #IndiaTodayConclave24 #PMModi | @narendramodi pic.twitter.com/bV8UM17VRm
— AajTak (@aajtak) March 16, 2024
તેમણે ઉમેર્યું કે, “હું જ્યારે પણ આ પ્રકારના કોન્ક્લેવમાં આવું છું ત્યારે તમને આશા હોય છે કે ઘણી હેડલાઈન આપીને જાઉં. પરંતુ હું હેડલાઈન પર નહીં ડેડલાઇન પર કામ કરનારો વ્યક્તિ છું.”
સરકારનું દબાણ પણ ન હોવું જોઈએ, અભાવ પણ નહીં
તેમણે કહ્યું કે, “સામાન્ય માણસના જીવનમાં સરકાર હોવી જ ન જોઈએ. હું હંમેશા કહું છું કે લોકોના જીવનમાં સરકારનું દબાણ પણ ન હોવું જોઈએ અને સરકારનો અભાવ પણ ન હોવો જોઈએ. ગરીબને લાગવું ન જોઇએ કે સંકટ સમયે કોઇ આવ્યું નહીં. તેને અભાવ લાગવો ન જોઈએ. સરકારની જ્યાં જરૂર છે ત્યાં સરકાર હોવી જોઈએ. પણ જીવનની દરેક બાબતમાં સરકારનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ.”
આગળ તેમણે કહ્યું કે, “2047 સુધીનું મારું મિશન પૂર્ણ થયું તો હું દરેકના જીવનમાંથી સરકાર બહાર કાઢી દઈશ. સામાન્ય માણસના જીવનમાં સરકાર ન હોવી જોઈએ. તેને પોતાનું જીવન જીવવાની છૂટ હોવી જોઈએ. સપનાં સાકાર કરવા માટે ખુલ્લું આકાશ છોડી દેવું જોઈએ.” તેમણે કહ્યું કે, “અમે પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યા છીએ કે દેશના સામાન્ય માણસે કોઇ કામ માટે સરકારી ઑફિસોના ચક્કર ન ખાવા પડે કે લાઈનોમાં ન ઉભા રહેવું પડે. ડઝનબંધ કામ હવે ઑનલાઇન થઈ જાય છે.”
‘હું માખણ પર નહીં, પથ્થર પર લકીર કરવા આવ્યો છું’
વડાપ્રધાને કહ્યું, “લોકોના ટેક્સના પૈસા આમ જ વહેંચીને હું પણ તાળીઓ ઉઘરાવી શક્યો હોત. આવું થાય ત્યારે વાહવાહી તો થઈ જાય છે, પણ બચત કરીને પણ જીવન સરળ બનાવી શકાય એ અમારી સરકારે કરી બતાવ્યું છે. આ રસ્તો ધીમો છે પણ દેશહિતમાં છે. આમાં મારું કામ વધે છે, પણ પહેલાં કહ્યું તેમ, હું માખણ પર લકીર કરવા માટે નહીં, પથ્થર પર લકીર કરવા આવ્યો છું. મેં આ રસ્તો એટલા માટે પસંદ કર્યો છે કારણ કે હું તમારાં બાળકોનાં હાથમાં એક સમૃદ્ધ હિંદુસ્તાન આપવા માગું છું.”
मैं मक्खन पर लकीर करने नहीं आया हूँ, मैं पत्थर पर लकीर करने आया हूँ. Because I want to give your kids a 'samriddh Bharat': PM @narendramodi at India Today Conclave 2024#IndiaTodayConclave24 #ModiAtIndiaToday pic.twitter.com/MjAFRQCiw8
— IndiaToday (@IndiaToday) March 16, 2024
પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે ‘રાષ્ટ્રપ્રથમ’ની ભાવના હોય તો આવાં કામો પણ થાય છે અને પરિણામો પણ મળે છે. જ્યારે ‘પરિવારપ્રથમ’ની ભાવના હોય ત્યારે શું થાય છે તેનાં પરિણામો તો તમે ભોગવી જ રહ્યા છો.”
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ, એજન્સીઓ કામ કરવા માટે સ્વતંત્ર
વડાપ્રધાને કહ્યું કે, “અમારા ગવર્નેન્સનો એક મોટો પક્ષ રહ્યો છે- ભ્રષ્ટાચારને લઈને ઝીરો ટૉલરન્સ. ભ્રષ્ટાચાર પર કાર્યવાહી માટે દરેક એજન્સી સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. EDને જ જોઈ લો, વર્ષ 2014 સુધી PMLA હેઠળ 1800 કેસ નોંધવામાં આવ્યા હતા. સ્વતંત્ર સંસ્થા છે, સ્વતંત્ર રીતે કામ કરવા દેવું જોઈએ. અમારી નીતિ છે ઝીરો ટૉલરન્સ. છેલ્લાં 10 વર્ષમાં 4700 કેસ નોંધાયા છે. 2014 સુધીમાં માત્ર 5 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હતી, અમારાં 10 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા સુધીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.”
તેમણે જણાવ્યું કે, “EDએ મોટા પ્રમાણમાં ટેરર ફાયનાન્સિંગ, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ સાથે જોડાયેલા ગુનેગારોને પકડ્યા છે. તેમની હજારો કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અનેક અધિકારીઓની સંપત્તિઓ પર દરોડા પડ્યા છે અને EDની કાર્યવાહીમાં મળેલી નોટોએ દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે આટલી ઝડપી કાર્યવાહી થશે તો અમુક લોકોને પેટમાં દુઃખવું સ્વભાવિક છે. અને એટલે જ આ લોકો દિવસ-રાત મોડીને ગાળો દેવાનું અભિયાન ચલાવી રહ્યા છે. પરંતુ દેશ જોઈ રહ્યો છે અને તેમનાં નીતિ, નિયત અને નિષ્ઠા સવાલોના ઘેરામાં છે.”
વિપક્ષ સપનાં જોવામાં લાગ્યો છે, પણ મોદી સંકલ્પ લઈને ચાલે છે
અંતે તેમણે કહ્યું, “આ ચૂંટણીનો સમય છે. વિપક્ષના સાથીઓ કાગળ પર સપનાં જોવામાં લાગેલા છે. પણ મોદી સપનાંથી આગળ સંકલ્પો લઈને ચાલે છે. હું દાવા સાથે કહી શકું છું કે આવનારાં 5 વર્ષ ભારતને દુનિયાની ત્રીજી મોટી આર્થિક શક્તિ બનાવનારાં હશે. આવનારાં પાંચ વર્ષ એક સ્થિર, સશક્ત અને સમર્થ ભારતની ગેરેન્ટીનાં હશે. 5 વર્ષ ભારતીય રેલના કાયાકલ્પનાં હશે. આવનારાં પાંચ વર્ષ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક નવી ઊંચાઈ આપનારાં હશે. 5 વર્ષ બુલેટ ટ્રેનથી લઈને વંદે ભારતના વિસ્તારનાં હશે. 5 વર્ષ વૉટર વેઝના અભૂતપૂર્વ ઉપયોગનાં હશે. આવનારાં 5 વર્ષમાં તમે ભારતના ડિફેન્સ એક્સપોર્ટને નવો રેકોર્ડ બનાવતાં જોશો. આવનારાં 5 વર્ષમાં ભારતના સ્પેસ સેક્ટરની નવી ઉડાન જોશો. ગગનયાનની સફળતા જોશો. આવનારાં પાંચ વર્ષમાં તમે દેશના યુવાનો માટે નવાં સેક્ટરોનો ઉદય જોશો, 5 વર્ષમાં સોલાર પાવરને ઘર-ઘર પહોંચતાં જોશો, 5 વર્ષમાં EV મેન્યુફેક્ચરિંગમાં રેકૉર્ડ વૃદ્ધિ જોશો, 5 વર્ષમાં સેમિકંડક્ટર મિશન અને હાઇડ્રોજન મિશનને લાગુ થતાં જોશો. અંતે કહ્યું કે, આવનારાં પાંચ વર્ષમાં તમે નિર્ણાયક નીતિઓ બનતાં અને નિર્ણય થતા પણ જોશો.”
વડાપ્રધાને કહ્યું કે, “આ સંકલ્પોની સિદ્ધિ માટે હું બહુ પહેલાં કામ શરૂ કરી ચૂક્યો છું. ઇન્ડિયા ટુડેના કોન્ક્લેવમાં હું ફરી આવીશ ત્યારે આ સંકલ્પો પર વિસ્તારથી વાત કરીશ.”