શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રમાં (Maharashtra) ચૂંટણી પ્રચાર કરતાં પીએમ મોદીએ (PM Modi) રામ મંદિર પર (Ram Mandir) સુપ્રીમ કોર્ટના ચુકાદાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક દિવસ છે. 2019માં આજના જ દિવસે દેશની સર્વોચ્ચ અદાલતે રામ મંદિર પર નિર્ણય સંભળાવ્યો હતો.
દરમ્યાન પીએમ મોદીએ ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવડાવ્યા. આગળ તેમણે કહ્યું, “9 નવેમ્બરની આ તારીખ એટલે પણ યાદ કરવામાં આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દરેક ધર્મના લોકોએ બહુ સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો. રાષ્ટ્રપ્રથમની આ જ ભાવના ભારતની મોટી તાકાત છે.”
#WATCH | Akola, Maharashtra: Prime Minister Narendra Modi says, "This date of 9 November is very historic. On this day in 2019, the Supreme Court of the country gave its verdict on Ram Mandir. After the Supreme Court's decision, people of every religion showed great sensitivity.… pic.twitter.com/3mbwcKXxWC
— ANI (@ANI) November 9, 2024
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર, 2019ના રોજ જ સુપ્રીમ કોર્ટે રામ મંદિર કેસમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કોર્ટે 5-0થી ઠેરવ્યું હતું કે વિવાદિત જમીનનો તમામ હિસ્સો રામ મંદિરના નિર્માણ માટે ફાળવવામાં આવે અને મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટનું નિર્માણ કરે.
પછીથી મોદી સરકારે એક ટ્રસ્ટ બનાવ્યું હતું અને આ જ ટ્રસ્ટની દેખરેખ હેઠળ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. 5 ઑગસ્ટ, 2020ના રોજ શરૂ થયેલું મંદિરનું નિર્માણકાર્ય હજુ ચાલી રહ્યું છે. દરમ્યાન, 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રભુ શ્રીરામ મંદિરમાં બિરાજમાન થયા હતા અને હિંદુ આસ્થાના એક નવા યુગનો આરંભ થયો હતો.
રામ મંદિરનું નિર્માણ ભારતવર્ષના ઇતિહાસની એવી એક વિરલ અને ઐતિહાસિક ઘટના છે, જેને આવનારા દાયકાઓ સુધી યાદ કરવામાં આવશે. 1500ની સદીમાં બાબરના સેનાપતિએ મંદિર ધ્વસ્ત કરીને ત્યાં બાબરી મસ્જિદ તાણી બાંધી ત્યારથી હિંદુઓ મંદિર પરત મેળવવા માટે સંઘર્ષ કરતા રહ્યા અને આ સંઘર્ષ એક બે નહીં પણ પાંચસો વર્ષ સુધી ચાલ્યો.
6 ડિસેમ્બર, 1992નો દિવસ પણ આવો જ એક ઐતિહાસિક દિવસ છે, જ્યારે કારસેવકોએ બાબતે ઢાંચો ધ્વસ્ત કરી દીધો હતો અને જમીન સમતલ કરી હતી. ત્યારબાદ પણ કેસો ચાલુ રહ્યા અને આખરે 9 નવેમ્બર, 2019ના દિવસે સુખદ અંત આવ્યો. સુપ્રીમ કોર્ટની જે બંધારણીય ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો, તેના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ હતા, જેઓ હાલ રાજ્યસભા સાંસદ છે. અન્ય એક ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ પણ હતા, જેઓ પછીથી ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને 10 નવેમ્બર, 2024ના રોજ સત્તાવાર રીતે વયનિવૃત્ત થશે.