વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાત આવ્યા છે. પીએમ મોદીએ દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડામાંથી વિધિવત રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજે વડાપ્રધાને નાનાપોંઢા ખાતે આયોજિત એક સભા સંબોધી હતી. ઉપરાંત, આજે સાંજે પીએમ ભાવનગરમાં એક સમૂહલગ્ન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
પહેલી પ્રચાર સભામાં પીએમ મોદીએ ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’નું નવું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરીને, લોહી પરસેવો એક કરીને આ ગુજરાત બનાવ્યું છે અને તેઓ ગુજરાતમાં નફરત ફેલાવનારાઓને, રાજ્યને બદનામ કરનારાઓને સાંખી લેશે નહીં.
દરેક ગુજરાતી આત્મવિશ્વાસથી ભરેલો છે, એટલા જ માટે
— BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022
પ્રત્યેક ગુજરાતી બોલે છે,
અંતરમનનો અવાજ બોલે છે,
પ્રત્યેક ગુજરાતના હૈયામાંથી નાદ નીકળે છે,
આ ગુજરાત મેં બનાવ્યું છે.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
#ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત
પીએમ મોદીએ કહ્યું કે, “આ ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગું છું. નરેન્દ્ર કરતાં ભુપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ, તેના માટે મારે કામ કરવું છે. ગુજરાતની જનતા પણ આ વખતે જૂના બધા રેકોર્ડ તોડવાનું મન બનાવી ચૂકી છે.” તેમણે આ રેકોર્ડ તોડવામાં જનતાના સહકારની અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, “આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે.”
વડાપ્રધાને કહ્યું કે, “ચૂંટણી પ્રચારનો મારો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઈ-બહેનો વચ્ચે રાખ્યો એ વાતનો આનંદ છે. મારા માટે એ ફોર આદિવાસી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત મારા આદિવાસી ભાઈ-બહેનોના આશીર્વાદ લઈને થઇ રહી છે એ મારું સૌભાગ્ય છે.”
વડાપ્રધાને કહ્યું કે, અહીંના વેપારીઓ, કારોબારીઓ, કર્મચારીઓ, ખેડૂતો આદિવાસીઓ, માછીમારો, બધાએ મહેનત કરીને ગુજરાત બનાવ્યું છે. આપણે હાથ લાંબા કરીને ઉભા રહેલા લોકો નથી, જરૂર પડી ત્યાં હાથ લાંબો કરીને મદદ કરી, મહેનત કરનારા લોકોએ છીએ. તેમણે કહ્યું કે, ગુજરાતે વિકાસના માપદંડોમાં પોતાનું સ્થાન ઉભું કર્યું છે.
રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ.
— BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત pic.twitter.com/il1QqI25Ji
બે દાયકા પહેલાંની અસ્થિરતા યાદ કરતાં વડાપ્રધાને કહ્યું કે, ત્યારે વાર-તહેવારે હુલ્લડો થતાં, નિર્દોષ લોકોના જીવ જતા,ધંધા-રોજગાર ખોરવાઈ જતા, નિર્દોષોને મારવામાં આવતા હતા, પરંતુ આપણે આ પડકારો ઝીલ્યા અને રસ્તો કાઢીને ગુજરાતને અહીં પહોંચાડ્યું છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, ગુજરાતમાં નફરત ફેલાવનારાઓને, બદનામ કરનારાઓને કે રાજ્યને નીચું દેખાડવાના પ્રયાસ કરનારાઓને જનતાએ સાફ કરી નાંખ્યા છે. ગુજરાતને બદનામ કરનારાઓની ટોળકીને જનતા પારખી ગઈ છે, કારણ કે આ ગુજરાત અહીંની જનતાએ બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર પહેલી ડિસેમ્બરના રોજ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. પરિણામો આઠમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.