‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટનો એક ભાગ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આજે ગુરુવારે (8 સપ્ટેમ્બર, 2022) સાંજે 7 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ ખુલ્લો મુક્યો હતો તેમજ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ગ્રેનાઈટથી બનેલી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આ પ્રતિમા 28 ફૂટ ઊંચી છે. તેનું કુલ વજન 65 મેટ્રિક ટન છે. 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ પર વડાપ્રધાને નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. હવે ત્યાં આ નવી પ્રતિમાનું અનાવરણ થયું છે.
ઈન્ડિયા ગેટને રાષ્ટ્રપતિ ભવન સાથે જોડતા રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યું છે. આ રોડની બંને તરફ ઘાસની લોન બનાવવામાં આવી છે. લીલોતરી સાથે રાહદારીઓ માટે 15.5 કિમી લાંબી લાલ ગ્રેનાઈટ સ્ટોન પેડેસ્ટલ તેની સુંદરતામાં ઓર વધારો કરે છે.
कर्तव्य पथ!#CentralVista pic.twitter.com/NJ0h6lONhM
— Anjana Om Kashyap (@anjanaomkashyap) September 7, 2022
ઉલ્લેખનીય છે કે દેશની આઝાદી પહેલા રાજપથને કિંગ્સ વે અને જનપથને ક્વીન્સ વે તરીકે ઓળખવામાં આવતો હતો. આઝાદી બાદ ક્વીન્સ વેનું નામ બદલીને જનપથ અને કિંગ્સ વેનું નામ બદલીને રાજપથ કરવામાં આવ્યું હતું. હવે આ નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે.
લગભગ 3.20 કિલોમીટર લાંબા કર્તવ્ય પથની બાજુમાં લગભગ 19 એકરમાં સરોવર બનાવવામાં આવ્યું છે. તેને પુનઃવિકાસ કરીને ભવ્યતા આપવામાં આવી છે. સુંદરતા અને સુવિધા માટે તેના પર 16 પુલ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં એક ઝરણાને પણ વિકસાવવામાં આવ્યું છે.
આ સાથે આ રોડની બંને બાજુ સ્ટોલ લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં CPWDએ 5 વેન્ડિંગ ઝોન બનાવ્યા છે અને દરેક ઝોન માટે 40 વેન્ડર્સ નક્કી કરવામાં આવ્યા છે. અહીં દેશભરના વિવિધ રાજ્યોના સ્થાનિક ઉત્પાદનો સાથે જ મનપસંદ ખોરાક પણ મળશે.
અહીં પાર્કિંગની જગ્યા વિકસાવવાની સાથે રાહદારીઓ માટે નવા અંડરપાસ પણ બનાવવામાં આવ્યા છે. આ પાર્કિંગમાં કુલ 1,126 વાહનો પાર્ક કરી શકાય છે. સાથે જ ઈન્ડિયા ગેટ પાસેના પાર્કિંગમાં 35 બસો પાર્ક કરી શકાશે. સમગ્ર વિસ્તારમાં 3.90 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલી હરિયાળી પણ જોવા મળે છે. સાંજ પછી લાઈટોમાં અહીંનો નજારો અદ્ભુત લાગે છે.
નોંધનીય છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ ભારતની નવી સંસદ અને તેની આસપાસના વિસ્તારના પુનર્વિકાસ સાથે સંબંધિત પ્રોજેક્ટને કહેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં વિવિધ સુવિધાઓ અને આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સંસદ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના સમગ્ર વિસ્તારના પુનઃવિકાસની સાથે સાથે નવું સંસદ ભવન, વડાપ્રધાન ગૃહ, વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય સચિવાલયનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.