કોલકાતામાં RG કર હૉસ્પિટલમાં ફરજ બજાવતી ટ્રેની ડૉક્ટર સાથે રેપ અને હત્યાની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બાદ દેશભરમાં આક્રોશ છે. દરમ્યાન, મહારાષ્ટ્રના બદલાપુર અને આસામના ધીંગમાં પણ બાળકીઓના યૌન શોષણની ઘટનાઓ સામે આવી, જેને લઈને દેશભરમાં આક્રોશ છે. આ ઘટનાઓ અને તેની વિરુદ્ધ થતાં પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (25 ઑગસ્ટ) મહિલાઓ વિરુદ્ધ થતા ગુના પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અને અત્યાચારો અક્ષમ્ય પાપ છે અને દોષી કોઇ પણ હોય, તે કોઇ પણ સંજોગોમાં બચવો ન જોઈએ.
વડાપ્રધાન મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ વાતો કહી. તેમણે કહ્યું કે, બેન-દીકરીઓની સુરક્ષા એ સરકાર અને સિસ્ટમ સાથે આખા સમાજની જવાબદારી પણ છે.
#WATCH | Maharashtra: Addressing the Lakhpati Didi Sammelan in Jalgaon, Prime Minister Narendra Modi says "Along with increasing the strength of mothers, sisters and daughters, their safety is also the priority of the country. I have raised this issue repeatedly from the Red… pic.twitter.com/D8gZ3QngER
— ANI (@ANI) August 25, 2024
PM મોદીએ કહ્યું કે, “માતાઓ-બહેનો અને દીકરીઓનું સામર્થ્ય વધારવાની સાથે તેમની સુરક્ષા પણ દેશની પ્રાથમિકતા છે. મેં લાલ કિલ્લા ઉપરથી પણ વારંવાર આ વિષય ઉઠાવ્યો છે. આજે દેશનું કોઇ પણ રાજ્ય હોય, બેન-દીકરીઓની પીડાને, તેમના આક્રોશને હું સમજું છું. હું ફરી એક વખત દેશના દરેક રાજનીતિક પક્ષને કહીશ, દરેક રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અક્ષમ્ય પાપ છે. દોષી કોઇ પણ હોય, તે બચવો ન જોઈએ. તેને કોઇ પણ રીતે મદદ કરનારાઓ બચવા ન જોઈએ.”
તેમણે આગળ કહ્યું, “હૉસ્પિટલ હોય, શાળા હોય, ઑફિસ હોય કે પોલીસ વ્યવસ્થા.. જે કોઇ સ્તરે બેદરકારી દાખવવામાં આવે એ તમામને હિસાબ થવો જોઈએ. ઉપરથી નીચે સુધી સંદેશ સ્પષ્ટ જવો જોઈએ કે, આ પાપ અક્ષમ્ય છે. સરકારો આવતી રહેશે, જતી રહેશે પરંતુ જીવનની રક્ષા અને નારી ગરિમાની રક્ષા, સમાજ અને સરકાર બંનેના રૂપમાં આપણા સૌની એક મોટી જવાબદારી છે.”
PM મોદીએ કહ્યું કે, “મહિલાઓ પર અત્યચાર કરનારાઓને કડકમાં કડક સજા અપાવવા માટે અમારી સરકાર કાયદાઓને સતત સખત બનાવી રહી છે. પહેલાં FIR જલ્દી ન થવાની, સુનાવણી ન થવાની અને અનેક અડચણો આવતી હોવાની ફરિયાદ થતી હતી. આવી અનેક અડચણો અમે ભારતીય ન્યાય સંહિતામાં દૂર કરી દીધી છે. તેમાં આખું એક પ્રારકરણ મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચારો મામલે બનાવવામાં આવ્યું છે. જો પીડિત મહિલા પોલીસ મથક ન જવા માંગતી હોય તો તે E-FIR નોંધાવી શકશે અને અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે E-FIRમાં પોલીસ મથક સ્તરે કોઇ પણ છેડછાડ થઈ શકશે નહીં.”