વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (30 ઑગસ્ટ) મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં પાલઘરમાં એક કાર્યક્રમમાં તેમણે દેશના સૌથી મોટા બંદર વાધવન પોર્ટના નિર્માણ માટે આધારશિલા રાખી અને અન્ય અમુક પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ-શિલાન્યાસ કર્યા. અહીં સંબોધન કરતી વખતે PM મોદીએ છત્રપતિ શિવાજી મહારાજનો પણ ઉલ્લેખ કર્યો અને તાજેતરમાં સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવાની ઘટનાને લઈને માફી પણ માંગી હતી.
PM મોદીએ સંબોધનની શરૂઆતમાં જ છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં હું હૃદયના ભાવો વ્યક્ત કરવા માંગું છું. જ્યારે 2013માં ભારતીય જનતા પાર્ટીએ મને વડાપ્રધાન પદનો ઉમેદવાર નિશ્ચિત કર્યો ત્યારે સૌથી પહેલું કામ એ કર્યું હતું કે, મેં રાયગઢના કિલ્લા પર જઈને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે બેસીને પ્રાર્થના કરી હતી. એક ભક્ત આરાધ્ય દેવની જે રીતે પ્રાર્થના કરે છે, તે જ ભક્તિભાવથી મેં રાષ્ટ્રસેવાની એક નવી યાત્રાનો આરંભ કર્યો હતો.”
#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj's statue collapse incident in Malvan
— ANI (@ANI) August 30, 2024
He says, "…Chhatrapati Shivaji Maharaj is not just a name for us… today I bow my head and apologise to my god Chhatrapati Shivaji Maharaj. Our… pic.twitter.com/JhyamXj91h
આગળ તેમણે કહ્યું, “હાલમાં સિંધુદુર્ગમાં જે થયું……. મારા માટે, મારા તમામ સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી, અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ એક માત્ર રાજા-મહારાજા કે રાજપુરુષ માત્ર નથી, અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે. હું આજે શીશ ઝૂકાવીને મારા આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજની તેમનાં ચરણોમાં મસ્તક મૂકીને માફી માગું છું.”
‘વીર સાવરકરનું અપમાન કરનારાઓને પશ્ચાતાપ નથી, પણ અમારા સંસ્કાર અલગ છે’
તેમણે આગળ કહ્યું, “અમારા સંસ્કાર અલગ છે. અમે એ લોકોમાંથી નથી, જેઓ રાત-દહાડો ભારત માના મહાન સપૂત, આ જ ધરતીના લાલ વીર સાવરકરને અપમાનિત કરતા રહે છે. દેશભક્તોની ભાવનાઓને કચડે છે. વીર સાવરકરને ગાળો દીધા છતાં તેઓ માફી માંગવા તૈયાર નથી, અદાલતમાં જઈને લડાઈ લડવા તૈયાર છે. આવા મહાન સપૂતનું અપમાન કરીને પણ જેમને પશ્ચાતાપ નથી થતો, મહારાષ્ટ્રની જનતા તેમના સંસ્કાર જાણી લે. આ અમારા સંસ્કાર છે કે હું આ ધરતી પર આવીને પહેલું કામ મારા આરાધ્યા દેવ છત્રપતિ શિવાજી મહારાજનાં ચરણોમાં ક્ષમા માંગવાનું કરી રહ્યો છું.”
PM મોદીએ આગળ કહ્યું કે, “જે લોકો છત્રપતિ શિવાજી મહારાજને પોતાના આરાધ્ય દેવ માને છે, તેમના હૃદયને જે પીડા થઈ છે, હું તેમની પણ નતમસ્તક થઈને ક્ષમા માંગું છું. મારા સંસ્કાર અલગ છે. અમારા માટે અમારા આરાધ્ય દેવથી વિશેષ કશું જ નથી.”
ખંડિત થઈ હતી શિવાજી મહારાજની પ્રતિમા, સરકારે આપ્યા છે તપાસના આદેશ
ઉલ્લેખનીય છે કે ગત 26 ઑગસ્ટના રોજ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં મૂકવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની એક 35 ફિટની પ્રતિમા ભારે પવન અને વરસાદ વચ્ચે તૂટી પડી હતી. આ પ્રતિમાનું લોકાર્પણ PM મોદીના હસ્તે ગત ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું. ઘટના બાદ તુરંત તેનું નિર્માણ કરનાર ભારતીય વાયુસેનાએ તપાસ શરૂ કરી હતી. આ કેસમાં એક FIR પણ દાખલ કરવામાં આવી છે.
એક તરફ જ્યાં શિવસેના (ઉદ્ધવ) કોંગ્રેસ અને NCP (શરદ) જેવી પાર્ટીઓએ ઘટના પર રાજકારણ શરૂ કરી દીધું હતું ત્યાં બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સાથે એમ પણ જણાવ્યું હતું કે તુરંત નવી પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવશે.