તાજેતરમાં કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનનું ભારતે સન્માન કરવું જોઈએ, કારણ કે તેની પાસે પણ એટોમ બૉમ્બ છે. આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ પણ હવે નિશાન સાધ્યું છે.
ઓડિશામાં એક જાહેરસભા સંબોધિત કરતાં કહ્યું કે, “કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાના પ્રયાસ કરી રહી છે. તેઓ કહે છે કે સંભાળીને ચાલો, પાકિસ્તાન પાસે એટોમ બૉમ્બ છે.” તેમણે આગળ કહ્યું કે, “યે મરે પડે લોગ, દેશ કે મન કો ભી માર રહે હૈ.”
પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસનું વલણ હંમેશા આવું જ રહ્યું છે. તેઓ પાકિસ્તાનના બૉમ્બની વાત કરે છે, પણ આજે તેમની (પાકિસ્તાન) હાલત એ છે કે આ બૉમ્બ રાખવા ક્યાં એ પણ પ્રશ્ન છે. હવે તો તેઓ બૉમ્બ વેચવા માટે નીકળ્યા છે કે કોઇ ખરીદનારા મળી જાય. લોકોને ખબર છે કે ક્વોલિટીમાં દમ નથી, એટલે એ માલ પણ વેચાતો નથી.”
#WATCH | While addressing a public meeting in Odisha's Kandhamal, PM Narendra Modi says, "Time and again Congress try to scare its own country. They say 'sambhal ke chalo Pakistan ke pass atom bomb hai. Ye mare pade log, desh ke man ko bhi maar rahe hain'. They talk about… pic.twitter.com/DmbBWnZpfX
— ANI (@ANI) May 11, 2024
તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસના આ જ નબળા વલણને કારણે કાશ્મીરના લોકોએ 60 વર્ષ સુધી આતંક વેઠ્યો છે. દેશે કેટલાય આતંકવાદી હુમલા સહન કર્યા છે. દેશ ભૂલી ન શકે કે આતંકવાદીઓને પાઠ ભણાવવાના સ્થાને આ લોકો આતંકી સંગઠનો સાથે બેઠકો કરતા હતા. 26/11ના મુંબઈના આતંકવાદી હુમલા બાદ તેમની હિંમત નહતી થઈ કે આતંકના સરપરસ્તો પર કાર્યવાહી કરે. કારણ કે કૉંગ્રેસ અને INDI ગઠબંધનને લાગતું હતું કે જો અમે કાર્યવાહી કરીશું તો અમારી વૉટબેન્ક નારાજ થઈ જશે.”
વડાપ્રધાને કહ્યું કે, “કોંગ્રેસ નેતાઓ હમણાં પણ નિવેદનો આપી રહ્યા છે. તેમનાં 2014નાં અને 2019નાં ભાષણો જોશો તો સમજાશે કે આ એક જ સ્ક્રિપ્ટ છે. પરંતુ દેશે મન બનાવી લીધું છે કે આ વખતે NDA ચારસો (બેઠકો) પાર કરશે.” વડાપ્રધાન રવિવારે (11 મે) ઓડિશાના કંધમાલમાં એક જાહેરસભા સંબોધી રહ્યા હતા, જ્યાં તેમણે આ વાતો કહી હતી.
મણિશંકર ઐયરે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે એક નિવેદનમાં પાકિસ્તાન વિશે વાત કરતાં કહ્યું હતું કે, “તે પણ એક સાર્વભૌમિક રાષ્ટ્ર છે. તેમની પણ ઇજ્જત છે. આ ઇજ્જતને જાળવી રાખીને તમારે જેટલી વાત કરવી હોય તેટલી કરો, પણ વાત તો કરો. બંદૂક લઈને તમે ફરી રહ્યા છો, તેનાથી શું મળશે? કશું જ નહીં. તણાવ વધતો જશે. કોઇ પાગલ ત્યાં આવી જાય તો દેશનું શું થશે? તેમની પાસે એટોમ બૉમ્બ છે.”
જોકે, આ વિડીયો ફરતો થયા બાદ દેશભરમાંથી માછલાં ધોવાતાં કોંગ્રેસે હાથ ખંખેરી લીધા હતા અને કહ્યું હતું કે આ પાર્ટીનું સ્ટેન્ડ નથી અને પાર્ટી નિવેદન સાથે સહમત નથી. આવું જ કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનો વખતે પણ કર્યું હતું.