Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણ‘પાકિસ્તાનની ઇજ્જત કરો, તેની પાસે એટોમ બૉમ્બ’: મણિશંકર ઐયરે ફરી બાફ્યું, બેકફૂટ...

    ‘પાકિસ્તાનની ઇજ્જત કરો, તેની પાસે એટોમ બૉમ્બ’: મણિશંકર ઐયરે ફરી બાફ્યું, બેકફૂટ પર આવેલી કૉંગ્રેસે ફરીથી નિવેદનથી પોતાને અલગ કરવાનો રાગ આલાપ્યો

    તેઓ પોતાના જ દેશની સેનાને કહે છે કે પોતાની સુરક્ષા ન કરો અને આતંકવાદી મોકલનારા દેશનું સન્માન કરો. આના જ કારણે 26/11 બાદ મનમોહન સિંઘની સરકારે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક ન હતી કરી અને દર બીજા-ત્રીજા અઠવાડિયે હુમલાઓ થતા હતા: ભાજપ

    - Advertisement -

    પોતાના નિવેદનો થકી વિવાદોમાં ઘેરાયેલા રહેતા કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી બફાટ કર્યો છે. પાકિસ્તાન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનને સન્માન કરવું જોઈએ, કારણ કે તેની પાસે એટોમ બૉમ્બ છે. 

    મણિશંકર ઐયરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “તે પણ એક સાર્વભૌમિક રાષ્ટ્ર છે. તેમની પણ ઇજ્જત છે. આ ઇજ્જતને જાળવી રાખીને તમારે જેટલી વાત કરવી હોય તેટલી કરો, પણ વાત તો કરો. બંદૂક લઈને તમે ફરી રહ્યા છો, તેનાથી શું મળશે? કશું જ નહીં. તણાવ વધતો જશે. કોઇ પાગલ ત્યાં આવી જાય તો દેશનું શું થશે? તેમની પાસે એટોમ બૉમ્બ છે.”

    આગળ તેમણે કહ્યું કે, “કોઇ પાગલે લાહોર સ્ટેશનમાં બૉમ્બ ફોડ્યો તો 8 પળની અંદર તેની રેડિયોએક્ટિવિટી અમૃતસર સુધી પહોંચી જશે.” આગળ કહ્યું, “આવા બૉમ્બ રાખીને તમે તેમને ઉપયોગ કરતાં રોકો, પરંતુ તમે તેમની સાથે વાત કરી, સન્માન આપ્યું તો બૉમ્બ વિશે નહીં વિચારે. પરંતુ તમે તેમને ઠુકરાવી દીધા તો કોઇ પાગલ ત્યાં આવી ગયો અને બૉમ્બ ફોડ્યો તો શું થશે.” 

    - Advertisement -

    ઐયરે આગળ કહ્યું કે, “આપણે સમજવું જોઈએ જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો આપણે એ દર્શાવવું પડશે કે પાકિસ્તાન સાથે આપણી સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનો હલ લાવવા માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. છેલ્લાં 10 વર્ષથી આ મહેનત બંધ છે.”

    મણિશંકર ઐયરના આ નિવેદન પર ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે, “કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ થોભવાનું નામ લેતો નથી. હવે કોંગ્રેસના પ્રથમ પરિવારના નજીકના મણિશંકર ઐયર, જેઓ મોદીને હટાવવા માટે મદદ માંગવા માટે એક વખત પાકિસ્તાન પણ ગયા હતા, તેઓ કોંગ્રેસ તરફથી પાકિસ્તાની શક્તિ અને મસલ બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે જે પાકિસ્તાન આપણે ત્યાં આતંકવાદીઓ મોકલે છે, તેમને સન્માન આપવું જોઈએ. તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આ સેનાવાળા શું બંદૂકો લઈને ફરી રહ્યા છે.”

    તેમણે આગળ કહ્યું કે, “તેઓ પોતાના જ દેશની સેનાને કહે છે કે પોતાની સુરક્ષા ન કરો અને આતંકવાદી મોકલનારા દેશનું સન્માન કરો. આના જ કારણે 26/11 બાદ મનમોહન સિંઘની સરકારે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક ન હતી કરી અને દર બીજા-ત્રીજા અઠવાડિયે હુમલાઓ થતા હતા. હવે જવાબ આપવામાં આવે છે એટલે પાકિસ્તાનની શાન ઠેકાણે આવી છે.” 

    બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી હવે પોતાના નેતાઓનાં આ બધાં ઉટપટાંગ નિવેદનોના કારણે મુશ્કેલીમાં મૂકાઈ રહી છે. પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શ્રી મણિશંકર ઐયરની અમુક જૂની ટિપ્પણીઓ, જે ભાજપ પુનર્જીવિત કરે છે, તેનાથી કોંગ્રેસ સંપૂર્ણ રીતે અસહમત છે અને પોતાને અલગ કરે છે.” તેમણે આગળ ભાજપ પર જ આરોપ લગાવીને કહ્યું કે, તેઓ દેશનું ધ્યાન હટાવવા માટે આ પ્રકારની ટિપ્પણીઓ ફરીથી પુનર્જીવિત કરી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં