વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. આજે પણ તેમણે જુદા-જુદા સ્થળે સભાઓ સંબોધી હતી. દરમિયાન, કલોલ ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કરેલ ટિપ્પણી પર PM મોદીએ વળતો જવાબ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસમાં કોણ મોદીને વધુ ગાળો આપી શકે તેની સ્પર્ધા ચાલે છે.
વડાપ્રધાન મોદીએ આજે કલોલ ખાતે સંબોધેલી સભામાં કોંગ્રેસ નેતા કરેલી અપમાજનક ટિપ્પણી વિશે કહ્યું કે, “ગુજરાતે મારું જે ઘડતર કર્યું, જે સંસ્કાર આપ્યા, જે મને શક્તિ આપી એ કોંગ્રેસવાળાને તકલીફ થાય છે. વાર-તહેવારે મને ગાળો બોલે છે, હલકી ભાષામાં વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટીનું રીમોટ કંટ્રોલ જ્યાંથી ચાલે છે ત્યાંથી પહેલાં તેમણે એક નેતાને અહીં મોકલ્યા હતા અને નેતાને કહ્યું હતું તે પ્રકારે અહીં આવીને તેઓ બોલ્યા. અને તેમણે જાહેર કર્યું કે આ ચૂંટણીમાં મોદીને તેની ઔકાત દેખાડી દેવામાં આવશે.” મોદીએ આગળ કહ્યું, “આપણે તો ગુજરાતના પછાત સમાજના, આપણી કોઈ ઓકાત હોય? આપણે તો સેવક લોકો છીએ.”
ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કરેલ ટિપ્પણી પર PM મોદીનો જવાબ કંઈક આ રીતે હતો. ખડગે પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “કોંગ્રેસને થયું કે હજુ મોટા ડોઝની જરૂર છે. એટલે કોંગ્રેસના આલાકમાને આદરણીય ખડગેજીને અહીં મોકલ્યા, કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખ છે એમને મોકલ્યા. અને ખડગેજીને હું ઓળખું છું, એમનો આદર અને સન્માન કરું છું. પણ ખડગેજીને તો એ જ બોલવું પડે જે તેમને પઢાવીને મોકલવામાં આવ્યા હોય. કોંગ્રેસ પાર્ટીને તે ખબર નથી કે આ રામ ભક્તોનું ગુજરાત છે, રામભક્તોની ધરતી પર, રામ ભક્તોની સામે ખડગેજીને બોલાવડાવામાં આવ્યું કે તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. જે કોંગ્રેસ પાર્ટી રામના અસ્તિત્વને નથી માનતી, રામમંદિર અને રામસેતુ પર જેમને ભરોસો નથી તે કોંગ્રેસ પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી.”
કલોલ ખાતેની સભામાં કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવતી અપમાનજનક ટીપ્પણી વિશે વડાપ્રધાને આગળ જણાવ્યું કે, “કોંગ્રેસ પાર્ટી દેશના વડાપ્રધાનને નીચું દેખાડવાને પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસ પાર્ટીમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વધારે, તીખી અને મોટી ગાળો બોલી શકે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે આ મોદી કૂતરાની મોતે મારવાનો છે, બીજા એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ મોદી હિટલરની મોટે મારવાનો છે. કોઈ રાવણ કહે, કોઈ રાક્ષસ કહે કોઈ કોક્રોચ કહે, ગુજરાત માટે ગુજરાતના લોકો માટે આટલી બધી નફરત? આટલું બધું ઝેર? કોંગ્રેસના લોકો લખી રાખે કે તમે જેટલું કીચડ ઉછાળશો તેટલું વધારે કમળ ખીલશે.”
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક સભામાં પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, પીએમ કહે છે કે મોદીને જોઈને વોટ આપો. પણ તમારો ચહેરો કેટલીવાર જોઈએ? અમે કોર્પોરેશન ચૂંટણીમાં તમારો ચહેરો જોયો, MP ઈલેક્શન, MLA ઈલેક્શન, દરેક જગ્યાએ, શું રાવણની જેમ તમારાં 100 માથાં છે?