પંજાબ હોય કે વિદેશની ધરતી, ખાલિસ્તાની ઉપદ્રવીઓ ફરી એક વાર માથું ઊંચકી રહ્યાં છે. તેવામાં વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલીયામાં હિંદુ મંદિરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન એંથની અલ્બનીઝ (Anthony Albanese) સાથે આ મુદ્દે ગહન ચર્ચા કરી હતી. આ મંદિરો પર થયેલા હુમલાઓ પાછળ પણ ખાલિસ્તાન સમર્થક ઉપદ્રવીઓનો જ હાથ હોવાનું માનવામાં આવે છે.
અહેવાલો અનુસાર વડાપ્રધાન મોદીએ (PM Nendra Modi) ઓસ્ટ્રેલીયામાં હિંદુ મંદિરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું કે, “મે ઓસ્ટ્રેલીયામાં હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા મંદિરો પર ઘાતક હુમલાના સમાચાર જોયા છે, જેને લઈને મે PM એંથની અલ્બનીઝનું આ બાબતે ધ્યાન દોર્યું છે અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તેમના દેશ ઓસ્ટ્રેલીયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ તેમના માટે પ્રાથમિકતા છે.”
I have seen reports of attacks on temples in Australia. I have conveyed this to PM Albanese and he has assured me that the safety and well-being of the Indian community in Australia is a priority for them: PM Modi pic.twitter.com/NqsxUA8f47
— ANI (@ANI) March 10, 2023
નોંધનીય છે કે છેલ્લા 2 મહિનામાં લગભગ 5 વાર હિંદુ મંદિરોને નિશાન પર રાખી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં મંદિરમાં તોડફોડથી માંડીને મંદિરોની દીવાલો પર ભારત અને ભારતના વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર શબ્દોમાં સુત્રો લખવામાં આવ્યાં હતા. આ હુમલાઓના ઘટના ક્રમ પર નજર કરીએ તો તે નીચે મુજબ છે.
જુના કિસ્સાઓને ધ્યાને ન લેતા તાજેતરની જ ઘટનાઓની વાત કરવામાં આવે તો 4 માર્ચ 2023ના રોજ બ્રિસ્બેનના બરબૈંકમાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં હિંદુ ધર્મ અને ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યાં હતા. આ ઘટના ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઘટિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મંદિરમાં તોડફોડથી માંડીને ભારત અને હિંદુ વિરોધી સુત્રો લખવામાં આવ્યાં હતા.
ત્યાર બાદ બ્રિસ્બેનના જ સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિરના પુજારીને મહા શિવરાત્રી પર્વની ઉજવણી ન કરવા માટે ધમકાવવામાં આવ્યાં હતા. આ ધમકી આપનાર વ્યક્તિએ પોતાને ખાલિસ્તાની હોવાનું કહ્યું હતું. પાકિસ્તાનના લાહોરથી ફોન કરતો હોવાનો દાવો કરતા આ વ્યક્તિએ ફોનમાં કહ્યું હતું કે પુજારી મહા શિવરાત્રીની ઉજવણી વખતે ખાલિસ્તાનના સમર્થનમાં “ખાલિસ્તાન જિંદાબાદ) નારા લગાવે તો જ તેમને ઉજવણી કરવા દેવામાં આવશે.
ત્યાર બાદ મેલબર્નના કાલી માતા મંદિરમાં 16 ફેબ્રુઆરી 2023 ના રોજ ભજન કાર્યક્રમો યોજવા સામે ચેતવણી આપવામાં આવી હતી. શહેરના ઉત્તરીય ઉપનગરોમાં આવેલા કાલી માતાના મંદિરની એક મહિલા પૂજારીને ભારતીય ગાયક કન્હૈયા મિત્તલ દ્વારા ભજનનો કાર્યક્રમ યોજવા બદલ ખાલિસ્તાની આતંકીઓએ ધમકી આપી હતી.
ત્યાર બાદ 23 જાન્યુઆરી, 2023 ના રોજ મેલબર્ન શહેરના જ આલ્બર્ટ પાર્ક સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આવી જ એક ઘટનાને અંજામ આપવામાં આવી હતી. આ મંદિર મેલબર્નમાં ભક્તિ યોગ ચળવળના કેન્દ્ર તરીકે સેવા આપતું હતું અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) દ્વારા સંચાલિત છે. ખાલીસ્તાનીઓએ મંદિરની દિવાલો પર ‘ખાલિસ્તાન ઝિન્દાબાદ’ અને ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ ના નારા લખ્યાં હતા. એટલું જ નહીં ખાલિસ્તાની આતંકી જરનૈલ સિંહ ભિંડરાનવાલેને પણ શહીદ ગણાવ્યો હતો.
મેલબર્નમાં જ અન્ય એક હિંદુ અસ્થાના કેન્દ્ર એવા શિવ વિષ્ણુ મંદિરમાં 17 જાન્યુઆરી 2023 ના રોજ, ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી. તોડફોડ દરમિયાન હુમલાખોરોએ મંદિર પાસેની દિવાલો પર હિન્દુ વિરોધી અને ભારત વિરોધી નારા લખ્યા હતા. મંદિરોની દિવાલો પર ‘ટાર્ગેટ મોદી’, ‘મોદી હિટલર’ અને ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ જેવા સુત્રો લખવામાં આવ્યા હતા.
મેલબોર્માં જ આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર 12 જાન્યુઆરી 2023ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. મેલબોર્નના ઉત્તરીય ઉપનગર માઇલ પાર્કમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાની હુમલાખોરોએ તોડફોડ કરી હતી. આ મંદિરની દિવાલો પર પણ ભારત વિરોધી અને નરેન્દ્ર મોદી વિરોધી નારા લખવામાં આવ્યા હતા.
આ તમામ ઘટનાઓને ધ્યાને લઈને ગયા મહિને વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ઓસ્ટ્રેલિયામાં ઉગ્રવાદી ખાલિસ્તાની જૂથો દ્વારા ભારતીય સમુદાય પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયે સ્થાનિક અધિકારીઓને આ મામલે તપાસ શરૂ કરવા અને ગુનેગારોને સજા કરવા આગ્રહ કર્યો હતો.