હિંદુઓને (Hindus) જાતિઓમાં વહેંચી નાખીને મુસ્લિમ તુષ્ટિકરણના જોરે સત્તા મેળવવાનાં સપનાં જોતી કોંગ્રેસને PM મોદીએ (PM Narendra Modi) આડેહાથ લીધી છે. બુધવારે (9 ઑક્ટોબર) તેમણે એક સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસ (Congress) હિંદુઓની જાતિની વાત કરે છે, પણ મુસ્લિમોની (Muslims) જાતિ પર ક્યારેય અક્ષર ઉચ્ચારતી નથી.
મહારાષ્ટ્રમાં અનેક વિકાસકામોનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં PM મોદીએ આ વાત કહી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસની નીતિ છે કે હિંદુઓની એક જાતિને બીજી જાતિ સાથે લડાવો.
PM મોદીએ કહ્યું, “કોંગ્રેસ હંમેશા વહેંચો અને સત્તા મેળવોની ફોર્મ્યુલા પર ચાલી છે. તે દેશને વહેંચવા માટે નવા નરેટિવ ઘડી રહી છે. કોંગ્રેસની ફોર્મ્યુલા છે કે મુસ્લિમોને ડરાવતા રહો, ભય દેખાડો અને તેમની વૉટબેન્ક કન્વર્ટ કરીને તેને મજબૂત કરો.”
વડાપ્રધાને આગળ કહ્યું, “કોંગ્રેસના એક પણ નેતાએ આજ સુધી નથી કહ્યું કે, આપણાં મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિ હોય છે. મુસ્લિમ જાતિઓની વાત આવતાં જ તેમનાં મોઢે તાળાં લાગી જાય છે. પણ હિંદુ સમાજની જ્યારે વાત આવે છે ત્યારે કોંગ્રેસ તેની ચર્ચા જાતિથી જ શરૂ કરે છે. કોંગ્રેસની નીતિ છે, હિંદુઓની એક જાતિને બીજી જાતિ સાથે લડાવો. કારણ કે તેઓ જાણે છે કે જેટલો હિંદુ વહેંચાશે, તેટલો તેને જ ફાયદો થશે.”
#WATCH | PM Narendra Modi says, "…Congress is doing politics of hatred… Congress is bent on destroying the country. We all have to be aware and cautious. I am sure that the people of Maharashtra will give a befitting reply to all these forces bent on destroying the society…… pic.twitter.com/erkVO4JrDN
— ANI (@ANI) October 9, 2024
આગળ તેમણે કહ્યું, “કોંગ્રેસ કોઈ પણ રીતે હિંદુ સમાજમાં આગ લાગેલી રાખવા માંગે છે, જેથી તેઓ તેની ઉપર રાજનીતિક રોટલી શેકી શકે. ભારતમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં કોંગ્રેસ આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે. વૉટબેન્ક પાકી કરવા માટે કોંગ્રેસ સમાજમાં ઝેર ફેલાવવાનાં હથકંડા અપનાવતી રહે છે. કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક અને જાતિવાદની ચૂંટણી લડતી રહી છે. હિંદુ સમાજને તોડીને તેનાથી જીતની ફોર્મ્યુલા બનાવવી, એ જ કોંગ્રેસના રાજકારણનો આધાર છે.
તેમણે ઉમેર્યું કે, “ભારતની સર્વજન હિતાય અને સર્વજન સુખાયની ભાવનાનું દમન કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, એટલું જ નહીં તે સનાતન પરંપરાનું પણ દમન કરી રહી છે.” PM મોદીએ આગળ કહ્યું, “કોંગ્રેસે આટલાં વર્ષો સુધી દેશ પર રાજ કર્યું અને હવે સત્તા ફરી મેળવવા માટે એટલી બેચેન છે કે રોજ નફરતની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ નફરત ફેલાવવાની એક મોટી ફેક્ટરી બની ગઈ છે.