Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદમાં વિશાળ જનમેદની વચ્ચે પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું, GMDC ગ્રાઉન્ડ...

    અમદાવાદમાં વિશાળ જનમેદની વચ્ચે પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું, GMDC ગ્રાઉન્ડ ખાતે માતાજીની મહાઆરતીમાં ભાગ લીધો

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ દ્રશ્ય, આ તસ્વીર, આ માહોલ શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. સવારે સુરત અને બપોરે ભાવનગરમાં કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમણે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સ્ટેડિયમમાં હાજર જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. 

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ દ્રશ્ય, આ તસ્વીર, આ માહોલ શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વનો આટલો યુવા દેશ અને આયોજન અદભુત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા આવી જ અસાધારણ હશે.

    વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સ્પોર્ટ્સનો સોફ્ટ પાવર દેશની ઓળખ અને દેશની છબીને અનેકગણી વધુ સારી બનાવી દે છે. રમતના મેદાનમાં ખેલાડીઓની જીત, તેમનું શાનદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ દેશની જીતનો માર્ગ મોકળો કરે છે. 

    - Advertisement -

    પીએમ મોદીએ કહ્યું, “આઠ વર્ષ પહેલાં ભારતના ખેલાડીઓ સોથી પણ ઓછી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેતા હતા, પરંતુ આજે ભારતીય ખેલાડીઓ 300થી વધુ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લે છે. તેમણે જણાવ્યું કે, 8 વર્ષ પહેલાં ખેલાડીઓ 20-25 રમત રમવા માટે જતા હતા, જ્યારે આજે દેશના ખેલાડીઓ લગભગ 40 રમતોમાં ભાગ લે છે.”

    વડાપ્રધાને કહ્યું કે, આજે ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલો ઇન્ડિયા’ જેવા પ્રયાસો એક જનઆંદોલન બની ગયા છે. આજે ખેલાડીઓને સૌથી વધુ સંસાધનો પણ પૂરાં પાડવામાં આવી રહ્યાં છે અને વધુને વધુ અવસર મળી રહ્યા છે. 

    પીએમ મોદીએ તમામ ખેલાડીઓને એક મંત્ર આપતાં કહ્યું હતું કે, જો ‘કોમ્પિટિશન’ જીતવી હોય તો ‘કમિટમેન્ટ’ અને ‘કન્ટીન્યૂટી’ સાથે જીવવાનું શીખવું પડશે. તેમણે કહ્યું કે, રમતમાં હાર-જીત ક્યારેય અંતિમ માનવા જોઈએ નહીં, આ સ્પોર્ટ્સ સ્પિરિટ જીવનનો એક ભાગ હોવી જોઈએ. 

    પીએમ મોદીએ સાંજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને અહીં મા જગદંબાની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. 

    સુરત અને ભાવનગરમાં કાર્યક્રમો કર્યા 

    અમદાવાદમાં કાર્યક્રમો પહેલાં સવારે પીએમ મોદી સુરત પહોંચ્યા હતા, જ્યાં રોડ શૉ કર્યો હતો અને જનસભા સંબોધી હતી. જેમાં વડાપ્રધાને સુરત શહેરમાં 3400 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. 

    ત્યારબાદ ભાવનગરમાં પણ પીએમ મોદીએ રોડ શૉ કર્યો હતો તેમજ 817 કરોડથી વધુનાં વિકાસકાર્યો અને 6 હજાર 626 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને સભા પણ સંબોધી હતી. 

    કાલે મેટ્રોનું લોકાર્પણ, અંબાજીમાં મહાઆરતીમાં ભાગ લેશે 

    આવતીકાલે પીએમ મોદી અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવવામાં આવશે. ત્યારબાદ બનાસકાંઠાના અંબાજી ખાતે કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરી સાંજે મહાઆરતીમાં ભાગ લેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં