ભારતીય ક્રિકેટર ઋષભ પંતને આજે વહેલી સવારે માર્ગ અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પંતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. જોકે, જાણવા મળ્યા અનુસાર તેના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. બીજી તરફ, PM મોદીએ તેની માતાને ફોન કરીને સાંત્વના પાઠવી હોવાનું પણ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ઋષભ પંતને દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઋષભ પંતના મગજ અને સ્પાઇનના MRI રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નોર્મલ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેના ચહેરાના ભાગે છોલાઈ જતા અને ઊંડા કટ વાગતા પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવતીકાલે તેના પગની ઘૂંટી અને ઘૂંટણનું પણ એમઆરઆઈ કરવામાં આવશે.
Media Statement – Rishabh Pant
— BCCI (@BCCI) December 30, 2022
The BCCI will see to it that Rishabh receives the best possible medical care and gets all the support he needs to come out of this traumatic phase.
Details here 👇👇https://t.co/NFv6QbdwBD
ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ એક પ્રેસ રિલીઝ જારી કરીને ઋષભ પંતના સ્વાસ્થ્યને લઈને જાણકારી આપી હતી. જેમાં તેને થયેલી ઈજાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. જે અનુસાર, તેના માથામાં બે કટ છે જ્યારે જમણા ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે. ઉપરાંત, જમણા કાંડા, પગની ઘૂંટી અને અંગુઠામાં ઇજા થઇ છે અને પીઠ છોલાઈ ગઈ છે. બોર્ડે જણાવ્યું કે, તેની તબિયત હાલ સ્થિત છે અને સારવાર માટે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બોર્ડે કહ્યું કે, તેઓ સતત ઋષભની સારવાર કરતા ડોક્ટરોના સંપર્કમાં છે અને તેને ઉત્તમ સારવાર મળે તે માટેના તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાને ફોન પર ખબર પૂછી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર ઋષભ પંતની માતા સાથે ટેલીફોનીક વાતચિત કરી હતી. ફોન પર વાતચીત દરમિયાન પીએમે પંતના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરીને સાંત્વના પાઠવી હતી. PM મોદીએ ઋષભ પંત વિશે એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેમણે ભારતીય ક્રિકેટરના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
Distressed by the accident of noted cricketer Rishabh Pant. I pray for his good health and well-being. @RishabhPant17
— Narendra Modi (@narendramodi) December 30, 2022
વહેલી સવારે નડ્યો હતો અકસ્માત
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે સવારે ઉત્તરાખંડથી દિલ્હી પરત ફરી રહ્યો હતો તે વખતે તેની કાર ડિવાઈડર સાથે અથડાતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પંતને હમ્મદપુર ઝાલ પાસે રૂડકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી. મોડી સાંજે ઋષભ પંતના MRI અને સીટીસ્કેનના રીપોર્ટ નોર્મલ હોવાનું મેડિકલ બુલેટીન સામે આવ્યું હતું.