વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના પ્રવાસે છે. દુબઈમાં યોજાઈ રહેલી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં (WCAS) ભાગ લેવા PM મોદી જયારે દુબઈ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાય દ્વારા ‘મોદી મોદી’ અને ‘અબકી બાર મોદી સરકાર’ જેવા નારા સાથે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વર્ષે COP-28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં કરવામાં આવ્યું છે. સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બરે દુબઈ પહોંચ્યા હતા. જ્યાં દુબઈમાં વસતા NRIઓ દ્વારા ‘મોદી મોદી’ અને ‘અબકી બાર મોદી સરકાર’ જેવા સૂત્રોચ્ચાર સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીનું UAEના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. WCAS (વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ)માં તેમની ભાગીદારી ઉપરાંત, PM મોદી વૈશ્વિક નેતાઓ સાથે વિશેષ બેઠકો કરશે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા પરિવર્તનને અસરકારક રીતે નિપટાવવાની રીતો પર ચર્ચા કરવા માટે ઘણા વિશ્વ નેતાઓ ક્લાઈમેટ એક્શન સમિટમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય ત્રણ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે.
સમિટ માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ત્યાં વસતા NRIઓએ વિશેષ આયોજન કર્યું હતું. દુબઈની એક હોટલમાં PM મોદી એકઠા થયેલા ભારતીય સમુદાયને મળ્યા હતા. PM મોદી જ્યારે દુબઈમાં તેમની હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના સભ્યોએ PM મોદી માટે સાંસ્કૃતિક નૃત્ય કર્યું હતું. દુબઈમાં પીએમ મોદીને મળ્યા બાદ ભારતીય ડાયસ્પોરાના એક સભ્યએ કહ્યું, “હું 20 વર્ષથી યુએઈમાં રહું છું પરંતુ આજે પણ એવું લાગ્યું કે જાણે મારું પોતાનું કોઈ આ દેશમાં આવ્યું છે.”
PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી કર્યું, “હું COP-28 સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો છું. અમે સમિટની કાર્યવાહીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જેનો ઉદ્દેશ ગ્રહને વધુ સારો બનાવવાનો છે.”
Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ
— Narendra Modi (@narendramodi) November 30, 2023
બીજી એક પોસ્ટમાં PM મોદીએ ભારતીય સમુદાય સાથેની મુલાકાતના ફોટા શેર કરતા કહ્યું, “દુબઈમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગતથી ખુબ જ આનંદ થયો. તેમનો સહયોગ અને ઉત્સાહ આપણી જીવંત સંસ્કૃતિ અને મજબૂત સંબંધનો પુરાવો છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ત્યાંના NRIઓ દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. PM મોદી સામે સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કરી એમનું સ્વાગત કર્યું હતું.
Watch: A beautiful tribute to Sardar Patel in Dubai to welcome PM pic.twitter.com/wlgVguIi0P
— DeshGujarat (@DeshGujarat) December 1, 2023
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં વસતા ભારતીય સમુદાયમાં ખુબ જ પોપ્યુલર છે. PM મોદી જ્યારે પણ વિદેશના પ્રવાસે હોય ત્યાં વસતા ભારતીય સમુદાય માટે ખાસ મુલકાતનું આયોજન કરે છે અને ભારતીય સમુદાય પણ એમના સ્વાગતમાં કોઈ કચાસ બાકી રાખતું નથી.