હાલ વડાપ્રધાન નરેદ્ર મોદી તેમના અમેરિકાના પ્રવાસે છે (PM Modi’s USA Visit). રવિવારે (22 સપ્ટેમ્બર 2024) તેઓ ન્યૂ યોર્ક (New York) ખાતે હતા, જ્યાં તેમણે અમેરિકામાં વસતા ભારતીય મૂળના નાગરિકોને સંબોધિત કર્યા હતા. ન્યૂ યોર્કના નાસાઉ ખાતે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો અહીં હાજર હતા. ન્યૂ યોર્કમાં વડાપ્રધાન મોદીએ ભારતીયોને સંબોધિત કરતા તેમના રાજકીય જીવન અને વિકસિત ભારતને લઈને કહ્યું કે, પાંચ પાંખડીઓ મળીને વિકસિત ભારત બનશે. તેમણે આ PUSHPની પરિભાષા પણ સમજાવી હતી.
વડાપ્રધાન મોદી જેવા નાસાઉ કોલેજીયમ (Nassau Coliseum) પહોંચ્યા કે, હાજર હજારો લોકોએ એક સાથે મોદી-મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. સ્વાગતમાં ભારતનું અને અમેરિકાનું રાષ્ટ્રગાન પણ વગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ હાજર ભારતીયો સાથે વિભિન્ન વિષયો પર વાત કરી હતી. તેમણે તેમના રાજકીય જીવન, ભારતનો વિકાસ, પ્રવાસી ભારતીયોની મહત્વતા જેવા વિષયો પર વક્તવ્ય પણ આપ્યું હતું.
ન્યૂ યોર્કમાં વડાપ્રધાન મોદીએ ભારતીયોને PUSHPની પરિભાષા સમજાવી
ન્યૂ યોર્કમાં વડાપ્રધાન મોદીએ ભારતીયોને સંબોધિત કરતા ભારતના વિકાસના PUSHPની પરિભાષા સમજાવી હતી. તેમણે કહ્યું કે, “તમને એક શબ્દ ખ્યાલ જ હશે ‘PUSHP’. હું આ શબ્દની પરિભાષા સમજાવું, P ફોર પ્રોગ્રેસીવ ભારત, U ફોર અન-સ્ટોપેબલ ભારત, S ફોર સ્પિરિચ્યુઅલ ભારત, H ફોર હ્યુમેનીટીને સમર્પિત ભારત, અને P ફોર પ્રોસ્પરસ ભારત.” વડાપ્રધાન મોદીએ પુષ્પ શબ્દનું આ પ્રકારનું અર્થઘટન સાંભળી હાજર સૌ કોઈ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની વાતને વધાવી લીધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પાંચ પ્રકારની પાંખડીઓથી જ વિકસિત ભારત બનશે.
These five pillars together will build a Viksit Bharat… pic.twitter.com/KRTlYuNIaY
— PMO India (@PMOIndia) September 22, 2024
આઝાદી બાદ જન્મેલો હું પહેલો વડાપ્રધાન: પીએમ મોદી
આ દરમિયાન ભારતીય મૂળના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ વર્ષો સુધી દેશમાં ભટકવામાં પસાર થયો. જ્યાં ખાવાનું મળ્યું ત્યાં જમતો અને જ્યાં સૂવાની જગ્યા મળી ત્યાં સુઈ જતો. દરિયો, પર્વતો, રણ એમ તમામ જગ્યાઓએ હું પ્રવાસ દરમિયાન ગયો છું અને તે જગ્યાઓને ઓળખી છે. હું દેશનો પ્રથમ એવો વડાપ્રધાન છું કે જેનો જન્મ સ્વતંત્રતા પછી થયો હોય. મેં ભલે સ્વતંત્રતા માટે મારું જીવન ન આપ્યું હોય, પરંતુ હું ચોક્કસપણે દેશને અને તેની સ્વતંત્રતાને સમર્પિત રહીશ.”
વધુમાં તેમણે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મુખ્યમંત્રી બનીશ. પણ જયારે બન્યો ત્યારે હું સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનારો બન્યો અને મને વડાપ્રધાન તરીકે બઢતી મળી. પાછલા 60 વર્ષોમાં ભારતમાં આવું ક્યારેય નથી થયું. મારા ત્રીજા કાર્યકાળમાં અમે ખૂબ મોટા લક્ષ્યાંકો હાંસલ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યા છીએ. આપણે ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે આગળ વધવાની જરૂર છે.”
The warmth and energy of the Indian diaspora in New York is unparalleled. Addressing a community programme. Do watch! https://t.co/ttabGnATaD
— Narendra Modi (@narendramodi) September 22, 2024
હું કશું જ નહોતો ત્યારે અમેરિકાના 29 રાજ્યોનો પ્રવાસ કર્યો
આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીએ ‘નમસ્તે’ને ગ્લોબલ સુધી પહોંચવા વિશે પણ વાત કરી. પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે હાજર લોકોને નમસ્તે કહીને કહ્યું હતું કે, “આપણું નમસ્તે હવે મલ્ટીનેશનલ થઈ ગયું છે, તે લોકલથી ગ્લોબલ સુધી પહોંચી ગયું છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “જયારે હું સીએમ કે પીએમ નહોતો, ત્યારે આ ધરતી પર સવાલો લઈને આવતો હતો. જયારે હું કશું જ નહોતો ત્યારે મેં અમેરિકાના 29 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો.” વડાપ્રધાન મોદીની વાત પર હાજર સહુ કોઈએ મોદી-મોદીના સુત્રોથી તેમનું અભિવાદન કર્યું હતું.
વિદેશમાં વસતા ભારતીયો જ ભારતના મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર: પીએમ મોદી
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની બહાર વસતા ભારતીયો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું હતું કે, “હું જ્યાં પણ જાઉં છું,ત્યાંના નેતાઓના મુખે ભારતીય પ્રવાસી ભારતીય સમુદાયના લોકોની પ્રશંસા સાંભળું છું. તમે બધા મારા માટે ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર છો. તેથી જ હું તમને રાજદ્વારીઓ કહું છું. તમે અમેરિકા અને ભારતને જોડ્યા છે. તમારી કુશળતા, પ્રતિભા અને પ્રતિબદ્ધતાનો કોઈ જોટો નથી મળે એમ. તમે સાત સમુદ્ર દૂર આવી ગયા, પણ હૃદયના ઊંડાણમાં વસેલા હિન્દુસ્તાનને તમારાથી અલગ કરી શકે એટલો કોઈ સમુદ્ર ઊંડો નથી.”
Indian Diaspora has always been the country's strongest brand ambassadors. pic.twitter.com/1S85Xjdy4m
— PMO India (@PMOIndia) September 22, 2024
તેમણે આગળ જણાવ્યું કે, “આપણે એવા દેશના નાગરિકો છીએ જ્યાં સેંકડો ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે, જ્યાં તમામ ધર્મોનું સહઅસ્તિત્વ છે, તેમ છતાં આપણે એક બનીને અને નેક બનીને આગળ વધી રહ્યા છીએ.” વડાપ્રધાને એવી પણ જાહેરાત કરી હતી કે, ભારત સરકાર યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વિદેશી લોકો માટે લોસ એન્જલસ અને બોસ્ટનમાં બે નવા કોન્સ્યુલેટ શરૂ કરશે.
અમેરિકા પ્રવાસનો આજે તેમનો છેલ્લો દિવસ
ઉલ્લેખનીય છે કે, હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસે છે. ભારતીય સમય અનુસાર, શનિવારે મોડી સાંજે અમેરિકા પહોંચતાંની સાથે જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને પણ તેમનું જોશીલું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીની મુલાકાત ક્વાડ (QUAD) શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઑસ્ટ્રેલિયન પીએમ એન્થની આલ્બનીઝ અને જાપાનીઝ પીએમ ફુમિયો કિશિદા સાથે પણ થઈ હતી. આજે (23 સપ્ટેમ્બર 2024) તેમના અમેરિકા પ્રવાસનો અંતિમ દિવસ છે.