કેરળ હાઇકોર્ટ (Kerala High Court) સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કોચીન દેવસ્વોમ બોર્ડ (Cochin Devaswom Board – CDB) હેઠળ આવતા મંદિરો અથવા તેના પરિસરમાં અન્ય ધર્મના (No entry for non-hindus) લોકોને પ્રવેશ ન કરવા દેવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે કોચીન દેવસ્વોમ બોર્ડને બે અઠવાડિયાની અંદર તેની જવાબી એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું.
આ કેસની સુનાવણી જસ્ટિસ અનિલ કે. નરેન્દ્રન અને જસ્ટિસ પીજી અજીત કુમારની ખંડપીઠે કરી હતી. આ અરજી ત્રિપુનિથુરામાં સ્થિત ભગવાન પૂર્ણત્રેયસા મંદિરના ભક્તોએ દાખલ કરી છે. અરજદારોનો આરોપ છે કે ‘પૂજા, સમારંભો, ધાર્મિક અનુષ્ઠાન અથવા આગમ પ્રણાલીના પવિત્ર પ્રકૃતિઓનો આદર ન કરતા’ નાસ્તિક લોકો આ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.
ફિલ્મ ‘વિશેષમ’નો ઉલ્લેખ
કેરળ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી અનુસાર અરજદારોએ ખાસ કરીને મંદિરમાં મલયાલમ ફિલ્મ ‘વિશેષમ’ના શૂટિંગ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મની મોટાભાગની ટીમ બિન-હિંદુઓની હતી અને આ ફિલ્મ ધાર્મિક અનુષ્ઠાનો અને સમારોહની અવગણના કરીને શૂટ કરવામાં આવી હતી. જેના કારણે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. ભક્તોએ ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી હતી. આ કેસની આગામી સુનાવણી 13 નવેમ્બરે થશે.
અરજીમાં આગળ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં બતાવવામાં આવેલા એક દ્રશ્યમાં એક યુગલ મંદિરમાં લગ્ન કરે છે અને દુલ્હનને તેના પ્રેમી સાથે ભાગતી બતાવવામાં આવી છે. જેના કારણે મંદિરમાં હોબાળો મચી ગયો હતો. વધુમાં એવી દલીલ કરવામાં આવે છે કે મંદિરમાં ફિલ્મનું શૂટિંગ કરવું એ કેરળ હિંદુ પ્લેસીસ ઓફ પબ્લિક વર્શીપ (એન્ટ્રી ઓથોરાઈઝેશન) નિયમો 1965ની જોગવાઈઓ વિરુદ્ધ છે.
મંદિરોમાં થતાં શૂટિંગના કારણે ભક્તોમાં રોષ
અરજદારોએ એવો પણ દાવો કર્યો છે કે પ્રતિબંધો હોવા છતાં, ગુરુવાયુર મંદિર અને અન્ય મંદિર પરિસરમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. અરજદારોનું કહેવું છે કે આવી ગતિવિધિઓ મંદિરોની સજાવટ અને ધાર્મિક વાતાવરણને ખલેલ પહોંચાડે છે. જેના કારણે ભક્તોમાં રોષ વધતો હોય છે.
અરજીમાં મંદિરની અંદર નશામાં ધૂત વ્યક્તિઓ અને જૂતા પહેરેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ અને મંદિરની અંદર વિડીયો ઉતારવા પર કે કોમર્શિયલ ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજદારે CDB હેઠળ આવતા મંદિરોના દરવાજા પર બોર્ડ લગાવવાની માંગ કરી છે, જેથી મંદિરમાં પ્રવેશતા દરેક ભક્ત મંદિરના રિવાજો અને ધાર્મિક વિધિઓનું પાલન કરે.