કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) કેરળની વાયનાડ (Waynad) બેઠક પરથી લોકસભા પેટાચૂંટણી લડી રહ્યા છે અને પ્રચાર પણ જોરશોરથી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને (Pinarayi Vijayan) કોંગ્રેસ-UDF ગઠબંધનના ઉમેદવાર પ્રિયંકા ગાંધીને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, પ્રિયંકા ગાંધી જમતા-એ-ઇસ્લામીના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલાં પણ એક વખત તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આરોપ લગાવ્યો હતો.
વિજયને CPI(M)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના ઉમેદવાર સત્યન મોકેરીના ચૂંટણી પ્રચાર દરમિયાન કાલપેટ્ટામાં લોકોને સંબોધિત કરતી વખતે આ આરોપ લગાવ્યો હતો. અહીંથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. નવ્યા હરિદાસ હાલમાં કેરળના કોઝિકોડના કોર્પોરેશન કાઉન્સિલર પણ છે.
‘…ઇસ્લામિક શાસનનું જ મહત્વ’
વિજયને કહ્યું કે, “પ્રિયંકા ગાંધી જમાત-એ-ઇસ્લામીના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા છે. આપણો દેશ જમાત-એ-ઇસ્લામીથી અજાણ્યો નથી. તેનો દ્રષ્ટિકોણ લોકશાહી પ્રણાલીની તરફેણમાં નથી…તે લોકશાહી પ્રણાલીને મહત્વપૂર્ણ નથી માનતા. જમાત-એ-ઇસ્લામી માટે, સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક શાસન જ મહત્વનું છે. તેઓ ઇસ્લામિક શાસનની તરફેણમાં છે.”
મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, જમાત-એ-ઇસ્લામી હિંદની રાજકીય પાંખ ‘વેલફેર પાર્ટી ઑફ ઇન્ડિયા (WPI)’ સંગઠન માટે ‘ઢાલ’ સમાન છે. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના જમાત-એ-ઇસ્લામીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે જમાત-એ-ઇસ્લામી હિંદનું એક અલગ એકમ છે, જે કેરળ સહિત ભારતના અન્ય ભાગોમાં કાર્યરત છે.
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ
UAPA હેઠળ જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વિજયને કહ્યું કે, જમાત હંમેશા જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના વિરોધમાં રહ્યું છે. નોંધનીય છે કે, WPIએ કેરળની વાયનાડ લોકસભા સીટ પર 13 નવેમ્બરના રોજ મતદાન માટે કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બર સાંજે ચૂંટણી પ્રચાર રોકી દેવામાં આવશે.
વિજયને કહ્યું, “ક્યારેક અહીં (કેરળમાં) જમાત-એ-ઇસ્લામી કહે છે કે તે જમ્મુ અને કાશ્મીરના જમાત-એ-ઇસ્લામીથી અલગ છે, પરંતુ જમાતની સમાન નીતિ છે અને તે છે ઇસ્લામિક વિશ્વની સ્થાપના. તેઓ કોઈપણ પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થાને સ્વીકારતા નથી. જમાતના માધ્યમથી કટ્ટરપંથીઓ ‘ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ’માં પ્રભાવ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
નોંધનીય છે કે, આ આગાઉ પણ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પ્રિયંકા ગાંધી પર આ જ આરોપ લગાવી ચૂક્યા છે. તેમણે ગત અઠવાડિયે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરીને પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે પ્રિયંકા ગાંધીને વાયનાડ ચૂંટણી માટે જમાત-એ-ઇસ્લામીનું સમર્થન છે.
વિજયનના નિવેદન પર, જમાત-એ-ઇસ્લામી હિંદ કેરળના પ્રમુખ પી મુજીબ રહેમાને કહ્યું કે, “તાજેતરની લોકસભા ચૂંટણીમાં જમાતે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં CPI(M)ને સમર્થન આપ્યું હતું. કેરળમાં અમે 2004થી CPI(M)ને સમર્થન આપીએ છીએ. 2020 સુધી CPI(M)એ WPI ના સમર્થનથી ઘણી સ્થાનિક જગ્યાઓ પર શાસન કર્યું હતું.”
ઉલ્લેખનીય છે કે, જમાત-એ-ઇસ્લામી લોકતાંત્રિક વ્યવસ્થાનો વિરોધ કરે છે. તે શરિયાના સિદ્ધાંતોને અમલમાં મૂકવાની હિમાયત કરે છે. જમાતને કટ્ટરવાદી સંગઠન ગણવામાં આવે છે. તે સમાજમાં ધાર્મિક વિભાજન અને કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતું છે. જમાત-એ-ઇસ્લામી પર રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનું શોષણ કરવાના આરોપો પણ લાગતાં રહે છે.