નવા કેલેન્ડર વર્ષની શરૂઆત સાથે દેશભરમાં પરીક્ષાની પણ શરૂઆત થાય છે. પરીક્ષાને લઈને બાળકોના મનમાં ભય, ટેન્શન અને ગભરાટ વધી જતો હોય છે. આવા સમયે તેમને માતા-પિતા અને શિક્ષકો તરફથી હૂંફ મળે એ ખૂબ જ જરૂરી છે. બાળકોના મનમાં પેસેલા આવા ડરને દૂર કરવા માટે PM મોદી ખાસ બાળકો અને તેમના માતા-પિતા તથા શિક્ષકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજે છે. 29 જાન્યુઆરીએ પણ આ કાર્યક્રમ યોજાયો છે. દિલ્હીના ભારત મંડપમમાં 11 વાગ્યાથી PM મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમી વખત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમને સંબોધિત કર્યો છે. બોર્ડની પરીક્ષાઓ પહેલાં PM મોદી દેશભરના વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. આ દરમિયાન, તેઓ દર વખતે શાળાના બાળકોના માતા-પિતાને હકારાત્મક સંદેશ પણ આપે છે. આ વખતે PM મોદીએ બાળકોના માતા-પિતાને અનુરોધ કર્યો છે કે તેઓ તેમના બાળકોની તુલના અન્ય બાળકો સાથે ન કરે. આ ઉપરાંત તેમણે બાળકોને તથા તેમના વાલીઓને સલાહ પણ આપી છે.
PM મોદીએ આપ્યો તણાવથી બચવાનો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવથી બચવાનો મંત્ર આપ્યો છે. PM મોદીએ કહ્યું, “પરીક્ષા પહેલાં આરામથી બેસો અને 5-10 મિનિટ હસી-મજાકમાં વિતાવો. તમારી જાતમાં ખોવાઈ જાઓ, તમે પરીક્ષાના ભાવમાંથી બહાર નીકળી જશો, પછી જ્યારે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવશે, ત્યારે તમે તેને આરામથી સોલ્વ કરી શકશો. આપણે બીજી વસ્તુઓ પર અટકી જઈએ છીએ, તે બિનજરૂરી રીતે આપણી શક્તિનો વ્યય કરે છે. આપણે પોતાનામાં ખોવાયેલા રહેવું જોઈએ. બાળપણથી આપણે અર્જુન અને પક્ષીની આંખની વાર્તા સાંભળી છે, તેને તમારા જીવનમાં પણ લાગુ કરો. ગભરાહટનું કારણ એ છે કે પરીક્ષા સમયે એવું વિચારવું કે કદાચ મારો સમય પૂરો થઈ જશે, સારું થાત જો મે પહેલાં તે પ્રશ્નો કર્યા હોત, આવી સ્થિતિમાં પહેલા આખું પેપર વાંચો અને પછી જુઓ કે તમારે તે કેવી રીતે કરવાનું છે.”
PM મોદીએ વધુમાં કહ્યું કે, “કેટલાક માતા-પિતાને લાગે છે કે આજે એક્ઝામ છે અને બાળકોને નવી પેન લાવીને આપે, પરંતુ મારો આગ્રહ છે કે, તેમને એ જ પેન લઈ જવા દો જે તેઓ દરરોજ યુઝ કરે છે. ના તો તેને કપડાં પર ટોકો, જે પહેરે છે તેને તે જ પહેરવા દો. એક્ઝામમાં તેને કમ્ફર્ટ ફિલ કરાવો.” PM મોદીએ બાળકોને પરીક્ષા સમયે પૂરતી ઊંઘ લેવાની સલાહ પણ આપી છે. PM મોદીએ કહ્યું કે, “જેમ મોબાઈલને કાર્ય કરવા માટે ચાર્જિંગની જરૂર પડે છે, તેવી જ રીતે બોડીને રિચાર્જ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે સ્વસ્થ મન માટે શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે પ્રોપર ઊંઘ લેવી પણ ખૂબ આવશ્યક છે.”
બાળકોની તુલના ના કરે માતા-પિતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ દરમિયાન સ્વસ્થ સ્પર્ધાની વાત કરી હતી. PM મોદીએ કહ્યું કે જો જીવનમાં પડકારો નહીં હોય તો જીવન ખૂબ જ અર્થહીન બની જશે. આવી સ્થિતિમાં, સ્પર્ધા હોવી જોઈએ, પરંતુ તે તંદુરસ્ત પ્રકારની હોવી જોઈએ. PM મોદીએ કહ્યું કે માતા-પિતાએ બે બાળકો વચ્ચે તુલના ન કરવી જોઈએ. કારણ કે તે નફરતને જન્મ આપે છે, જે પાછળથી ઝેરી વૃક્ષમાં ફેરવાઈ શકે છે. PM મોદીએ કહ્યું કે માતા-પિતાએ બાળકોના રિપોર્ટ કાર્ડનો ઉપયોગ તેમના વિઝિટિંગ કાર્ડ તરીકે ન કરવો જોઈએ, કારણ કે તેનાથી બાળકોના મન અને મસ્તિષ્ક પર વિપરીત અસર પડે છે.
શિક્ષકનું કામ નોકરી નહીં પણ જીવન બદલવાનું
PM મોદીએ શિક્ષકોને સંબોધતી વખતે કહ્યું હતું કે, “બાળકોના તણાવને ઘટાડવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે હંમેશા સકારાત્મક સંબંધ હોવો જોઈએ. શિક્ષકનું કામ માત્ર નોકરી કરવાનું નથી, પરંતુ જીવનને ઉન્નત કરવાનું, જીવનને સામર્થ્ય આપવાનું છે, આ જ પરિવર્તન લાવે છે.”
बच्चों के तनाव को कम करने में शिक्षक की अहम भूमिका होती है। इसलिए शिक्षक और छात्रों के बीच हमेशा सकारात्मक रिश्ता रहना चाहिए।
— BJP (@BJP4India) January 29, 2024
शिक्षक का काम सिर्फ जॉब करना नहीं, बल्कि जिंदगी को संवारना है, जिंदगी को सामर्थ्य देना है, यही परिवर्तन लाता है।
– पीएम @narendramodi… pic.twitter.com/CY7ksx9bcg
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆતમાં જ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને લોકોને પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ પણ કરી હતી.
VIDEO | Pariksha Pe Charcha 2024: PM Modi interacts with students and teachers in Delhi.#ParikashaPeCharcha pic.twitter.com/KJ1c1o0X06
— Press Trust of India (@PTI_News) January 29, 2024
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં જ શિક્ષકોને સંબોધિત કર્યા હતા. શિક્ષકોને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે, નવા બાળકોને જૂના વર્ગો વિશે જણાવો. બાળકોને પ્રોત્સાહિત કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ બદલાતા રહે છે, પરંતુ શિક્ષકો ત્યાં જ રહે છે. તેઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શકે છે. વિદ્યાર્થીઓને સમસ્યાઓના ઉકેલો જણાવી શકે છે.