‘ભારત છોડવું મારા પૂર્વજોની સૌથી મોટી ભૂલ છે’ એવું કહેનારા પાકિસ્તાની ઈન્ફ્લુએન્સર મોહમ્મદ શાયન અલીએ હિંદુ ધર્મ અપનાવી લીધો છે અને તે જલ્દી ભારત આવશે તેવું કહ્યું છે. શાયને ઇસ્લામ છોડીને હિંદુ સ્વીકારવાની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. પોતાની ‘ઘર વાપસી’ વિશે ઈન્ફ્લુએન્સરે ટ્વીટ કરી હતી કે, પાકિસ્તાની એજન્સીઓની સતામણીને કારણે તેને મુલ્ક છોડવો પડ્યો હતો ત્યારે એ કપરા સમયમાં શ્રીકૃષ્ણએ તેનો હાથ ઝાલ્યો હતો.
શાયન અલીએ ટ્વીટમાં લખ્યું હતું કે, “આશરે બે વર્ષ સુધી મારા પૂર્વજોની સંસ્કૃતિ અને જીવનશૈલીનું પાલન કર્યા બાદ આજે (15 જૂન, 2023) હું ઘરવાપસી કરી રહ્યો છું.” શાયન અલીએ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શસનેસ (ઇસ્કોન)નો પણ તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો.
મોહમ્મદ શાયન અલીએ કહ્યું કે, પાકિસ્તાની એજન્સીઓના ત્રાસને કારણે તેને 2019માં પાકિસ્તાન છોડવું પડ્યું હતું અને તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. એવા સમયે ‘શ્રીકૃષ્ણ’એ તેને શક્તિ આપી હતી. શાયન કહે છે, “મેં હવે હિંદુ ધર્મ અપનાવીને પૂર્વજોને ગૌરવ અપાવવાનું નક્કી કર્યું છે. હું ખૂબ જ જલ્દી મારી ‘માતૃભૂમિ’ ભારત આવીશ, જ્યાં મારા દાદા-દાદી અને તમામ પૂર્વજોનો જન્મ થયો હતો. હું પોતાની ‘માટી’ અને ત્યાંના લોકોમાં ભળી જવા માગું છું કારણકે, છેવટે તો ઘર એ ઘર હોય છે.”
After observing my ancestors culture and lifestyle for the last 2 years, today I am officially announcing my "Ghar Wapsi.” 🚩♥️
— Shayan Ali (@ShayaanAlii) June 15, 2023
Thanks to ISKCON for never giving up on me 🙏
After I had to leave Pakistan in 2019 because of the torture of Pakistani agencies, I went into… pic.twitter.com/e1QVftsHHO
શાયન અલીએ હિંદુ ધર્મ અપનાવતા એવું પણ જણાવ્યું હતું કે, તે એક ‘સનાતની’ હોવાના કારણે અન્ય મજહબની વિરુદ્ધ નથી. તે તમામ માન્યતાઓનું સન્માન કરે છે અને ઈચ્છે છે કે લોકો તેની આસ્થાનું પણ સન્માન કરે. શાયન અલીએ લખ્યું છે કે, “ભગવદ ગીતા મને દરેક વ્યક્તિનું સન્માન કરતા શીખવે છે, ભલે તે કોઇપણ ધર્મનો હોય. આ ખાસ દિવસે હું એ તમામ લોકોની માફી માગું છું, જેમને મેં જાણ્યે-અજાણ્યે દુઃખ પહોંચાડ્યું હોય. હું લોકોને દુઃખી કરીને પોતાના જીવનની આ સુંદર સફરની શરૂઆત કરવા નથી માગતો. આજે હું પોતાના મૂળિયા તરફ પાછો ફરીને ગર્વ અનુભવું છું. મને આશા છે કે મારા પૂર્વજ પણ આવું જ અનુભવતા હશે.”
‘દુનિયામાં પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી, ભારત છોડવું મારા દાદા-દાદીની સૌથી મોટી ભૂલ હતી’
ટ્વિટર પર 25 હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતો શાયન અલી સમયાંતરે પાકિસ્તાનની નિંદા કરતો રહે છે. ગત મેમાં શાયન અલીએ લખ્યું હતું કે, તેણે પાકિસ્તાનની કુખ્યાત ખૂફિયા એજન્સી ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના ષડયંત્રનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો એટલે તેના પર ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો જાસૂસ અને યહૂદી એજન્ટ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શાયને કહ્યું કે, તેની હત્યાનો પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, તે નસીબદાર હતો કે પાકિસ્તાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો.
એ પછી એક ટ્વીટમાં શાયને લખ્યું હતું કે, “દુનિયામાં ‘પાકિસ્તાન’ જેવી કોઈ વસ્તુ નથી. પાકિસ્તાનની સ્થાપના મજહબના આધારે કરવામાં આવી છે, એટલા માટે નહીં કે દુનિયાને એની જરૂર હતી. મારા દાદા-દાદીએ ભારતના બદલે પાકિસ્તાનને માત્ર એટલા માટે પસંદ કર્યું કારણકે તેઓ મુસ્લિમ હતા. પાકિસ્તાન જવું મારા દાદા-દાદીની સૌથી મોટી ભૂલ હતી.” શાયન અલી પીએમ મોદીનો ચાહક છે અને તેને હનુમાન ચાલીસા પણ કંઠસ્થ છે.