છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન તમામ મોરચે કંગાળ અને પાયમાલ થઇ ચૂક્યું છે. પહેલાં આર્થિક સંકટ સામે લડી રહ્યો હતો તેની વચ્ચે રાજકીય સંકટ સર્જાયું હતું અને ઇમરાન ખાનને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. નવી સરકાર બની છતાં પણ આર્થિક સંકટમાંથી રાહત મળી નથી ત્યાં હવે પાકિસ્તાનમાં પ્રાકૃતિક સંકટ જોવા મળી રહ્યું છે.
પાકિસ્તાનના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ છે અને જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ભોજન-પાણીના પણ ફાંફાં છે. આકાશ આંબતી મોંઘવારી અને ઉપરથી પૂરના કારણે શાકભાજી-કરિયાણાના ભાવ અત્યંત વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ 500 રૂપિયા કિલો પર પહોંચ્યા છે તો ડુંગળી 400 રૂપિયા કિલો વેચાય છે.
એક તરફ ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવ વધી રહ્યા છે ત્યાં હવે પાકિસ્તાનની સરકાર ભારતની મદદ લેવાનું વિચારી રહી છે. પાકિસ્તાનના નાણામંત્રી મિફતાહ ઇસ્માઇલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તાજેતરમાં આવેલા પૂરના કારણે દેશમાં પાકને નુકસાન થયું છે જેના કારણે લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકાર ભારતથી શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો આયાત કરવાનું વિચારી રહી છે.
Pakistan to resume trade (open trade route) with India; Pakistan Finance Minister Miftah Ismail announced, “We will open trade route with India because of this flood & food price hike”: Pakistan media
— ANI (@ANI) August 29, 2022
એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારતને પ્રસ્તાવ મોકલવા માટેની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાન અટારી-વાઘા સરહદેથી શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
અન્ય એક અહેવાલ અનુસાર, પૂરના કારણે સિંધ, બલૂચિસ્તાન, દક્ષિણ પંજાબ જેવા વિસ્તારોમાંથી શાકભાજીનો પુરવઠો અટકી પડ્યો હોવાના કારણે આવનાર દિવસોમાં ટામેટાં, ડુંગળી સહિતના શાકભાજીઓના ભાવમાં તેજી જોવા મળી શકે છે. વેપારીઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આવનાર દિવસોમાં ડુંગળી-ટામેટાં 700 રૂપિયા પ્રતિ કિલો સુધી પણ પહોંચી શકે છે. આ પ્રમાણે બટાકા પણ 40 રૂપિયા કિલોની જગ્યાએ 120 રૂપિયા કિલો પર પહોંચી શકે છે.
પાકિસ્તાન પાસે અન્ય વિકલ્પ બલૂચિસ્તાનની તાફતાન સરહદેથી ઈરાન પાસેથી ટામેટાં અને ડુંગળી મંગાવવાનો પણ છે. પરંતુ ઈરાનની સરકારે આયાત અને નિકાસ પર ટેક્સ ઘણો વધારી દીધો છે, જેના કારણે પાકિસ્તાનને તે પરવડે તેમ નથી. ઉપરાંત, સિંધમાં પણ પૂરના કારણે જે રીતે ફળોની ખેતીને નુકસાન થયું છે તેને જોતાં આવનાર દિવસોમાં ખજૂર અને કેળાંની કિંમતોમાં પણ વધારો જોવા મળી શકે છે.
સિંધ અને પંજાબ પ્રાંતમાં શેરડી અને કપાસના પાક સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયા છે. કપાસ બરબાદ થવાના કારણે 2.6 બિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. પૂરના કારણે સિંધ પ્રાંતના સરકારી કોષમાં રાખવામાં આવેલ 20 લાખ ટન ઘઉં નષ્ટ થઇ ગયા છે. જેથી આવનાર સમયમાં પાકિસ્તાનમાં માત્ર શાકભાજી અને ફળો જ નહીં પરંતુ અનાજની પણ તંગી વર્તાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2019માં ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધા બાદ પાકિસ્તાન દ્વારા ભારત સાથેના વેપાર પર રોક લગાવી દેવામાં આવી હતી. જોકે, હવે ત્રણ વર્ષ બાદ આર્થિક સંકટ અને સાવ કંગાળ થઇ ગયા બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે આવી છે અને કોઈ વિકલ્પ ન રહેતાં ભારત પાસે મદદ માંગવાની વિચારણા કરવામાં આવી રહી છે.