ઉત્તર પ્રદેશના બરેલીમાં નમાજ પઢવા માટે યુપી રોડવેઝની બસને રોકવાના મામલામાં અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન આવ્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે જો બે મુસ્લિમોએ નમાજ પઢી તો શું કયામત આવી ગઈ.
ઓવૈસીએ કહ્યું, “બસ ઉત્તર પ્રદેશના બરેલીથી જઈ રહી હતી. રસ્તામાં બસ ઉભી રહી ત્યારે કોઈ મુસ્લિમે કહ્યું, ભાઈ, ત્રણ મિનિટ રાહ જુઓ. અમે નમાજ પઢીએ છીએ. ત્યાં બે મુસ્લિમોએ માત્ર નમાજ જ અદા કરી હતી… તેથી ડ્રાઇવર કૃષ્ણપાલ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મોહિત યાદવને બરતરફ કરવામાં આવ્યો હતો.”
ઓવૈસીએ પૂછ્યું, “જો નમાજ પઢી તો શું કયામત આવી ગઈ છે? જો નમાજ અદા કરવી અપરાધ છે, તો સમગ્ર સરકારી કચેરીઓમાં ધાર્મિક પ્રતીકો ન હોવા જોઈએ. કોઈપણ કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન હોય, સચિવાલય હોય, કોઈ ધાર્મિક ઉત્સવ ન હોવો જોઈએ. જ્યારે બસ બે મિનિટ રોકાઈ ત્યારે તમે બસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો અને કોન્ટ્રાક્ટ કર્મચારી કંડક્ટર મોહિત યાદવને નોકરીમાંથી કાઢી મૂક્યો. તમે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસની વાત કરો છો.”
अगर नमाज़ पढ़ना गुनाह है तो किसी भी सरकारी ऑफिस में कोई भी धार्मिक निशान नहीं होना चाहिए।pic.twitter.com/dI6AK1elyd
— Asaduddin Owaisi (@asadowaisi) June 11, 2023
બસ રોકાવીને બે મુસ્લિમોએ પઢી નમાજ, વિડીયો વાઇરલ થતા થઇ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, 3 જૂન, 2023ના રોજ જનરથ બસ બરેલીથી ગાઝિયાબાદના કૌશામ્બી સ્ટોપ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ એક જગ્યાએ રોકી હતી જ્યાં બે મુસ્લિમો નીચે ઉતરીને નમાજ પઢી હતી. આ ઘટના પછી, શનિવારે (4 જૂન, 2023), સત્યેન્દ્ર નામના વ્યક્તિએ, પોતાને બસ પેસેન્જર તરીકે રજૂ કરીને, પરિવહન વિભાગના મુખ્યાલયમાંથી આ સંબંધમાં ફરિયાદ ટ્વીટ કરી. પોતાની ફરિયાદના સમર્થનમાં સત્યેન્દ્રએ ટિકિટ સાથે એક વીડિયો પણ જોડ્યો હતો.
આ વીડિયોમાં ઈસ્લામિક પોશાકમાં 2 લોકો રસ્તા પર નમાજ અદા કરતા જોવા મળ્યા હતા. બસના મુસાફરો કંડક્ટર દ્વારા નમાજ માટે મુસાફરી રોકવાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. જોકે, આ બધાના જવાબમાં કંડક્ટર તેમને હિંદુ-મુસ્લિમ ન કરવાની સલાહ આપતા જોવા મળ્યા હતા. જ્યારે નમાજ પઢવા માટે બસ રોકાવાનો વીડિયો વાયરલ થયો ત્યારે પ્રશાસને ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો અને કંડક્ટરની કોન્ટ્રાક્ટ સેવા સમાપ્ત કરી દીધી હતી. જે બાદ અસદુદ્દીન ઓવૈસીની આ પ્રતિક્રિયા સામે આવી હતી.