દેશની સૌથી જૂની યુનિવર્સીટીઓમાંની એક ગણાતી હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યુનિવર્સીટી હાલ વિવાદમાં છે. તેનું કારણ એ છે કે યુનિવર્સીટીએ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને કેમ્પસમાં ‘બિન રાજકીય’ કાર્યક્રમ કરવા માટે પરવાનગી આપી ન હતી. જે બાદ કોંગ્રેસે તેલંગાણાના શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે અને યુનિવર્સીટીના વીસી અને અધિકારીઓ પર ટીઆરએસ સરકારના ગુલામ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
આગામી 6 અને 7 મેના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેલંગાણાની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યુનિવર્સીટી સમક્ષ રાહુલ ગાંધીની ‘બિનરાજકીય’ મુલાકાત માટે પરવાનગી માંગી હતી. જોકે, યુનિવર્સીટીએ રાહુલ ગાંધીને પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
જોકે, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, યુનિવર્સીટીએ લેખિત સ્વરૂપમાં આયોજકોને આ મામલે જાણ કરી નથી પરંતુ યુનિવર્સીટીની કાર્યકારી પરિષદે કથિત રીતે ઇનકાર કરી દીધા બાદ રાજકીય ઉથલપાથલ મચી છે. કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણા રાષ્ટ્રસમિતિના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે રાહુલ ગાંધીની મુલાકાત રોકવા માટે સંસ્થા પર દબાણ કર્યું છે. બીજી તરફ, આ મામલે કેટલાક વિદ્યાર્થીઓ તેલંગાણા હાઈકોર્ટ પહોંચ્યા છે અને તેમણે માંગ કરી છે કે રાહુલ ગાંધીની મુલાકાતની પરવાનગી આપવામાં આવે.
કેમ્પસમાં રાજકીય પ્રવુત્તિઓ પર રોક લગાવવામાં આવી હોવાનું યુનિવર્સીટીએ જણાવ્યું
કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું કે તેમણે કાર્યક્રમની પરવાનગી માટે 23 એપ્રિલના રોજ યુનિવર્સીટીને જાણ કરી હતી અને સાથે એમ પણ જણાવ્યું હતું કે કાર્યક્રમ બિન-રાજકીય હશે. બીજી તરફ, યુનિવર્સીટી પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સીટીની કાર્યકારી પરિષદે વર્ષ 2017 થી કેમ્પસમાં રાજનીતિક બેઠકો સહિતની બિન-શૈક્ષણિક ગતિવિધિઓ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, હાઈકોર્ટે રાજ્ય સરકારને યુનિવર્સીટી પરિસરમાં રાજનીતિક અને સાર્વજનિક બેઠકોની પરવાનગી ન આપવાનો નિર્દેશ કર્યા બાદ જૂન 2017 માં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ રાજકીય પ્રવુત્તિઓના કારણે અભ્યાસમાં સતત ખલેલ પહોંચતી હોવાનો આરોપ લગાવીને હાઈકોર્ટમાં રાવ નાંખી હતી.
યુનિવર્સીટી કેમ્પસમાં વિરોધ, 18 NSUI કાર્યકરોની ધરપકડ
યુનિવર્સીટીમાં રાહુલ ગાંધીની મુલાકાતની પરવાનગી ન આપવાના નિર્ણય બાદ યુનિવર્સીટી પરિસરમાં આ મામલે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ શરૂ થઇ ગયો હતો. યુથ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોએ શનિવારે આર્ટસ કોલેજની બહાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ટીઆરએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનોએ પણ NSUI અને યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ મામલે તેલંગાણા નિરુદ્યોગ વિદ્યાર્થી જોઈન્ટ એક્શન કમિટના માનવતા રોયે જણાવ્યું હતું કે, “યુનિવર્સીટીએ હજુ સુધી લેખિત સ્વરૂપમાં પોતાનો નિર્ણય વિદ્યાર્થીઓને જણાવ્યો નથી. પ્રશાસન આ મામલે સોમવારે કંઇક જણાવે તેવું અનુમાન છે.”
વિરોધ પ્રદર્શન બાદ પોલીસે NSUI ના 18 કાર્યકરોને પોલીસે પકડી લીધા હતા. તેમની વિરુદ્ધ પથ્થરમારો કરવાના આરોપ લાગ્યા છે. પકડાયેલા વિદ્યાર્થીઓમાં NSUI અધ્યક્ષ બી વેંકટ પણ સામેલ છે.
કોંગ્રેસે કહ્યું- સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના કારણે કેસીઆર સુખ ભોગવી રહ્યા છે
બીજી તરફ, કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર શ્રવણે આ મામલે તેલંગાણા સરકાર અને ટીઆરએસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેસીઆરે એ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કારણે જ તેલંગાણા રાજ્ય મળી શક્યું હતું અને હમણાં તેઓ સત્તાનું સુખ ભોગવી રહ્યા છે તો તેનું કારણ પણ ગાંધી પરિવાર છે. તેમણે કહ્યું કે, એ બધું ભૂલીને તેઓ રાહુલ ગાંધીને અનુમતિ આપવાનો ઇનકાર કઈ રીતે કરી શકે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઉસ્માનિયા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર અને અધિકારીઓ પર ટીઆરએસ સરકારના ગુલામ તરીકે કામ કરવાનો આરોપ લગાવીને કહ્યું કે, NSUI તરફથી આયોજિત કરવામાં આવેલ બેઠક બિનરાજકીય હતી અને રાહુલ ગાંધી માત્ર વિદ્યાર્થીઓને મળીને તેમની સમસ્યાઓ જાણવા માંગતા હતા.