કર્ણાટક વિધાનસભા સાથે ઓડિશા ખાતે પણ એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કિશોર દાસની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમના મૃત્યુ બાદ ખાલી પડેલી ઝારસુગુડા વિધાનસભા બેઠક પર આ ચૂંટણી યોજાઈ, જેમાં દિવગંત નેતાની પુત્રી જ વિજયી બની છે.
ઓડિશાની ઝારસુગુડા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક પક્ષ બીજુ જનતા દળનાં ઉમેદવાર દિપાલી દાસને જીત મળી હતી. તેઓ 48 હજાર મતોના જંગી માર્જિનથી જીત્યાં હતાં. જ્યારે કુલ 1 લાખ મત મળ્યા હતા. તેઓ માર્યા ગયેલા નેતા નાબા કિશોર દાસનાં પુત્રી છે.
દિપાલી દાસને કુલ 1,07,198 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવારને 58,477 જેટલા મતો મળ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારને માત્ર 4,496 મતથી સંતોષ માનવો પડ્યો. આ ચૂંટણીમાં બીજેડીએ વધુ મોટા માર્જિનથી ફરી એક વખત જીત મેળવી, જ્યારે ભાજપનો વોટશેર પણ વધ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી દીધી છે.
દિપાલી દાસે પિતા નાબા કિશોર દાસ કરતાં પણ મોટા માર્જિનથી જીત મેળવી હતી. દિવગંત બીજેડી નેતા વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી 45,740 મતોથી વિજેતા બન્યા હતા. તેમની પુત્રીએ 48 હજારના માર્જિનથી જીત મેળવી છે.
#WATCH | "This is a victory of the people of Jharsuguda, of those who loved my father, of the Chief Minister, of the people and BJD and of everyone associated with my father. This is a victory of Naba Das..," says Dipali Das, the BJD candidate & daughter of slain Odisha minister… https://t.co/KZbfeCArxP pic.twitter.com/Cw7V5s9B4n
— ANI (@ANI) May 13, 2023
જીત બાદ બીજેડી ઉમેદવાર દિપાલી દાસે કહ્યું કે, આ જીત ઝારસુગુડાના લોકોની છે, જેઓ મારા પિતાને બહુ પ્રેમ કરતા હતા. આ જીત મુખ્યમંત્રી, બીજેડીના લોકો અને મારા પિતા સાથે જોડાયેલા તમામ લોકોની છે. આ જીત નાબા દાસની છે. તેમણે પોતાની ઉપર વિશ્વાસ મૂકવા બદલ સીએમ નવીન પટનાયક, પાર્ટી અને ઝારસુગુડાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, હવે ઝારસુગુડાનો વિકાસ કોઈ રોકી નહીં શકે.
બીજી તરફ, સીએમ નવીન પટનાયકે પણ દિપાલી દાસને જીત બદલ શુભકામનાઓ પાઠવી અને આ જીતને ઐતિહાસિક ગણાવી હતી. આ જીત બદલ તેમણે ઝારસુગુડાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
જાન્યુઆરીમાં પોલીસકર્મીએ મારી હતી ગોળી
ઓડિશા રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી નાબા કિશોર દાસની જાન્યુઆરી મહિનામાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ ઝારસુગુડા ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં ફરજ પર હાજર ASIએ આવીને ગોળીઓ ધરબી દીધી હતી. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ બચી શક્યા ન હતા. તેમના નિધન બાદ ખાલી પડેલી સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી.