જામનગર સ્થિત રણજીતસાગર ડેમ નજીક બાંધવામાં આવેલી ગેરકાયદેસર દરગાહ પર આખરે બુલડોઝર ફરી વળ્યું છે. મે, 2024માં ઑપઇન્ડિયાએ એક્સક્લૂઝિવ રિપોર્ટ પ્રકાશિત કરીને જણાવ્યું હતું કે કઈ રીતે ડેમ નજીક ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં તેને હટાવવા માટેના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ હવે સ્થાનિક પ્રશાસને સંજ્ઞાન લઈને જગ્યા ખાલી કરાવી દીધી છે.
આ કાર્યવાહી બુધવારે (19 જૂન) રાત્રે કરવામાં આવી. ડિમોલિશન પહેલાં મોટી સંખ્યામાં જામનગર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સ્થળ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા પોલીસ વડાથી માંડીને નાયબ મામલતદાર અને અન્ય પ્રશાસનના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં, તેમની દેખરેખ હેઠળ ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવામાં આવ્યું.
સૌપ્રથમ ઑપઇન્ડિયા પહોંચ્યું હતું દબાણવાળી જગ્યાએ
અહીં ઉલ્લેખનીય છે કે ગત 12 મેના રોજ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત એક્સક્લુઝિવ રિપોર્ટમાં જણાવ્યું હતું કે જામનગરના વિખ્યાત રણજીતસાગર ડેમ નજીક એક ગેરકાયદેસર દરગાહ બાંધી દેવામાં આવી છે. વર્ષ 2022માં આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે લેખિતમાં આદેશ પણ આપવામાં આવી ચૂક્યા હતા, પરંતુ તેમ છતાં આ બાંધકામ ત્યાં જ યથાવત રહ્યું. સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે તંત્ર ધ્યાન ન આપી રહ્યું હોવાના કારણે કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે.
જોકે ઑપઇન્ડિયાએ જિલ્લા કલેક્ટરથી માંડીને મામલતદાર અને અન્યોનો પણ સંપર્ક કર્યો હતો, જેમણે આશ્વાસન આપ્યું હતું કે મામલો નવેસરથી હાથ પર લઈને જે ઘટતું હશે તે કરવામાં આવશે. આખરે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દરગાહ છેલ્લાં ત્રીસેક વર્ષથી અહીં છે. તેનો મુંજાવર એક કાસમ નામનો વ્યક્તિ છે, જે તેની સંભાળ રાખે છે. ડેમની તદ્દન નજીક દરગાહ ગેરકાયદેસર રીતે બની હતી. આ જગ્યામાં ચોમાસામાં પાણી આવી જાય ત્યારે તે ડૂબી જાય છે અને બાકીના 8 મહિના જોવા મળે છે. સપ્ટેમ્બર, 2022માં સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓને તેને હટાવવા માટે અરજી આપી હતી.
ત્યારબાદ સરકારી જમીન પર દબાણ કરનાર કાસમ હસન ઓડિયા વિરુદ્ધ હુકમ કરીને મામલતદાર દ્વારા લેખિતમાં દબાણ હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો દબાણ કરનાર કાસમ જગ્યા ખુલ્લી ન કરે તો રેવન્યુ કોડમી કલમ 202ની નોટીસ બજવણી કરી દબાણદારના ખર્ચે અને જોખમે દબાણ ખુલ્લું કરવાનો હુકમ કરવામાં આવે છે. ઑપઇન્ડિયા પાસે આ લેખિત આદેશની નકલ ઉપલબ્ધ છે. જોકે, પછી આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે આખરે ચોમાસું બેસે તે પહેલાં પ્રશાસને જગ્યા ખાલી કરાવી દીધી છે.