હાલ દેશભરમાં વારાણસી સ્થિત વિવાદિત માળખા જ્ઞાનવાપીમાંથી સરવે દરમિયાન શિવલિંગ મળી આવવાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર ભગવાન શિવ અને હિંદુ ધર્મની મજાક ઉડાવતી અને લાગણી દુભાવતી પોસ્ટ પણ જોવા મળી હતી. દરમ્યાન, સુરતના માંડવીમાં એક મુસ્લિમ યુવક દ્વારા સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા આ મામલે ફરિયાદ થયા બાદ તેને સળિયા ગણતો કરી દેવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાની ફરિયાદ બાદ આરોપી મુસ્લિમ યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વરમાં મુનિર રફીક મન્સુર નામના એક યુવાને ગત 19 મેના રોજ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં એક બોટલમાં જામી ગયેલા બરફની તસ્વીર મૂકી હતી અને સાથે હિંદીમાં લખ્યું હતું કે, “બોટલ પાની ભરકર ફ્રિજ મેં રખા થા, ઔર ચમત્કાર હુઆ, બોટલ મેં શિવલિંગ બન ગયા. મેં ફ્રિજ કો જલ્દી હી બેચના ચાહતા હૂં, મુજે ડર હૈ કોઈ મૂર્ખ પ્રાણી ફ્રિજ પર અપના દાવા ન ઠોક દે. ક્યોંકિ હર ઉપર ઉઠી હુઈ ચીજ ભક્તો કો લિંગ લગતી હૈ.”
આ સ્ટેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિશ્વ હિંદુ પરિષદના યતિન ટેલરે માંડવી પોલીસ સ્ટેશન ખાતે રફિક મન્સુર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, “આરોપીએ હિંદુ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને હિંદુઓની લાગણી દુભાવી છે. તેમજ આવું સ્ટેટ્સ મૂકી હિંદુ દેવતા વિશે બીભત્સ લખાણ મૂકી હિંદુ ધર્મની ધાર્મિક લાગણી દુભાય અને દેશમાં જાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કર્યા છે.”
ફરિયાદ બાદ માંડવીમાં પોલીસે કાર્યવાહી કરીને આરોપી મુસ્લિમ યુવકની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલાની તપાસ માંડવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી પટેલ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર બનાવ અંગે સુરત જિલ્લા બજરંગદળ સંયોજક ચિરાગભાઈ પૂજારીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “તડકેશ્વરના એક મુસ્લિમ યુવાને હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ વોટ્સએપ પર મૂકી હતી. જે બાદ ત્યાંના સ્થાનિક વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ કાર્યકરોએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં લઇ જઈ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ તે જેલમાં બંધ છે.”