બકરીદ પહેલાં સોશિયલ મીડિયા પર એક પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં ભરૂચની એક ઈસ્લામિક સંસ્થાનું નામ લખવામાં આવ્યું હતું. આ પત્રિકામાં જાનવરોની કુરબાની કઈ રીતે આપવી તે જણાવવામાં આવ્યું હતું. પરંતુ પત્રિકા વિવાદનું કારણ ત્યારે બની જ્યારે તેમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે ઑપઇન્ડિયાએ પણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ પોલીસે સંજ્ઞાન લઈને આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આમોદની દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજાના મૌલવી અબ્દુલ રહીમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આ મામલે વધુ એકની ધરપકડ થઈ છે.
Second arrest made in Bharuch over social media post on cow slaughterhttps://t.co/8NBDLW4OC9 pic.twitter.com/kvXRRjUK3S
— DeshGujarat (@DeshGujarat) June 19, 2024
આ કેસની તપાસ ભરૂચ જિલ્લા SOG કરી રહી હતી. પકડાયેલા આરોપી અબ્દુલ રહીમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને બરકાતે ખ્વાજા મદરેસાના ઉપપ્રમુખ શબ્બીર અલી પટેલે પત્રિકા બનાવી આપી હતી. ત્યારબાદ પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી હતી. આ મામલે પોલીસે મદરેસા તેમજ આરોપીઓના ઘરે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ પોલીસે અબ્દુલ રહીમ અને શબ્બીર સામે IPC અને IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અબ્દુલની ધરપકડ પહેલાં થઈ હતી અને હવે શબ્બીરને પણ પકડવામાં આવ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બંનેમાંથી અબ્દુલ રહીમનું નામ વર્ષ 2021માં પણ એક ધર્માંતરણના કેસમાં સામે આવી ચૂક્યું હતું, જે મામલે તેની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચૂકી છે.
શું હતું વાયરલ પત્રિકામાં?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકામાં ઇસ્લામિક સંસ્થાના નામે ઈદ પર જાનવરોની કુરબાની કઈ રીતે આપવી જોઈએ તે જણાવવામાં આવ્યું હતું અને સાથે કઈ દુઆ પઢવી અને કઈ દિશામાં જાનવરનું મોઢું રાખવું વગેરે જેવી વિગતો આપવામાં આવી હતી. આ પ્રાણીઓમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પછીથી સોશિયલ મીડિયામાં પત્રિકા ફરતી થતાં વિરોધ ઊઠ્યો હતો અને ગાયનો ઉલ્લેખ કરવા બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જોકે, પછીથી ઇસ્લામિક સંસ્થાએ એક માફીનામું બહાર પાડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમનાથી ભૂલથી આ લખાયું છે અને ગાયની કુરબાની આપવામાં આવશે નહીં. જોકે, પોલીસે સ્થિતિ ન બગડે તે માટે કાર્યવાહી કરીને ગુનો નોંધી દીધો હતો અને જવાબદારોની ધરપકડ પણ કરી લીધી હતી.