ગુજરાતમાંથી આઈફોન ચોરી કરીને મોબાઈલના મૂળ માલિક પાસેથી જ આઈડી-પાસવર્ડ લઈને ફોર્મેટ કરીને બાંગ્લાદેશ વેચી દેવાનું એક આખું નેટવર્ક ઝડપાયું છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે નવસારીથી એક મોહસિન ખાન મન્સૂરની ધરપકડ કરી લીધી છે. જેણે સેંકડો મોબાઈલ ફોન ચોરીને અનલૉક કર્યા હોવાની કબૂલાત કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને રાજ્યના અમુક ખાસ વિસ્તારોમાંથી આઈફોન ચોરાતા હોવાની માહિતી મળી હતી. આ આઈફોનનું લૉકેશન મળી રહ્યું ન હતું અને ટ્રેસ માટે મૂકાયેલા ફોનનું અંતિમ લૉકેશન પશ્ચિમ બંગાળમાં બતાવવામાં આવતું હતું અને ત્યારબાદ ફોન ડિએક્ટિવેટ થઇ જતો હતો.
આ મામલે ઊંડી તપાસ કરતાં ઇન્ટરસેપ્શન અને સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચી ગઈ હતી, જે લોકોના ફોન ચોરીને તેમની પાસેથી જ આઈડી-પાસવર્ડ મેળવી લેતો હતો.
આરોપી ચોરી કરાયેલા મોબાઈલના માલિકનો નંબર મેળવીને તેમના અન્ય ડિવાઇસ ઉપર તેમનો મોબાઈલ પરત આપવા માંગે છે તે પ્રકારનો મેસેજ કરતો હતો. જેની સાથે એક ખોટી લિંક મલકલવામાં આવતી, જેને ઓપન કરવાથી બે-ત્રણ મિનિટ માટે ફોનનું લૉકેશન બતાવવામાં આવતું, તે પણ ખોટું હતું. જેને ઓપન કરવા માટે તે માલિક પાસેથી એપલ આઈડી અને પાસવર્ડ માંગતો હતો.
એકવાર વ્યક્તિ એપલ આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરે ત્યારબાદ તે ફોન અનલૉક કરીને સિમકાર્ડ કાઢી નાંખતો અને તમામ ડેટા ડિલીટ કરી દઈને ફોન ફોર્મેટ કરી દેતો હતો. ત્યારબાદ તેને બાંગ્લાદેશ સ્મગલ કરી દેવામાં આવતા હતા. આરોપી મોહસિને સેંકડો મોબાઈલ ફોન આ રીતે અનલૉક કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ મોબાઈલની એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવતી અને તે કિંમતે ફોન બાંગ્લાદેશમાં વેચી દેવામાં આવતા. જે માટે બોટ મારફતે અથવા ડુપ્લિકેટ બોક્સ બનાવીને ફોન મોકલવામાં આવતા હતા. જે પહોંચી ગયા બાદ રકમ ચૂકવી દેવામાં આવતી હતી.
પોલીસને આશંકા છે કે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનું નેટવર્ક ચાલતું હોય શકે અને ચોરી કરેલા આઈફોન બાંગ્લાદેશ અને નેપાળ જેવા નાના દેશોમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવતા હોય શકે. જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બુધવારે (15 ફેબ્રુઆરી, 2023) અમદાવાદ પોલીસે શહેરમાંથી એક અબ્દુલ ખાલિદ નામના ઈસમની ધરપકડ કરી હતી, જે મોબાઈલના IMEI નંબર બદલી નાંખવાનું કામ કરતો હતો. સામાન્ય રીતે પોલીસ આ નંબર થકી ચોરી થયેલા ફોન સુધી પહોંચતી હોય છે પરંતુ ભેજાબાજોએ તેનો પણ તોળ કાઢી લીધો હતો.