છોટાઉદેપુરના કવાંટમાં એક દાઉદી વ્હોરા સમાજના એક યુવાન દ્વારા હિંદુ નામ રાખીને હિંદુ યુવતીને ફસાવી, તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીની ઓળખ અલીઅસગર પારાવાલા તરીકે થઇ છે. પોલીસે હિંદુ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી લઈને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના ચાર દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, કવાંટ ખાતે રહેતા અલીઅસગર પારાવાલાએ અનિલ જાયસ્વાલ નામ રાખીને નગરમાં જ રહેતી એક 24 વર્ષીય હિંદુ યુવતી સાથે મિત્રતા કરવાના પ્રયત્નો કર્યા હતા. તે યુવતીને ફોન અને મેસેજ કરીને પોતે જીમ સંચાલક હોવાનું કહીને મળવા બોલાવતો હતો.
વારંવાર થતી હેરાનગતિથી ત્રાસીને યુવતી તેને સમજાવવા માટે જીમ ગઈ હતી. પરંતુ ત્યાં અલઅજગરે મોકાનો ફાયદો ઉઠાવીને યુવતી સાથે શારીરિક છેડતી કરી એક સેલ્ફી પાડી લીધી હતી. જે બાદ તે આ સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરતો હતો. સમાજમાં બદનામી થવાના ડરે યુવતી પણ તાબે થઇ ગઈ હતી. જે બાદ તે ઘણીવાર જીમમાં કોઈ ન હોય ત્યારે તેને બોલાવીને બળજબરી કરતો હતો.
થોડા સમય બાદ યુવતીને તેનું સાચું નામ અનિલ જાયસ્વાલ નહીં પરંતુ અલીઅસગર હોવાનું તેમજ તે પરણિત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતીએ તેના પરિજનોને જાણ કરતાં યુવતીના પિતા સહિતના પરિજનો ઈસમના ઘરે ગયા હતા અને તેને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેણે ‘થાય તે કરી લેજો, હું તેને મારી પત્ની બનાવીશ’ એમ કહીને તેમને પણ ધમકી આપી હતી તો યુવતી સાથેની તસ્વીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
જે બાદ ગત 18 જુલાઈના રોજ યુવતી ઘરેથી નોકરીના સ્થળે જવા નીકળી હતી તે દરમિયાન અલીઅસગરે તેને રસ્તામાં રોકી લઈને બુલેટ પર બેસાડી દીધી હતી અને બળજબરીપૂર્વક વાઘોડિયા લઇ ગયો હતો. જ્યાંથી બંને રીક્ષામાં બેસીને રેલવે સ્ટેશન ગયા હતા. જે બાદ તે યુવતીને ટ્રેનમાં બેસાડી લઈને પૂના અને ત્યાંથી લોનાવાલા લઇ ગયો હતો.
લોનાવાલામાં હોટેલમાં તેણે અનેક વખત હિંદુ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. દરમ્યાન, અલી અસગરે ઘરે તેના ભાઈને ફોન કરતાં તેણે ગામમાં વાતાવરણ તંગ હોવાનું કહેતાં 20 જુલાઈએ બંને પરત આવ્યાં હતાં. જે બાદ યુવતીએ સમગ્ર મામલાની જાણ પરિવારને કરતાં યુવતીના પરિજનોએ 21 જુલાઈના રોજ કવાંટમાં આવેલ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 366 (લગ્નના ઇરાદે મહિલાનું અપહરણ), 376 (2) (બળાત્કાર), 377 (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય), 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદે અપમાનજનક ટિપ્પણી) અને 506 (2) (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધીને ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીની ધરપકડ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે વધુ વિગતો મેળવવા માટે પોલીસનો સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.