આજે (21 મે 2022) કોંગ્રેસ નેતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિ છે. પૂણ્યતિથિએ આજે રાજીવ ગાંધીને યાદ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી રાજીવ ગાંધી અને તેમને યાદ કરતી અને તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ આજે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતી એક ટ્વિટ પોસ્ટ કરી હતી. ટ્વિટમાં રાજીવ ગાંધીનું એક નિવેદન ટાંકવામાં આવ્યું હતું જેના કારણે તે વિવાદનું કારણ બની હતી. જોકે, ત્યારબાદ અધીર રંજન ચૌધરી દ્વારા તે ડીલીટ કરી નાંખવામાં આવી હતી.
અધીર રંજન ચૌધરીએ આજે સવારે તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી. જેમાં રાજીવ ગાંધી અને તેમના નિવેદન સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે, આ તસ્વીર સાથે અધીર રંજને રાજીવ ગાંધીનું જે નિવેદન ટાંક્યું હતું, તેને લઈને ટ્વિટ ચર્ચાસ્પદ બની હતી. જોકે, નાટકીય રીતે ગણતરીની મિનિટોમાં આ વિવાદાસ્પદ ટ્વિટ હટાવી દેવામાં આવી હતી અને નવા નિવેદન સાથે નવી ટ્વિટ કરવામાં આવી હતી.
Congress leader Adhir Ranjan Chowdhury’s now-deleted tweet; he had posted this earlier today. pic.twitter.com/EF77RlskQE
— ANI (@ANI) May 21, 2022
અધીર રંજન ચૌધરીએ રાજીવ ગાંધીનું એવું નિવેદન ટાંક્યું હતું જે ભારતના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ નિવેદનો પૈકીનું એક ગણાય છે. એ નિવેદન આવું છે : “જ્યારે મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હલી જાય છે.” (When a big tree falls, the ground shakes.) ઉપરોક્ત નિવેદન ઇન્દિરા ગાંધીની હત્યા સાથે સબંધિત છે. જેમાં રાજીવ ગાંધીએ આડકતરી રીતે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ નરસંહારને વ્યાજબી ઠેરવ્યો હતો.
ઇન્દિરા ગાંધીની હત્યા અને શીખ હત્યાકાંડ
31 ઓક્ટોબર 1984 ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજધાની દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શીખ વિરોધો રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને જેમાં 3325 લોકો માર્યા ગયા હતા. જેમાંથી 2733 લોકો માત્ર દિલ્હીમાં જ માર્યા ગયા હતા.
આ રમખાણો બાદ 19 નવેમ્બરના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ દિલ્હીના એક બોટ ક્લબમાં જનસભા સંબોધિત કરતા કહ્યું હતું, “જયારે ઇન્દિરાજીની હત્યા થઇ હતી ત્યારે આપણા દેશમાં રમખાણો અને તોફાનો થયા હતા. આપણે જાણીએ છીએ કે ભારતની જનતાના હૃદયમાં કેટલો ગુસ્સો આવ્યો હશે. કેટલાક દિવસો માટે તો લાગ્યું કે જાણે ભારત હલી રહ્યું છે. પરંતુ જયારે કોઈ મોટું વૃક્ષ પડે છે તો ધરતી હલી જાય છે. પરંતુ તે પછી જે રીતે આ સમાપ્ત થયું અને જે રીતે ફરીથી તમારી મદદથી, તમારી શક્તિઓથી દેશની એકતા થવા માંડી છે તે આખી દુનિયા જોઈ રહી છે કે કઈ રીતે ભારત એક સાચા અર્થમાં લોકતંત્ર બની ગયું છે.”
તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના આ વક્તવ્યમાં તોફાનો અને રમખાણો દરમિયાન અનાથ અને બેઘર બનેલા હજારો શીખો માટે કોઈ ઉલ્લેખ થયો ન હતો. જેથી સામાન્ય લોકોમાં એવો સંદેશ ગયો કે, રાજીવ ગાંધીના આ વક્તવ્યમાં આ રમખાણો અને હત્યાઓને વ્યાજબી ઠેરવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
તે સમયે પણ આ નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટી અને રાજીવ ગાંધીનો ખૂબ વિરોધ થયો હતો અને આજે પણ પાર્ટી આ મુદ્દે ઘેરાતી રહી છે. હવે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજીવ ગાંધીનું આ વિવાદાસ્પદ નિવેદન ટાંકતા કોંગ્રેસ પાર્ટી ફરી સવાલોના કઠેડામાં ઉભી રહી ગઈ છે.
જોકે, અધીર રંજન ચૌધરીની ટ્વિટના સ્ક્રીનશોટ મીડિયા અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ જતાં અધીર રંજન ચૌધરીએ તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી અન્ય એક ટ્વિટ કરીને ખુલાસા આપવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે કહ્યું, “ટ્વિટર અકાઉન્ટ પર મારા નામે કરવામાં આવેલ ટ્વિટને મારા વ્યક્તિગત વિચારો સાથે કોઈ લેવાદેવા નથી.” તેમણે એવો પણ દાવો કર્યો કે, તેમના વિરોધીઓ દ્વારા જાણીજોઈને તેમની વિરુદ્ધ અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે.
a malicious campaign is propagated by those forces inimical to me.
— Adhir Chowdhury (@adhirrcinc) May 21, 2022
અહીં એ પણ નોંધનીય છે કે રાજકારણીઓ કાયમ આ પ્રકારે નિવેદન આપીને છટકી જવાના પ્રયત્નો કરતા આવ્યા છે. ઘણીવાર રાજકારીઓ પોતાની ભૂલો ટ્વિટર અકાઉન્ટ હેક થઇ ગયું હોવાના બહાના ધરીને પણ ઢાંકતા રહ્યા છે.