Wednesday, June 25, 2025
More
    હોમપેજરાજકારણકાશ્મીરના તુલબુલ પ્રોજેક્ટને લઈને ઓમર અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તી વચ્ચે તુંતું-મેંમેં: એક ફરી શરૂ...

    કાશ્મીરના તુલબુલ પ્રોજેક્ટને લઈને ઓમર અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તી વચ્ચે તુંતું-મેંમેં: એક ફરી શરૂ કરવા માંગે છે યોજના, એકને ‘પાકિસ્તાન સાથે સંબંધ બગાડવાનો’ ભય

    ઓમર અબ્દુલ્લાએ મહેબૂબાના આરોપોને 'સસ્તો પ્રચાર' ગણાવ્યો હતો. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, 'સસ્તી લોકપ્રિયતા' માટે મહેબૂબા મુફ્તી સરહદ પારના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવી અન્યાયી સંધિનો વિરોધ કરવો કોઈપણ રીતે ઉશ્કેરણીજનક નથી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (PDP) ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) વચ્ચે તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ (Tulbul Navigation Project) અને સિંધુ જળ સંધિને લઈને વિવાદ ઊભો થયો છે. શુક્રવારે (16 મે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિવાદ સામે આવ્યો હતો. બંને નેતાઓએ આ મુદ્દે એકબીજા પર પ્રહાર કર્યા હતા. એક તરફ કાશ્મીરના મુખ્યમંત્રી તુલબુલ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ મહેબૂબા મુફ્તીએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે.

    તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઝેલમ નદી પર નેવિગેશન અને વીજ ઉત્પાદનમાં સુધારો કરવાનો છે. ગુરુવારે (15 મે, 2025) ઓમર અબ્દુલ્લાએ આ પ્રોજેક્ટને ફરી શરૂ કરવાની વાત કરી હતી. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, પાકિસ્તાનના દબાણમાં આવીને પ્રોજેક્ટ બંધ કરાયો હતો, હવે સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ તેને ફરી શરૂ કરવો જોઈએ.

    જોકે, મહેબૂબા મુફ્તીએ ઓમર અબ્દુલ્લાની આ વાતને ‘ઉશ્કેરણીજનક પગલું’ ગણાવી દીધી હતી. તેમણે ‘બંને દેશો વચ્ચે વિવાદ’ ઊભો થવાની વાતો કરી હતી અને અબ્દુલ્લાની વાતને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી. વધુમાં તેમણે આ વાતને જમ્મુ-કાશ્મીરના લોકો માટે ‘જોખમ’ ગણાવી દીધી હતી. આ વિવાદ એવા સમયે ઉભરી આવ્યો છે, જ્યારે પહલગામ આતંકવાદી હુમલા, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા અને ઑપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયાને ગણતરીના દિવસો થયા છે.

    - Advertisement -

    ઓમર અબ્દુલ્લાએ મહેબૂબાના આરોપોને ‘સસ્તો પ્રચાર’ ગણાવ્યો હતો. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘સસ્તી લોકપ્રિયતા’ માટે મહેબૂબા મુફ્તી સરહદ પારના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આવી અન્યાયી સંધિનો વિરોધ કરવો કોઈપણ રીતે ઉશ્કેરણીજનક નથી. ઓમર અબ્દુલ્લાની પોસ્ટ બાદ ફરી મહેબૂબા મુફ્તીએ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાન તથા અબ્દુલ્લાના દાદાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

    મહેબૂબા મુફ્તીએ 1980ના દાયકામાં શરૂ થયેલા તુલબુલ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો, જેને પાકિસ્તાનના વિરોધને કારણે સિંધુ જળ સંધિ હેઠળ બંધ કરી દેવામાં આવ્યો હતો. સંધિના સસ્પેન્શન પછી હવે તે ફરી શરૂ થવાની શક્યતા છે. ઓમરના દાદા શેખ અબ્દુલ્લાનો ઉલ્લેખ કરતા મહેબૂબાએ કહ્યું કે, તેમણે સત્તા ગુમાવ્યા પછી પાકિસ્તાનમાં જોડાવાની હિમાયત કરી હતી, પરંતુ બાદમાં ભારત સાથે આવી ગયા હતા. વધુમાં તેમણે ઓમર પર રાજકીય સુવિધા અનુસાર પોતાનું વલણ બદલવાનો આરોપ પણ લગાવ્યો છે.

    જોકે, ઓમરે જવાબમાં કહ્યું છે કે, સિંધુ જળ સંધિનો વિરોધ એ ઐતિહાસિક અન્યાયને સુધારવાનો પ્રયાસ હતો. તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, તેઓ ચર્ચાને ‘ગટર’ સ્તરે નહીં લઈ જાય. તેમણે X પર લખ્યું કે, મુફ્તી ભલે કોઈપણ લોકોના હિતમાં વાત કરે, પરંતુ તેઓ જમ્મુ અને કાશ્મીરની નદીઓના લોકોના હિતમાં ઉપયોગની હિમાયત કરતા રહેશે. તેમણે ઉમેર્યું કે, તેઓ પાણી રોકવા માંગતા નથી, પરંતુ પોતાના લોકો માટે તેનો વધુ ઉપયોગ કરવા માંગે છે. તેમણે મહેબૂબા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, તેમણે પોસ્ટ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને તેઓ હવે ‘ખરું કામ’ કરશે.

    નોંધનીય છે કે, ઓમર અબ્દુલ્લાએ જે પ્રોજેક્ટને શરૂ કરવાની વાત કરી છે, આખરે તેનો લાભ પણ જમ્મુ-કાશ્મીરના લોકોને અને ભારતને મળશે. પરંતુ લોકોની સુવિધા વધારવા મામલે ચર્ચાયેલા આ મુદ્દામાં પણ મહેબૂબા મુફ્તીને ‘બંને દેશો વચ્ચે સંબંધો’ ખરાબ થવાનો ભય સતાવી રહ્યો છે અને યુદ્ધના ભણકારા સંભળાવવા લાગ્યા છે. જોકે, મહેબૂબા મુફ્તી ઘણી વખત આડકતરી રીતે પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપી ચૂક્યાં છે, જેના કારણે ભારે વિરોધ પણ થયા હતા અને તેમને ‘પાકિસ્તાન કી બુઆ’ પણ ગણાવી દેવાયાં હતાં.

    મહેબૂબાએ પહેલાં પણ આવા અનેક પ્રયાસો કર્યા હતા. રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં પણ તેમણે પાકિસ્તાન આમ કરી દેશે અને પાકિસ્તાન તેમ કરી દેશે, તે એટોમીક પાવર છે.. જેવી બીક બતાવી હતી. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનને પણ ઘણી વખત શક્તિશાળી ગણાવવાના પ્રયાસ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં