હાલ યોજાઇ રહેલા પેરિસ ઓલમ્પિક્સમાં ભારત તરફથી શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લઇ ચૂકેલા શૂટર અર્જુન બાબુતાએ સ્વદેશ પરત ફર્યા બાદ પંજાબની આમ આદમી પાર્ટી સરકાર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, પોતે કારકિર્દીમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરી હોવા છતાં પંજાબ રાજ્ય સરકાર તરફથી તેમને કોઇ મદદ કરવામાં ન આવી. તેમણે રાજ્યમાં રમત ક્ષેત્રને થયેલી અસર બદલ ભગવંત માન સરકાર અને રમતગમત મંત્રીને જવાબદાર ઠેરવ્યા હતા.
અર્જુન બાબુતએ પેરિસ ઓલમ્પિક્સમાં મેન્સ 10 મીટર એર રાઇફલમાં ભાગ લીધો હતો, જેમાં તેઓ ફાઇનલમાં ચોથા ક્રમે રહ્યા. હવે તેઓ ભારત પરત ફરી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “રાજ્ય સરકાર તરફથી મને અત્યાર સુધી કોઈ લાભ થયો નથી. 2022માં પણ મને મુખ્યમંત્રી ભગવંત માન અને તત્કાલીન રમત મંત્રીએ મને નોકરી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હજુ સુધી કશું થયું નથી. મેં પત્ર પણ લખ્યો હતો, પરંતુ જવાબમાં મને રાહ જોવાનું જ કહેવામાં આવ્યું.”
#WATCH | Mohali, Punjab: Shooter Arjun Babuta, who finished fourth in Men’s 10M Air Rifle final in #ParisOlympics2024 says, "…I have not received any benefit from the state government. In 2022, Punjab CM Bhagwant Mann and then Sports Minister of Punjab Gurmeet Singh Meet Hayer… pic.twitter.com/HdUxMXreV2
— ANI (@ANI) August 2, 2024
તેમણે આગળ કહ્યું કે, “આ બહુ નિરાશાજનક બાબત છે અને મને આશા છે કે તેઓ આ બાબતે કંઈક કરશે, કારણ કે એક ખેલાડી તરીકે નોકરીની સુરક્ષા હોવી પણ જરૂરી છે. મારા પ્રયાસોને ધ્યાનમાં લઈને તેઓ આ બાબતે કંઈ કરે તેવી આશા છે. રમતમાં મારી ઉપલબ્ધિઓના આધારે યોગ્ય રેન્ક આપવામાં આવે તેવી હું સરકાર સમક્ષ માંગ કરું છું.”
તેમણે કહ્યું કે, “સરકારો બદલાયા કરે છે, પણ માંગ ત્યાંની ત્યાં જ રહે છે. હવે આશા ધૂંધળી થઈ રહી છે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમના રાજ્યના ઓલમ્પિક્સમાં ગયેલા શૂટરો સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, પણ પંજાબના મુખ્યમંત્રી કે રમત મંત્રીએ એવું કશું જ કર્યું નહીં. તેઓ એરપોર્ટ પર અમારા સ્વાગત માટે પણ ન આવ્યા. જો પંજાબમાં રમત ક્ષેત્ર પાછળ પડી રહ્યું હોય તો પંજાબ સરકારના મંત્રીઓનો તેમાં મોટો હાથ છે.”
અર્જુન બાબુતાએ આ ઓલમ્પિક્સમાં 10 મીટર એર રાઇફલમાં ભાગ લીધો અને ફાઇનલ સુધી પહોંચ્યા હતા. પરંતુ અહીં ચોથા ક્રમે આવતાં મેડલ જીતવાથી ચૂકી ગયા. તેમણે કુલ 208.4 પોઈન્ટ મેળવ્યા. હવે તેઓ 2028 ઓલમ્પિક્સ અને શૂટિંગ વર્લ્ડ કપ માટે તૈયારી કરશે.