કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા પોતાના નિવેદનોને કારણે કાયમ વિવાદમાં ઘેરાયેલા જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે વિરાસત કાયદાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકા વિરાસત કાયદો છે, તે ભારતમાં પણ લાગુ થવો જોઈએ. આ સાથે તેમણે એવું પણ કહી દીધું હતું કે, જો ભારતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ભારતમાં પણ વિરાસત કાયદો લાગુ થશે. ત્યારબાદ હવે સેમ પિત્રોડાએ ભારતની વિવિધતા સમજવવાના બહાને ભારતના લોકોના દેખાવ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં સેમ પિત્રોડા ભારતની વિવિધતા વિશે વાત કરતાં જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ વાતવાતમાં ભારતમાં વસતા લોકોના દેખાવને લઈને બોલવા લાગ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “આપણે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશને એકસાથે રાખી શકીએ છીએ. જ્યાં નોર્થ ઈસ્ટના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા દેખાય છે.”
In India,
— Anshul Saxena (@AskAnshul) May 8, 2024
People on East look like Chinese.
People on West look like Arab.
People on North look like White.
People on South look like Africa.
~ Congress leader Sam Pitroda. pic.twitter.com/swqF8tXRsN
સેમ પિત્રોડાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઘણા લોકોએ સેમ પિત્રોડાને સોશિયલ મીડિયા પર હાંસીપાત્ર બનાવ્યા છે તો ઘણા લોકોએ આ નિવેદનને ભારતની વિવિધતા અને અખંડિતતામાં બાધારૂપ બનનારું નિવેદન ગણાવ્યું છે. ભારતમાં વિવિધતાથી એકતાની વાત પર પણ ભિન્નતા પેદા કરીને સેમ પિત્રોડાએ દેશને જોડવાની જગ્યાએ વિખવાદ ઊભું કરનારું નિવેદન આપ્યું છે.
વિરાસત કાયદા અંગે પણ આપ્યું હતું વિવાદિત નિવેદન
આ કોઈ પહેલીવાર નથી કે, સેમ પિત્રોડાએ આવું વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલાં તાજેતરમાં જ તેમણે વિરાસત કાયદાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. USના શિકાગોમાં મીડિયા સાથે વાત કરતી વખતે ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ કહ્યું હતું કે, “અમેરિકામાં એક વિરાસત કર (Inheritance Tax) છે. જો કોઈ વ્યક્તિની પાસે 100 મિલિયન ડોલર છે અને તે જ્યારે મૃત્યુ પામે છે, તો તે માત્ર સંપત્તિના 45% જ પોતાનો બાળકોને આપી શકે છે, બાકીના 55% સરકારી તિજોરીમાં જાય છે.” એટલે બાકીના સરકાર જપ્ત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ કાયદા અનુસાર, તમે તમારા સમયમાં સંપત્તિ બનાવી અને હવે તેને જનતા માટે છોડી દો. પુરી નહીં તો ઓછામાં ઓછી અડધી સંપત્તિ તો છોડી જ દો. મને આ એકદમ યોગ્ય લાગે છે.”
તે પછી, આ કાયદાની વકીલાત કરતાં સેમ પિત્રોડાએ કહ્યું કે, “ભારતમાં આવો કોઈ કાયદો નથી. ભારતમાં જો કોઇની પાસે 10 બિલિયન ડોલર (લગભગ ₹82,000 કરોડ) છે અને તે મૃત્યુ પામે છે તો તેના બાળકોને આખા 10 બિલિયન ડોલર મળી જાય છે. જનતાને તેમાંથી કઈ નથી મળતું. આ કેટલીક બાબતો છે જેના પર ચર્ચા અને વિચાર કરવામાં આવશે. જ્યારે અમે સંપત્તિના પુનઃવિતરણ વિશે વાત કરીશું તો તેનો અર્થ એ થશે કે, નવા કાયદા અને નીતિઓ પર વાત કરવામાં આવશે.” આ સાથે તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ વિશે ચોક્કસ વિચારશે.