પંજાબથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાલિસ્તાન સમર્થક સાંસદ અમૃતપાલના પરિચિતોના ત્યાં NIAના દરોડા પાડવામાં આવ્યા છે. અમૃતપાલ ખડૂર સાહેબથી લોકસભા ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એજન્સીએ મોગા અને અમૃતસર ખાતે વહેલી સવારે અમૃતપાલના પરિચિતોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતસરમાં 3 અને મોગમાં 6 જગ્યાએ NIA ત્રાટકી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતસરમાં ફેરોમેન રોડ પર અમૃતપાલના કાકાના ત્યાં. સઠિયાલા પાસે આવેલા બુતાલામાં બનેવીના ત્યાં અને મેહતા વિસ્તારમાં રહેતા અન્ય એક બનેવીના ત્યાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીઓને આશંકા છે કે આ લોકો અમૃતપાલને આવતા વિદેશી ફંડિંગને મેનેજ કરતા હતા. એજન્સીને મળેલી ઇનપૂટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એજન્સી આ લોકોના ત્યાં ફોરેન ફંડિંગના પુરાવા શોધી રહી છે.
બીજી તરફ એજન્સીએ મોગા ખાતે આવેલા હલ્કા બાઘાપુરના સ્માલસરમાં રહેતા અમૃતપાલના સમર્થક મખ્ખન સિંઘના ત્યાં વહેલી સવારે 6 વાગ્યે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં હજુ પણ એજન્સીના ધામા છે. એક વાત સ્પષ્ટ છે કે અહીંયા પણ એજન્સીએ અમૃતપાલને લઈને જ દરોડા પાડ્યા છે, પરંતુ અહીં શેની તપાસ કરવામાં આવી રહી છે તે હજુ સ્પષ્ટ નથી.
પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીઓને છોડાવી ગયો હતો અમૃતપાલ
ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંઘે થોડા સમય પહેલા જ ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનને પોતાના હાથમાં લઈ લીધું હતું. કટ્ટર ખાલિસ્તાન સમર્થક અમૃત્પાલે તાજેતરમાં જ ખડૂર સાહેબ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જીતી હતી. ઉલ્લેખનીય છે કે તે પોતે જેલમાં હતો અને તે છતાં તે ચૂંટાઈને સંસદ સુધી પહોંચ્યો છે.
અમૃતપાલ સિંઘનું નામ ફેબ્રુઆરી-માર્ચ 2023માં દેશભરમાં ચગ્યું હતું. અજનાલામાં પોલીસે તેના એક સાગરીત સામે કેસ નોંધીને તેની ધરપકડ કરતાં 23 ફેબ્રુઆરી, 2023ના રોજ અમૃતપાલ તેના હજારો સમર્થકોને લઈને પોલીસ મથકે ઘૂસી ગયો હતો અને સાથીદારને છોડાવી લાવ્યો હતો. પોલીસ મથકે ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો અને ત્યારબાદ આખા દેશમાં મુદ્દો બન્યો હતો.
29 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ છે. આ સંગઠન એક્ટર અને ‘એક્ટિવિસ્ટ’ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. એ જ દીપ સિદ્ધુ જે 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લા પર થયેલી ધમાલમાં મુખ્ય આરોપી હતો અને જેણે ખેડૂત આંદોલનો દરમિયાન પણ મોટો ભાગ ભજવ્યો હતો.