મહારાષ્ટ્રમાં અમરાવતી ખાતે મેડિકલ સ્ટોરના માલિક ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં NIA દ્વારા 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બહુચર્ચિત નુપુર શર્માના વિવાદ વખતે તથાકથિત સમર્થન આપવા બદલ કટ્ટરપંથી મુસ્લિમોએ ઉમેશ કોલ્હેની ગળું કાળીને હત્યા કરી દીધી હતી જેમાં હત્યારાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે બાદ હવે NIA દ્વારા 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
હેવાલો મુજબ ઉમેશ કોલ્હે હત્યાકાંડ બાદ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં 22 જૂન 2022ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી ત્યારે NIA દ્વારા 2 જુલાઈ 2022ના રોજ આ મામલે ફરી એક કેસ નોંધવામાં આવ્યો.
National Investigation Agency (NIA) on Friday filed a charge sheet against 11 arrested accused in the Mumbai NIA court in connection with the Amravati pharmacist Umesh Kolhe murder case: NIA pic.twitter.com/jGQEJ27wh5
— ANI (@ANI) December 16, 2022
ચાર્જશીટમાં કોણ કોણ આરોપી
મળતી માહિતી અનુસાર NIAએ જેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે તે આરોપીઓમાં મુબશીર અહેમદ, શાહરૂખ ખાન, અબ્દુલ તૌસીફ શેખ, મોહમ્મદ શોએબ, અતિબ રાશિદ, યુસુફ ખાન, ઈરફાન ખાન, અબ્દુલ અરબાઝ, મુસ્ફિક અહેમદ, શેખ શકીલ અને શાહિમ અહેમદનો સમાવેશ થાય છે.
22 જુને થઇ હતી ઉમેશ કોલ્હેની હત્યા
ઉમેશ કોલ્હેની 22 જૂન 2022ના રોજ અમરાવતીમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઉમેશ ‘અમિત મેડિકલ’ નામની ફાર્મસી ચલાવતા હતા. ઘટનાની રાત્રે તેઓ તેમના પુત્ર સંકેત અને પુત્રવધૂ વૈષ્ણવી સાથે અલગ-અલગ બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ કોલ્હે પર પાછળથી તેમના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો.
ભાજપનાં પૂર્વ નેતા નુપુર શર્માને તથાકથિત રીતે સમર્થન આપવા બદલ ઉમેશ કોલ્હેની ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હત્યા કરી હતી. ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, ત્યારથી ઇસ્લામિક કટ્ટરપંથીઓ તેમની હત્યા કરવાની ફિરાકમાં હતા.
ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર યુસુફ નામનો એક જાનવરોનો ડોક્ટર છે, જે ઉમેશ અને તેના પરિવારનો વર્ષોથી પરિચિત છે. તેની ઉમેશ સાથે અંગત મિત્રતા પણ હતી. રિપોર્ટ્સ અનુસાર ઉમેશ તેને 2006-07થી ઓળખતા હતા. યુસુફે જ કોલ્હેની પોસ્ટને શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપમાં શેર કરીને કટ્ટરવાદીઓને મારવા માટે ઉશ્કેર્યા હતા. ત્યારબાદ હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.