બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંદુ વિરોધી હિંસા (Bangladesh Violence) અને અત્યાચાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યા છે. ભારતમાં પણ તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા. આ સિવાય બાંગ્લાદેશી હિંદુઓ (Bangladeshi Hindus) માટે ભારત સરકારે કોઈ પગલા લેવા જોઈએ એવી માંગો પણ ઉઠી હતી. ત્યારે આ મામલે ન્યૂયોર્કમાં (New York) પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો. હિંદુઓ સાથે થતા અત્યાચારોના બાબતે પ્લેન સાથે એક બેનર (Banner) બાંધી વિરોધ નોધવામાં આવ્યો હતો.
3 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર ન્યૂયોર્કમાં આવેલ મેનહટ્ટનનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક પ્લેન એક બેનરને સાથે લઈને ઉડતું જોવા મળ્યું હતું. હિંદુ એક્શન (HinduACTion) નામક સંગઠનના ન્યુયોર્કમાં રહેતા કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ નોંધવામાં આવ્યો છે. આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે, ‘Stop Violance on Bangladeshi Hindus’ (બાંગ્લાદેશી હિંદુઓ પર થતી હિંસા બંધ કરો).
BREAKING!!
— HinduACTion (@HinduACT) October 3, 2024
Happening in Manhattan just now. Our team members from #NewYork just sent a video.
A plane with a banner reading "Stop violence against Hindus in #Bangladesh" with a photo of interim leader Muhammad Yunus.#bangladeshhindugenocide pic.twitter.com/sS7yvdD2a5
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશી સરકારના હિંદુઓ સાથે થતા અત્યાચારો મામલે ઢીલા વલણને જાહેર કરવા માટે બેનરમાં બાંગ્લાદેશી વચગાળાની સરકારના નેતા મહોમ્મદ યુનુસનો ફોટો પણ લગાવેલો હતો. આ બેનર ઉડાવવાનો મુખ્ય ઉદ્દેશ, બાંગ્લાદેશમાં હિદુઓ સાથે થઇ રહેલ અત્યાચાર અંગે વિશ્વનું ધ્યાન દોરવાનો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો હિંદુ સમુદાય પણ હવે આ હિંસાનો વિરોધ કરી રહ્યો છે.
બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ હિંદુઓ સાથે અત્યાચારના ઘણા મામલાઓ સામે આવ્યા હતા. હસીના સરકારના પતન બાદ બનેલી વચગાળાની સરકારના નેતા મહોમ્મદ યુનુસે જાહેરમાં હિંદુઓ સાથે થતી ઘટનાઓનો સ્વીકાર કરીને માફી માંગી હતી. તથા ચોક્કસ પગલા લેવાં પણ કહ્યું હતું. જોકે આ વાતો માત્ર નિવેદન પુરતી જ માર્યાદિત રહી ગઈ.
આ સિવાય મહોમ્મદ યુનુસનું એક એવું નિવેદન પણ આવ્યું હતું જે અનુસાર બાંગ્લાદેશી હિંદુઓ સાથે થઇ રહેલા અત્યાચારો અને હિંસા અતિશયોક્તિ સાથે બતાવવામાં આવી રહ્યા છે. યુનુસે સમગ્ર મામલાને રાજનૈતિક મામલો ગણાવી દીધો હતો. જોકે વાસ્તવિકતા સાવ વિપરીત છે. બાંગ્લાદેશમાં હિંદુ ઘરો, દુકાનો, વ્યવસાયો દરેક જગ્યાએ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
હિંદુ મહિલાઓ સાથે બળાત્કાર અને અપહરણના મામલા પણ સામે આવ્યા હતા. આ ઉપરાંત ઘરો, દુકાનો ફૂંકી મારવા સહિતની ઘટનાઓ સામે આવી હતી. તાજેતરમાં જ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કેટલાક કટ્ટરપંથી ઇસ્લામવાદીઓએ દુર્ગા પૂજાનો વિરોધ નોંધાવ્યો હતો. દુર્ગા પૂજાની જાહેર રજાઓ રદ કરવા તથા જાહેરમાં પૂજા અને વિસર્જન ન કરવાની માંગો સાથે પ્રદર્શનો કર્યા હતા.