રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગના (NCPCR) ચેરમેન પ્રિયાંક કાનૂનગોએ રાજ્ય સરકારો દ્વારા મદરેસાઓને આપવામાં આવતા ભંડોળને રોકવાની ભલામણ કરી છે. તેમણે આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર પણ લખ્યો છે. પ્રિયાંકે પોતાના પત્રમાં મદરેસાઓ વિશે NCPCRના રિપોર્ટને પણ ટાંક્યો છે. શુક્રવારે (11 ઑક્ટોબર 2024) જાહેર કરવામાં આવેલા આ પત્રમાં પ્રિયંક કાનૂનગોએ મદરેસાઓમાંથી બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને દૂર કરીને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.
પ્રિયાંક કાનૂનગોનો આ પત્ર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને સંબોધિને લખવામાં આવ્યો છે. તેમણે પત્રની શરૂઆતમાં જ NCPCRના રિપોર્ટને ટાંક્યો છે, જેનું નામ ‘આસ્થાના સંરક્ષક કે અધિકારોના ઉત્પીડક: બાળકોના બંધારણીય અધિકાર અને મદરેસા’. આમાં તેમણે દાવો કર્યો છે કે બાળકોના મૂળભૂત અધિકારો અને લઘુમતી સમુદાયના અધિકારો વચ્ચે વિરોધાભાસ છે. આનું કારણ તેમણે લખ્યું હતું કે, મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી રહ્યા નથી.
NCPCR chief Priyank Kanoongo writes to Chief Secretaries/Administrators of all States/UTs regarding the Commission's report 'Guardians of Faith or Oppressors of Rights: Constitutional Rights of Children vs. Madrasas'
— ANI (@ANI) October 12, 2024
The letter reads, "It has been recommended that State funding… pic.twitter.com/b7XWjMAwuf
પ્રિયાંક કાનૂનગોએ પોતાના આ જ પત્રમાં ભલામણ કરી છે કે, રાજ્ય સરકારો દ્વારા મદરેસાઓને અપાતી આર્થિક મદદ બંધ કરવામાં આવે. આ સાથે રાજ્યમાં ચાલતા મદરેસા બોર્ડ પણ બંધ કરવા જોઈએ. આ ભલામણોની સાથે મદરેસાઓમાં અભ્યાસ કરતા તમામ બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવાનું કહેવામાં આવ્યું છે. પ્રિયાંક કાનૂનગોના જણાવ્યા મુજબ, દેશના તમામ બાળકોના ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે તેવો માહોલ તૈયાર કરવો જોઇએ.
Releasing soon…#Madarsa pic.twitter.com/FtFOZ7pAL3
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) October 11, 2024
પત્રના અંતમાં પ્રિયાંક કાનૂનગોએ આશા વ્યક્ત કરી છે કે, તેમની ભલામણો દેશને વધુ સારો બનાવવાની દિશામાં અસરકારક સાબિત થશે. તેમણે તમામ અધિકારીઓને આ પત્રની તપાસ કરવા અને આગળની કાર્યવાહી કરવા નિર્દેશ આપવા જણાવ્યું છે. પત્રમાં ઉલ્લેખિત ‘આસ્થાના સંરક્ષક કે અધિકારોના ઉત્પીડક: બાળકોના સંવિધાનિક અધિકાર અને મદરેસા‘ શીર્ષક ધરાવતો આ અહેવાલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા છે.