ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો હતો. જે અનુસાર રાજ્યની તમામ મદરેસાઓમાં આજથી વર્ગો શરૂ કરવા પહેલાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત રહેશે. ઉત્તર પ્રદેશ મદ્રેસા શિક્ષણ પરિષદ દ્વારા આ મામલે આદેશ જારી કરવામાં આવ્યો હતો. રમઝાનની રજાઓ બાદ મદરેસા ફરી ખુલી રહ્યા છે ત્યારે હવેથી આ આદેશનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશના લઘુમતી બાબતોના રાજ્યમંત્રી દાનિશ આઝાદ અન્સારીએ આ આદેશ જારી કર્યો છે. તમામ લઘુમતી કલ્યાણ વિભાગના અધિકારીઓને પત્ર જારી કરીને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં માન્યતાપ્રાપ્ત અને અનુદાનિત મદરેસાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે વર્ગો શરૂ થવા પહેલાં વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકો પાસે ફરજિયાત રાષ્ટ્રગીત ગવડાવવામાં આવે.
Uttar Pradesh Madrasa Education Board Council has made singing of National Anthem mandatory at madrasas before the start of classes.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2022
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આગામી શૈક્ષણિક સત્રથી વર્ગો શરૂ થવા પહેલાં અન્ય દુવાઓ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે રાષ્ટ્રગીત પણ ગાવાનું રહેશે. રમઝાનના કારણે મદરેસાઓમાં 30 માર્ચથી 11 મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેથી આજથી ફરી નિયમિત વર્ગો શરૂ થઇ રહ્યા છે. ત્યારે આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
આ આદેશનું પાલન રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત, અનુદાનિત અને બિન અનુદાનિત તમામ મદરેસાઓમાં સુનિશ્ચિત કરવાનું રહેશે. નોંધનીય છે કે આગામી 14 મેના રોજથી મદરેસાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવાનાર છે. એક રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશમાં કુલ 16,461 મદરેસાઓ છે.
લઘુમતી કલ્યાણ મંત્રી દાનિશ અન્સારીએ જણાવ્યું કે, વાર્ષિક પરીક્ષાઓ પણ શરૂ થઇ રહી છે. નવા સત્રની શરૂઆત થઇ છે તો તમામ મદરેસાઓમાં વિદ્યાર્થીઓ ફરી આવવાના શરૂ થઇ ગયા છે. બોર્ડે તમામ જિલ્લા કલ્યાણ અધિકારીઓને આ અંગે અવત કર્યા છે. હવે તમામ સરકારી, ખાનગી કે અનુદાનિત મદ્રેસાઓમાં અન્ય દુવાઓ સાથે રાષ્ટ્રગીત પણ ફરજિયાત કરવામાં આવશે.
ગત 24 માર્ચના રોજ મળેલી મદ્રેસા શિક્ષણ પરિષદની એક બેઠકમાં રાજ્યની તમામ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નવા સત્રથી લાગુ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. હવે, આજથી નવું સત્ર શરૂ થતા આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મદરેસા શિક્ષણ પરિષદની બેઠકમાં પ્રાથમિક શિક્ષણના મોડેલના આધારે પરીક્ષા લેવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધોરણ એકથી આઠ સુધીના અભ્યાસક્રમમાં હિંદી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો સામેલ કરવામાં આવશે. ઉપરાંત, માધ્યમિક શિક્ષણમાં અરબી અને ફારસી સાહિત્ય સાથે દિનીયાત સામેલ કરીને એક વિષય અને તેની સાથે હિંદી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અલગ પ્રશ્નપત્રો હશે.
રિપોર્ટ અનુસાર, રાજ્યની મદરેસાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. છ વર્ષમાં લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ ઘટ્યા છે. જે અનુસાર, વર્ષ 2016 માં કુલ 4 લાખ 22 હજાર 627 વિદ્યાર્થીઓ મદરેસામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દાખલ થયા હતા. જ્યારે વર્ષ 2021 માં આ સંખ્યા ઘટીને 92 હજાર રહી ગઈ છે. એટલે કે છ વર્ષમાં ત્રણ લાખ વિદ્યાર્થીઓ ઓછા થયા છે.