બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુ વિરોધી હિંસાનો વિરોધ કરવા શુક્રવારે (16 ઓગસ્ટ) દેશની રાજધાની દિલ્હી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાનો બનાવી મંદિરોમાં તોડફોડ, હિંદુઓના ઘરો પર હુમલા, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી હતી. ઉપરાંત હિંદુઓ પર એટ્રોસિટીની ઘટનાઓ પણ સામે આવી હતી. આ મુદ્દે કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન અવાજ નથી ઉઠાવી રહ્યા. ત્યારે દિલ્હીમાં ‘નારી શક્તિ ફોરમ’ દ્વારા આ હિંસાનો વિરોધ કરવા દિલ્હીમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
16 ઓગસ્ટ શુક્રવારે દેશની રાજધાની દિલ્હી ખાતે ‘નારી શક્તિ ફોરમ’ દ્વારા મંડી હાઉસથી શરૂ કરી જંતર-મંતર સુધી પ્રદર્શન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં સામાજિક ક્ષેત્રે, તથા દરેક ક્ષેત્રે આગળ વધી પોતાની ભૂમિકા ભજવી રહેલી દરેક મહિલાઓએ ભાગ લીધો હતો. દેશની પ્રખ્યાત યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી સહિત વિવિધ શિક્ષણ સંથાઓના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ઉપરાંત ગૃહિણીઓ, ડોક્ટર, વકીલ, પેરામેડિકલ સ્ટાફ સહિત દરેક ક્ષેત્રના લોકો આ વિરોધ પ્રદર્શનમાં સંમેલિત થયા હતા. પ્રદર્શનમાં અલગ અલગ સ્થાનો પરથી લગભગ 60,000 લોકો જોડાય તેવી સંભાવનાઓ હતી.
પ્રદર્શન દરમિયાન ‘બાંગ્લાદેશ અલ્પસંખ્યક સમાજ પર અત્યાચાર બંધ કરો’, ‘બાંગ્લાદેશ દલિત સમાજ પર અત્યાચાર બંધ કરો’, જેવા પોસ્ટર પણ જોવા મળ્યા હતા. ઉપરાંત બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યાને લઈને પણ ‘1971 હિંદુ વસ્તી 18%, 2024માં હિંદુ વસ્તી 8%’ એવા પોસ્ટર પણ મહિલાઓના હાથમાં જોવા મળ્યા હતા. સાથે દુર્ગા માતા કી જય, ભારત માતા કી જયની ઘોષણાઓ પણ કરવામાં આવી હતી.
Zee News સાથે વાતચીતમાં એક મહિલાએ કહ્યું હતું કે “ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે અને તે પ્રમાણે વર્તન પણ કરે છે. સમગ્ર વિશ્વમાં ક્યાય પણ કોઈપણ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે ભારત તેમની સાથે ઊભો હોય છે, ખાસ કરીને પાડોશી દેશોની હંમેશા મદદ કરે છે. વર્તમાનમાં બાંગ્લાદેશની જે પરિસ્થિતિ છે, જે રીતે હિંદુઓનાં ઘર સળગાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી.” બીજા એક મહિલાએ કહ્યું હતું કે “વિશ્વમાં કોઈ પણ સ્થાને હિંદુઓ પર અત્યાચાર થશે તે અમે સહન નહીં કરીએ. આજે અમે મૌન માર્ચ નીકળી રહ્યા છીએ અને સમગ્ર વિશ્વને સંદેશ આપી રહ્યા છીએ નારીની શક્તિ ખૂબ વિશાળ છે, નારીનું અપમાન સહન કરવામાં નહીં આવે.”
5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસા બહોળા પ્રમાણમાં વધી ગઈ હતી. મંદિરોમાં તોડફોડ, મહિલાઓના અપહરણ, મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી હતી. હિંદુ પરિવારોના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા, ત્યારે આ મામલે દેશની રાજધાની દિલ્હીમાં ‘નારી શક્તિ ફોરમ’ દ્વારા મૌન પ્રદર્શન યાત્રા યોજવામાં આવી હતી.